News of Saturday, 21st March 2026
મારી મરજીથી પગલુ ભરુ છું, શંકર ભગવાન પાસે જાઉ છું: ચિઠ્ઠી લખી યુવાનનો આપઘાત
પ્રતિક ધોળકીયા શાપરથી પાંચ દિવસ પહેલા જ રાજકોટ ખોડીયારપરામાં રહેવા આવ્યો હતોઃ બી-ડિવીઝન પીએસઆઇ એમ. એન. પીઠીયાએ કાર્યવાહી કરી

રાજકોટ તા. ૨૧: શાપર વેરાવળથી પાંચ દિવસ પહેલા જ રાજકોટ પારેવડી ચોક નજીક રૂમ રાખીને રહેવા આવેલા યુવાને ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી ગઇ છે. ‘હું શંકર ભગવાન પાસે જાઉ છું, મારી મરજીથી મરુ છું, કોઇનો વાંક નથી'...આવી ચિઠ્ઠી તેણે લખી હોઇ પોલીસે કબ્જે કરી વિશેષ તપાસ હાથ ધરી છે.
જાણવા મળ્યા મુજબ શહેરના પારેવડી ચોક નજીક આવેલા ખોડિયારપરામાં રહેતા યુવકે ગળેફાંસો ખાઈ લીધાની જાણ ૧૦૮ મારફત થતાં બી-ડિવીઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ મેડમ એમ. એન. પીઠીયા સહિતે ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. આપઘાત કરનાર યુવાનનું નામ પ્રતિકભાઇ કિશોરભાઇ ધોળકીયા હોવાનું ખુલ્યું હતું. આ યુવાન મુળ શાપર વેરાવળનો વતની હતો અને અહિ પાંચેક દિવસ પહેલા જ રૂમ રાખી રહેવા આવ્યો હતો. તે પ્રાઇવેટ નોકરી કરતો હતો.
પીએસઆઇ એમ. એન. પીઠીયાના જણાવ્યા મુજબ આપઘાત કરનાર યુવાન પ્રતિકભાઇએ એક ચિઠ્ઠી લખી હતી જે રૂમમાંથી મળી આવી છે. જેમાં તેણે હું મારી મરજીથી મરુ છું, કોઇનો વાંક નથી, હું શંકર ભગવાન પાસે જાઉ છું. તેવું લખાણ લખ્યું છે. ચોક્કસ કારણ જાણવા તપાસ યથાવત રાખવામાં આવી છે.
(3:38 PM IST)










