News of Wednesday, 25th March 2026
રૈયાધારમાં પટમાં હાજતે ગયેલા મુકેશ પાસે પૈસા માંગી બેફામ ધોલધપાટ
અજાણ્યા શખ્સોએ જે હોય તે આપી દેવાનું કહ્યું: મુકેશે ઇન્કાર કરતાં ધોકા-પાઇપ-પથ્થરથી ફટકાર્યોઃ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો

રાજકોટ તા. ૨૫: શહેરના રૈયાધાર પર રહેતાં યુવાનને તે સાંજે ઘર નજીક પટમાં કુદરતી હાજતે ગયો ત્યારે અજાણ્યા શખસોએ આવી પૈસા માંગતા તેણે પૈસા નથી તેવું કહેતાં આ શખ્સોએ તેનો ધોકા-પાઇપથી અને પથ્થરથી માર મારી લોહીલુહાણ કરી નાંખતાં સારવાર માટે દાખલ થયો છે. જાણવા મળ્યા મુજબ રૈયાધારમાં રાણીમા રૂડીમા ચોકમાં રહેતો મુકેશ અબાભાઇ જખાણીયા (ઉ.વ.૨૫) ગત સાંજે ઘર નજીક આવેલા પટ-ઝાડીજાંખરામાં કુદરતી હાજતે ગયો ત્યારે અજાણ્યા શખ્સોએ આવી ધોકા-પાઇપ-પથ્થરથી હુમલો કરી ઇજાઓ પહોંચાડતાં દકોરો મચાવતાં લોકો ભેગા થઇ જતાં હુમલાખોરો ભાગી ગયા હતાં. મુકેશને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં યુનિવર્સિટી પોલીસને જાણ કરાઇ હતી. મુકેશે હોસ્પિટલના બિછાનેથી કહ્યું હતું કે હું હાજતે ગયો ત્યારે અજાણ્યા શખ્સોએ આવી જે પૈસા ભેગા હોય તે આપી દેવાનું કહેતાં મેં હાલમાં કંઇ છે નહિ તેવું કહેતાં આ લોકોએ હુમલો કરી દીધો હતો અને ધોકા-પાઇપ ફટકારી પથ્થરથી પણ ઇજા કરી હતી. પોલીસે ખરેખર શું બન્યું તે જાણવા તપાસ હાથ ધરી છે.
(2:56 PM IST)










