News of Monday, 23rd March 2026
ભાગીયા મોન્ટુએ ખેતી પડતી મુકી દારૂ ઉતાર્યોઃ વાડીમાં ખાડો કરી તાલપત્રી નીચે છુપાવેલા રૂા.૨૧.૬૦ લાખનો જથ્થો કબ્જે
કુવાડવા પોલીસનો આણંદપર-બાઘી ગામે બિપીનચંદ્ર રાઠોડની વાડીમાં દરોડો : ડીસીપી હેતલ પટેલ, એસીપી વી. બી. જાડેજાની રાહબરીમાં પીઆઇ બી. પી. રજયા અને ટીમની કાર્યવાહીઃ એએસઆઇ ખોડુભા જાડેજા, કોન્સ. ભાવેશભાઇ મકવાણા અને કુશલભાઇ જોષીની બાતમીઃ આરોપી પકડાયા બાદ વધુ વિગતો ખુલશે

રાજકોટ તા. ૨૩: કુવાડવા તાબેના આણંદપર (બાધી) ગામના તળાવ પાસે આવેલ બીપીનચંદ્ર મેઘજીભાઇ રાઠોડની કબ્જા ભોગવટાની વાડીમાં દરોડો પાડી વાડીના ખુણામાં ખાડો ખોદી તેમાં તાલપત્રી નીચે છુપાવી રખાયેલો રૂા. ૨૧,૬૦,૦૦૦નો વિદેશી દારૂ ઝડપી લેવાયો છે. વાડી ભાગીયા તરીકે વાવવા રાખેલા મોન્ટુ નામના શખ્સે આ દારૂનો જથ્થો ઉતાર્યો હોવાની પ્રાથમિક વિગતો ખુલતાં મોન્ટુની શોધખોળ થઇ રહી છે. આ દારૂ ઉતારવામાં બીજા કોઇપણ સામેલ હોવાની શક્યતાએ વિશેષ તપાસ શરૂ કરવામાં આવી છે.
જાણવા મળ્યા મુજબ કુવાડાવા રોડ પોલીસ દારૂ જૂગારની પ્રવૃતિ નાબુદ કરવા પેટ્રોલીંગમાં હતી ત્યારે એએસઆઇ ખોડુભા જાડેજા, કોન્સ. ભાવેશભાઇ મકવાણા અને કુશલભાઇ જોષીને પાક્કી બાતમી મળી હતી કે આણંદપર બાઘી ગામે તળાવ પાસે આવેલી બીપીનચંદ્ર મેઘજીભાઈ રાઠોડની માલિકીની વાડી કે જે હાલમાં મોન્ટુ નામના શખ્સે વાવવા માટે રાખી છે, ત્યાં વિદેશી દારૂનો મોટો જથ્થો છુપાવવામાં આવ્યો છે. આ ચોક્કસ બાતમીના આધારે કુવાડવા રોડ પોલીસે આણંદપર બાઘી ગામની સીમમાં તળાવની દક્ષિણ દિશાએ આવેલી વાડીમાં દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન પોલીસે વાડીના એક ખૂણામાં તપાસ કરતા જમીનમાં મોટો ખાડો કરી તેમાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો છુપાવેલો મળી આવ્યો હતો.
ખાડા અંદર દારૂની પેટીઓ મુકી ઉપર કાળા કલરની પ્લાસ્ટિકની તાલપત્રી ઢાંકી દીધી હતી જેથી કોઈને શંકા ન જાય. પોલીસે આ તાડપત્રી હટાવીને તપાસ કરતા તેમાંથી એવરગ્રી રિઝર્વ વ્હિસ્કીની કુલ ૩૬૦ પેટીઓ મળી આવી હતી. આ પેટીઓમાં ૫૦૦ એમ.એલ.ની કુલ ૪૩૨૦ નંગ બોટલો હતી, જેની બજાર કિંમત ૨૧,૬૦,૦૦૦ જેટલી થાય છે. પોલીસે ઘટનાસ્થળેથી ૨૧.૬૦ લાખની કિંમતનો દારૂ અને ૩૦૦ની કિંમતની તાડપત્રી મળી કુલ ૨૧,૬૦,૩૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જોકે, પોલીસના દરોડા દરમિયાન મુખ્ય આરોપી મોન્ટુભાઈ હાજર મળી આવ્યો ન હોવાથી પોલીસે તેની સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી તેને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરી હતી.પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશનર ચૈતન્ય માંડલીક, નાયબ પોલીસ કમિશનર હેતલ પટેલ તથા મદદનીશ પોલીસ કમિશનર વી.બી. જાડેજા દ્વારા શહેરના વિસ્તારોમાંથી દારૂ અને જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓ નાબૂદ કરવા માટે કડક સુચનાઓ આપવામાં આવી હોઇ તે આ સફળ કામગીરીમાં પી.આઈ. બી.પી. રજયાની સાથે પીએસઆઇ આર.કે. સામુદ્રે, એએસઆઇ કે.વી. જાડેજા, પોલીસ કોન્સ્ટેબલ ભાવેશભાઈ મકવાણા, યુવરાજસિંહ જાડેજા, કુશલભાઈ જોશી, જયપાલભાઈ બરાળીયા, જયદીપભાઈ ધોળકિયા, મેહુલસિંહ ચુડાસમા, અરવિંદસિંહ ગોહિલ અને યશપાલસિંહ જાડેજા સહિતની ટીમે આ કામગીરી કરી હતી. મોન્ટુ ઝડપાયા બાદ વધુ નામો ખુલવાની પણ શક્યતા છે. (૧૪.૫)
(11:12 AM IST)










