તા. ૯ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧૦ ગુરૂવાર
News of Saturday, 21st March 2026
ઉમિયાધામ સિદસર દ્વારા સમાજ બંધારણ અને સામાજીક સુધારણા પર સૌરાષ્ટ્રભરનું સામાજીક સંમેલનઃ પરસોતમભાઈ રૂપાલા મુખ્ય વકતા
ત્રિવેણી સમારોહમાં કાલે રવિવારથી શુભારંભ શંખનાદ હજારો પાટીદારોનો પ્રવાહ ઇશ્વરીયા ભણી

રાજકોટઃ ઉમિયા માતાજી મંદિર સિદસર ના નેજા હેઠળ શૈક્ષણિક ક્ષેત્રે નવી દિશા તરફ આગળ ધપી રહેલા પાટીદાર સમાજે રાજકોટની ભાગોળે ઇશ્વરીયા ખાતે ૩૨ વિઘા જમીન માં ઉમા સંકુલ માં ૧૨પ કરોડના શૈક્ષણિક પ્રોજેકટ અંતર્ગત જીવન વિદ્યાપીઠનું આગામી તા. ર૬ ને રામનવમી ના રોજ ભૂમી પૂજન થશે. તા. રર થી ૨પ માર્ચ દરમ્યાન ઇશ્વરીયા ખાતે ત્રીવેણી સમારોહના અદભૂત આયોજન દરમ્યાન ૨પ કુંડી મહાયજ્ઞ, જ્ઞાતી સમૂહ ભોજન, વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, દાતા સન્માન યોજાનાર છે. સમારોહમાં પ્રથમ દિવસે તા. રર ને રવિવારે ઉમિયાધામ સિદસર દ્વારા સમાજ બંધારણ અને સામાજીક સુધારણા અંતર્ગત સામાજીક સંમેલન યોજાશે. આ સામાજીક સંમેલનમાં સાંસદ પરસોતમભાઈ રૂપાલા અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહી પરંપરા અને પરીવર્તનના વિષય પર પોતાની આગવી શૈલીમાં વકતવ્ય આપશે. ૨પ કુંડી મહાયજ્ઞ દર્શન, જ્ઞાતી સમૂહ ભોજન, સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.
પાટીદાર વિઝન-૨૦૪૭ અંતર્ગત મા ઉમિયાની આરાધના સાથે સરસ્વતીની સાધનાના સહીયારા સંકલ્પને સાર્થક કરતો ઈશ્વરીયા ખાતે આયોજીત આ ત્રિવેણી સમારોહ રાજકોટ સહીત સૌરાષ્ટ્રભરના પાટીદારો માટે શૈક્ષણિક વિકાસનો નૂતન પંથ નિર્માણ કરશે.
આ ત્રિવેણી સમારોહમાં ઉમિયાધામના પ્રમુખ મૌલેશભાઈ ઉકાણી, ઉપપ્રમુખ ચિમનભાઈ શાપરીયા, જગદીશભાઈ કોટડીયા, મંત્રી જયેશભાઈ પટેલે જણાવ્યુ હતુ કે સંગઠનનો ગુણાકાર અને શકિતનો સરવાળો કરી સમગ્ર કડવા પાટીદાર સમાજના સામાજીક, શૈક્ષણિક વિકાસને વેગવંતો બનાવવાની નેમ સાથે શુભારંભ થનાર આ ત્રિવેણી સમારોહ સમાજ વિકાસની નવી રાહ ચિધશે. ઉમા સંકુલમાં, જીવન વિદ્યાપીઠ જેવી શૈક્ષણીક સંસ્થાઓ ના નિર્માણ દ્વારા આવનારી પેઢી શિક્ષીત દિક્ષીત બનશે. શિક્ષણોન્મુખ વિકસીત પાટીદાર સમાજ દ્વારા ગરિમાપૂર્ણ સામાજીક રાષ્ટ્રવિકાસના કાર્યો થશે.
