News of Thursday, 26th March 2026
ખારચીયા ગામના સરપંચ પાસે બે લાખની ખંડણી માંગનાર ઉપલેટાના શખ્સ સામે ફરીયાદ
આર.ટી.આઇ.ની અરજી બાબતે સમાધાન કરવાની ના પાડતા ઉપલેટાના આશીષ લાલકીયાએ સરપંચ- તલાટીને સસ્પેન્ડ કરાવી જેલમાં નંખાવી દેવાની ધમકી આપી

રાજકોટ તા.૨૬: ઉપલેટાના ખારચીયા (શહીદ) ગામના સરપંચ પાસે બે લાખની ખંડણી માંગી સરપંચ અને તલાટીને સસ્પેન્ડ કરાવી જેલમાં નંખાવી દેવાની ધમકી આપનાર ઉપલેટાના શખ્સ સામે પોલીસમાં ફરીયાદ થઇ છે.
મળતી વિગતો મુજબ ખારચીયા (શહીદ) ગામના સરપંચ બોદુભાઇ દોશુભાઇ મથુપોૈત્રા રહે.ખારચીયાએ આરોપી આશીષ લાલકીયા રહે.ઉપલેટા સામે ઉપલેટા પોલીસ મથકમાં ફરીયાદ કરી છે.
ફરીયાદમાં જણાવ્યા મુજબ આરોપી શહીદ (ખારચીયા)ગામમાં આવેલ ગ્રામ પંચાયતમા અવાર નવાર આર.ટી.આઇ ની અરજીઓ કરી ફરીયાદી તથા સાહેદ તલાટી મંત્રી ને ધમકીઓ આપી આર.ટી.આઇ બાબતે સમાધાન માટે ફરીયાદી ને ઉપલેટા બોલાવી તેની પાસે ૨,૦૦,૦૦૦ /-(બે લાખ) રુપિયાની ખંડણી માંગી ફરીયાદી કે સાહેદે કોઇ ભુલ કરેલ ન હોય જેથી આપવાની ના પાડતા ફરીયાદી તથા સાહેદ ને સસપેંડ કરવાની તથા તમે ગ્રાંટ વાપરવામાં કોઇ ને કોઇ ભુલ કરેલ હશે તેમ કહી એ.સી.બી મા ખોટી ફરીયાદ તથા વિશ્વાસ ઘાત ની ફરીયાદ કરી ભવિષ્ય બરબાદ કરી નાખીશ અને જેલ મા નખાવી દઇશ અને જામીન નહી મળે અને જામીન મળશે તો જાન થી મારી નાખીશ તેવી ધમકી આપી હતી.
આ ફરીયાદ અન્વયે ઉપલેટા પોલીસે આરોપી સામે ગુન્હો દાખલ કરી તપાસ હાથધરી છે.
(2:58 PM IST)










