News of Wednesday, 25th March 2026
એક રાજ્ય, એક નિયમઃ વડાપ્રધાનના વિચારબીજને ભૂપેન્દ્રભાઈ પટેલે મૂર્તિમંત કરી કરોડો લોકોની આસ્થાનું રક્ષણ કર્યું
લવ જેહાદ પર કાયદાકીય લગામ કસાશે અને બહેન-દીકરીઓને વારસાહક્ક સહિતના તમામ મામલે મળશે સમાન ન્યાય, લગ્ન, છૂટાછેડા અને લિવ-ઈન રિલેશનશિપમાં નોંધણી ફરજિયાત બનતા સામાજિક બદીઓનો કાયમી અંત આવશેઃ રાજુભાઈ ધ્રુવ

રાજકોટઃ દેશમાં વસતા તમામ લોકોને સમાન હક્ક, અધિકાર અને ન્યાય પ્રાપ્ત થાય તથા કોઈપણ વ્યક્તિ સાથે ભેદભાવ ન રહે તેવા શુભ આશયથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સમાન નાગરિક ધારાના વિચારબીજને ગુજરાતના મજબૂત અને નિર્ણાયક મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે મૂર્તિમંત કર્યો છે. આ ઐતિહાસિક પગલાં અંગે હર્ષ વ્યક્ત કરતા અગ્રણી રાજુભાઈ ધ્રુવે જણાવ્યું છે કે, રાજ્ય સરકારનો આ નિર્ણય ગુજરાતના કરોડો લોકોના આત્મસન્માનમાં અભૂતપૂર્વ વધારો કરનારો છે. ઉત્તરાખંડ બાદ સમાન નાગરિક ધારો (UCC) લાગુ કરનાર ગુજરાત દેશનું બીજું રાજ્ય બન્યું છે, જે ગૌરવપૂર્ણ સિદ્ધિ છે.
રાજુભાઈ ધ્રુવે સ્પષ્ટ કર્યું છે કે, આ કાયદો લાગુ કરતા પૂર્વે રાજ્ય સરકારે જાસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈની અધ્યક્ષતામાં નિષ્ણાત સમિતિ રચી લાખો લોકોના સૂચનોનો ગહન અભ્યાસ કર્યો હતો. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, વ્યક્તિગત કાયદાઓ અત્યાર સુધી ધર્મના આધારે અલગ-અલગ રહ્યા છે, જેનું નુકસાન આપણી દીકરીઓને ભોગવવું પડ્યું છે. હવે UCC ના અમલથી લવ જેહાદના ષડયંત્રો પર રોક મુકાશે. ધર્મના નામે કોઈ છેતરપિડી નહીં કરી શકે.
વધુમાં, લગ્ન, છૂટાછેડા અને લિવ-ઇન-રિલેશનશિપ જેવા સંવેદનશીલ મામલાઓમાં નોંધણી ફરજિયાત કરાઈ છે. વારસાઈ, દત્તક વિધાન અને HUF જેવી બાબતોમાં હવે ધર્મ-જાતિના ભેદ વગર સમાન નિયમો લાગુ થશે. આ ઐતિહાસિક ભેટ બદલ રાજુભાઈ ધ્રુવે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીનો હૃદયપૂર્વક આભાર માની અભિનંદન પાઠવ્યા છે.
(4:00 PM IST)