રવિવારે સવારે ૧૦ કલાકે સમાજ બંધારણ અને સામાજીક સુધારણા માટે પરંપરા અને પરિવર્તન વિષય પર ઉમિયાધામના પ્રમુખ મૌલેશભાઈ ઉકાણીની અધ્યક્ષતામાં યોજાનાર આ સમેલનમાં સમગ્ર સૌરાષ્ટ્રભરના ભામાશાઓ, સમાજ શ્રેષ્ઠીઓ, ઉપસ્થિત રહેશે. પાટીદાર અગ્રણી અને રાજકોટના સાંસદ પરસોતમભાઈ રૂપાલા આ સમાજીક સંમેલનમાં વકતા તરીકે ઉપસ્થિત રહી સમાજ બંધારણના માળખાને વધુ સુદ્રઢ કરવા, સામાજીક સુધારાઓ, ખોટી પરંપરાઓને સ્થાને પરિવર્તનને અપનાવવા, સાંપ્રત સમયની પ્રર્વતમાન સામાજીક સમસ્યાઓ, કૌટુંબીક પ્રશ્નો, યુવાનોના પ્રશ્નો, શિક્ષણનું મહત્વ, લગ્નવિષયક માન્યતાઓ પર સચોટ અને સટીક ટકોર કરી પોતાની આગવી વક્તવ્ય શૈલીમાં સમાજને દિશાદર્શન પુરૂ પાડશે.
આ ત્રિવેણી સમારોહમાં રાજકોટના વોર્ડ વાઈઝ વોર્ડ નં. ૧ થી ૯ ના પાટીદાર પરિવારો જ્ઞાતી સમૂહ ભોજનમાં ઉપસ્થિત રહેશે. આ મહોત્સવમાં યોજાનાર ૨૫ હુંડી મહાયજ્ઞમાં પાટીદાર અગ્રણીઓ તથા દાતા પરિવારો યજમાનનો લહાવો લેશે. દર્શનાર્થીઓ બપોરે ૨ કલાકથી રપ કુંડી મહાયજ્ઞ સહીત યજ્ઞશાળાના દર્શન તેમજ પરિકમાનો લાભ લઈ શકશે. સાંજે ૭ કલાકે કડવા પાટીદારનું જ્ઞાતી સમૂહ ભોજન યોજાશે. રાત્રે ૮:૩૦ કલાકથી વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. જેમાં પ્રથમ દિવસે રવિવારેમા ઉમિયાના અખંડ આસઘક, પ્રખ્યાત લોક ગાયક સાગર પટેલમાના ગીતો સહીતનો સંગીતમય કાર્યક્રમ રજુ કરશે. લોક સાહીત્યકાર જોય અઘેરા સાહીત્યીક તેમજ ડાયરો રજુ કરશે.
તા ૨૩ને સોમવારે વોર્ડ નંબર ૧૦, ૧૩ થી ૧૮ ના જ્ઞાતીજનોનું સમૂહ ભોજન તેમજ રાત્રે ગુણવંત ચુડાસમાનો હાસ્ય દરબાર યોજાશે. તા. ૨૪ને મંગળવારે વોર્ડ નં. ૧૧ના કડવા પાટીદાર પરિવારો સમૂહ ભોજન લેશે. બોલીવુડ પ્લેબેક સિગર ચૈતાલી છાયાની મ્યુઝીકલ નાઈટ યોજાશે. તા. રપને બુધવારે વોર્ડ નંબર ૧૨ નું જ્ઞાતી સમૂહ ભોજન થશે નૃત્ય અને ભકિતમય સંગીત સાથે સૌરાષ્ટ્ર ની પ્રખ્યાત શ્રીનાથજીની ઝાંખી પ્રસ્તુત થશે.આયોજન અને અસલિકરણ સમિતિના અધ્યક્ષ કૌશીકભાઈ રાબડીયા, ઉપાધ્યક્ષ હર્ષિતભાઈ કાવર, મંત્રી પ્રફુલભાઈ કાથરોટીયાના માર્ગદર્શન હેઠળ ૪૦ જેટલી સમિતિઓમાં આશરે ત્રણ હજાર જેટલા સ્વયંસેવકો સેવા આપશે. ટ્રાફીક નિયામકની યોગ્ય વ્યવસ્થાઓ કરવામાં આવશે. તા. રર થી ૨પ આ ત્રિવેણી મહોત્સવમાં સમસ્ત કડવા પાટીદારોને કાર્યક્રમ સ્થળે ઉમાસંકુલ ઇશ્વરીયા ખાતે ઉપસ્થિત રહેવા ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ સિદસર ના સમગ્ર ટ્રસ્ટી મંડળ, કારોબારી સમિતી, તથા સંગઠન ટીમ દ્વારા આમંત્રણ અપાયું છે.
(3:35 PM IST)










