<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th March 2026

ઓબીસી સમાજ અન્યાય સાંખી નહિ લેઃ મહેશ રાજપુત

પછાત વર્ગને કોંગ્રેસમાં જોડાવવા હાકલ

તસ્‍વીરમાં કોંગ્રેસ અગ્રણી મહેશભાઇ રાજપૂત, ઋત્‍વિક મકવાણા, વિક્રમ માડમ નજરે પડે છે. (તસ્‍વીરઃ સંદિપ બખતરીયા)

રાજકોટઃ તા.ર૪,ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઓ.બી.સી. (OBC) ડીપાર્ટમેન્‍ટના ચેરમેન ડો. મહેશભાઈ રાજપુતે પછાત વર્ગને સતત થઈ રહેલો અન્‍યાય દુર કરવા માટે અને સમાજમાં એકતા વધારવા માટે એક ખાસ ઝુંબેશ શરૂ કરી છે. તેમણે એક જાહેર અપીલ દ્વારા ઓ.બી.સી. સમાજના લોકોને કોંગ્રેસની વિચારધારા સાથે જોડાઈને ન્‍યાય માટેના આ યજ્ઞમાં સહભાગી થવા વિનંતી કરી છે. એક કાર્યક્રમમાં મહેશભાઈ રાજપૂતે ‘‘પરિવર્તનનો સંકલ્‍પ, કોંગ્રેસ જ વિકલ્‍પ'' એ નારા સાથે એક ક્‍યુ.આર. કોડ જાહેર કર્યો છે અને તેના દ્વારા લોકોને આ અભિયાનમાં જોડાવા અપીલ કરી છે.

મહેશભાઈ રાજપૂતે કહ્યુ છે કે, ગુજરાતના વિકાસને સાચી દિશામાં વેગ આપવા માટે અને હાલમાં વ્‍યાપી ગયેલા ભ્રષ્ટાચાર સામેની લડાઈને નેસ્‍તનાબુદ કરવા માટે સમાજને એક કરવો જરૂરી છે. જો ઓ.બી.સી. સમાજ મનમાં આ માટે ગાંઠ વાળી લ્‍યે તો તેમને થતો અન્‍યાય દુર કરતા કોઈ રોકી નહી શકે.

તેમણે એમ પણ કહ્યું હતું કે, ગુજરાતમાં ઓ.બી.સી. સમાજની વસતિ ૫૩ ટકાથી પણ વધુ છે અને તેમાં કુલ ૧૪૬ જેટલી જુદી જુદી જ્ઞાતિનો સમાવેશ થાય છે. જો ઓ.બી.સી.સમાજ આટલી વિશાળ સંખ્‍યામાં હોય અને યોગ્‍ય રીતે સંગઠિત થાય તો ઘણા સારા પરિણામ આવી શકે છે. ૧૯૩૧ માં છેલ્લી જાતિ આધારિત વસ્‍તી ગણતરી થઈ હતી. ત્‍યારબાદ ક્‍યારેય જાતિ આધારિત વસ્‍તી ગણતરી થઈ નથી તેના કોઈ સત્તાવાર આંકડા નથી. ૧૯૩૧ ની વસ્‍તી ગણતરીના આધારે ગુજરાતમાં ૫૩ ટકા જ્ઞાતિઓનો ઓબીસી કેટેગરીમાં સમાવેશ થાય છે.

તેમણે કહ્યું છે કે, ગુજરાતમાં પરિવર્તનની લહેર ફૂંકાઈ રહી છે ત્‍યારે સમગ્ર ઓ.બી.સી. સમાજ તેમાં સહભાગી બને તે આજના સમયની માંગ છે. ગુજરાતમાં ઘણા સમાજનો વિકાસ થયો છે પરંતુ સરકારની અન્‍યાયી નીતિને લીધે ઓ.બી.સી. સમાજનો વિકાસ થયો નથી. આજે પણ આપણા સમાજની યુવા પેઢીને શિક્ષણથી લઈને રોજગાર મેળવવા સુધી અન્‍યાય સહન કરવો પડે છે.

આ અન્‍યાય સામે આપણે આપણો અવાજ બુલંદ કરવો જ પડશે અને એ પહેલા આપણે હક્કની લડાઈમાં જોડાવું પડશે તેમ જણાવતા મહેશભાઈ રાજપૂતે ઉમેર્યું છે કે આજે જે ક્‍યુ.આર. કોડ લોન્‍ચ કરવામાં આવ્‍યો છે તે સ્‍કેન કરવાથી મોબાઈલમાં એક ફોર્મ આવશે. ઓ.બી.સી.સમાજના લોકોએ સિમ્‍પલ ફોર્મ ભરીને સબમિટ કરવાનુ છે. આ ફોર્મમાં દરેક વ્‍યક્‍તિએ પોતે કોંગ્રેસ પક્ષ માટે શું સેવા આપવા માંગે છે તેનો ઉલ્લેખ કરવાનો છે. આમ કરવાથી જવાબદારીની યોગ્‍ય રીતે વહેંચણી કરી શકાય. આ પ્રેસ કોન્‍ફરન્‍સમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સેક્રેટરી અને પૂર્વ ધારાસભ્‍ય ઋત્‍વીકભાઈ મકવાણા, પૂર્વ સાંસદ અને પૂર્વ ધારાસભ્‍ય વિક્રમભાઈ માડમ, પૂર્વ કાર્યકારી ચેરમેન રમેશભાઈ દેસાઈ (રબારી) વિગેરે હાજર રહેલા હતા.

 

(4:09 PM IST)