<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th March 2026

રાજકોટના સિરીયલ કિલર નિલય મહેતાને આજીવદ કેદ- વાપીની બાળકીના બળાત્‍કારી હત્‍યારાને ફાંસીના માંચડે પહોંચાડનાર વી.એમ. જાડેજા બન્‍યા એસપી

રાજયના ૪ ડીવાયએસપીને પોલીસ અધિક્ષક તરીકે બઢતીઃ વી.એમ. જાડેજા ઉપરાંત એસ.બી. બારોટ, જે.આઇ. વસાવા અને ડી.એમ. ચોૈહાણનો સમાવેશ

રાજકોટ તા.૨૬: ગુજરાત પોલીસમાં નાયબ પોલીસ અધિક્ષક તરીકે ફરજ બજાવતા વી.એમ. જાડેજા, જે.આઇ. વસાવા, એસ.બી. બારોટ અને ડી.એમ. ચોૈહાણને પોલીસ અધિક્ષક તરીકે બઢતી આપતો હુકમ ગૃહવિભાગ દ્વારા કરવામાં આવ્‍યો છે.

રાજય અનામત પોલીસ દળ ગ્રુપ -૨૦ વિરમગામ ખાતે ફરજ બજાવતા એસ.બી. બારોટને તેમની જ પોસ્‍ટ અપગ્રેડ કરી સેનાપતિ તરીકે બઢતી આપવામાં આવી છે. આવી જ રીતે ડી ડીવીઝન સુરત શહેર ખાતે ફરજ બજાવતા ડીવાયએસપી વી.એમ. જાડેજાને સુરત શહેર ડી ડીવીઝનમાં જ પોલીસ અધિક્ષક તરીકે બઢતી આપવામાં આવી છે. આ ઉપરાંત વડોદરા ટ્રાફિક પોલીસના ડીવાયએસપી જે.આઇ. વસાવા અને મહેસાણાના વિસનગરના ડીવાયએસપી ડી.એમ. ચોૈહાણને પણ તેમના જ હોદાને અપગ્રેડ કરી બઢતી આપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, એસપી તરીકે બઢતી મેળવનાર શ્રી વી.એમ. જાડેજા કાલાવડ તાલુકાના ભાડુકીયાના વતની છે. તેમણે પોતાનું શિક્ષણ રાજકોટ ખાતે પુરૂ કરી પોલીસ વિભાગમાં સબ ઇન્‍સપેકટર તરીકે નિમણુંક મેળવ્‍યા બાદ સતત જુદી-જુદી જગ્‍યાએ ઉત્‍કૃષ્‍ટ કામગીરી બજાવી પોલીસ અધિક્ષક પદ સુધીની ઝળહળતી સફળતા મેળવી છે.

વી.એમ. જાડેજાને ૨૦૨૦ની સાલમાં ભારતના મહામહીમ રાષ્‍ટ્રપતિ દ્વારા પ્રશંસનીય સેવા મેડલ તથા વર્ષ ૨૦૨૨નો કેન્‍દ્રીય ગૃહ વિભાગનો બેસ્‍ટ ઈન્‍વેસ્‍ટીગેશન મેડલ તથા ગુજરાતના ડીજીપી દ્વારા ૨૦૨૪ માં પ્રશંસનીય સેવા મેડલ એનાયત કરવામાં આવ્‍યો હતો. વાપી ડીવાયએસપી તરીકે ફરજ દરમ્‍યાન ૩૦ કરોડના અપહરણ, ખંડણી કેસનો કુનેહપૂર્વક ઉકેલ લાવવા બદલ સરકાર દ્વારા ૧૦ લાખનું રોકડ ઇનામ ૨૦૨૧ની સાલમાં તેઓને આપવામાં આવ્‍યુ હતું.

૨૦૨૦ ની સાલમાં વાપી ખાતે ફરજ દરમ્‍યાન સમગ્ર ગુજરાતને હલબલાવતી ઘટના ઘટી હતી જેમાં ૯ વર્ષની બાળકી ઉપર બળાત્‍કાર ગુજારી હત્‍યા કરવામાં આવી હતી. આ કેસનું ડીટેકશન માત્ર ગણતરીના દિવસોમાં શ્રી વી.એમ. જાડેજા અને તેમની ટુકડીએ કર્યું હતુ અને પાડોશમાં રહેતા વિકૃત યુવાનને ઝડપી પાડી તેના વિરૂધ્‍ધ ટુકાગાળામાં ચાર્જશીટ કરી ફાંસીના માંચળે લટકાવવા સુધીની સજા માટે નિમિત બન્‍યા હતા. આ કેસમાં તેમને કેન્‍દ્રીય ગૃહ વિભાગનો બેસ્‍ટ ઈન્‍વેસ્‍ટીગેશનનો એવોર્ડ મળ્‍યો હતો. આ ઘટના બની ત્‍યારે પોલીસને શંકા ન જાય તે માટે આરોપી યુવક પોલીસને તપાસમાં મદદરૂપ થવાનું નાટક કરતો હતો પરંતુ વી.એમ. જાડેજાની વિચક્ષણ નજરમાંથી બચી શકયો ન હતો.

આ પહેલા રાજકોટ ખાતે  ક્રાઇમબ્રાંચ અને ગાંધીગ્રામ પોલીસ સ્‍ટેશનમાં પણ કાયદો અને વ્‍યવસ્‍થાની સ્‍થિતી જાળવી રાખવા માટે તેઓનું યોગદાન મહત્‍વનું રહયુ હતું. રાજકોટના ફરજકાળ દરમ્‍યાન અનેક વણ શોધાયેલા ગુનાઓ ઉકેલવાનો શ્રેય તેમને મળ્‍યો હતો. જેમાં સોૈથી મહત્‍વનો કેસ સિરીયલ કિલર નિલય મહેતાનો હતો. તબીબના વૃધ્‍ધ માતાને આમ્રપાલી ફાટક નજીક તેમના એપાર્ટમેન્‍ટમાં મોતને ઘાટ ઉતારી અજાણ્‍યા શખ્‍સે લુંટ કરી હતી. આ ઘટનાનો ભેદ પણ વી.એમ. જાડેજાએ ઉકેલી નાખ્‍યો હતો.

મહારાષ્‍ટ્રના રાયપુર- છતીસગઢ ખાતેથી નિલય મહેતાને ઝડપી લેવાયો હતો. ઝડપાયેલો નિલય મહેતા પાછળથી સિરીયલ કિલર હોવાનું ખુલ્‍યુ હતું. તેણે સોૈરાષ્‍ટ્રમાં ૮ જેટલી હત્‍યાઓને અંજામ આપી લોકોમાં અસલામતીનું વાતાવરણ સર્જી દીધુ હતું. તબીબના વૃધ્‍ધ માતાના લુંટ-હત્‍યા કેસમાં શ્રી જાડેજાએ પુરાવાની સાંકળ રચી ચાર્જશીટ કર્યુ હતું. જેના પરિણામે નિલય મહેતાને આજીવન કેદની સજા કોર્ટે ફટકારી હતી.

આવા અનેક કોયડારૂપ કેસો ઉકેલી ગુજરાત પોલીસબેડાના ગોૈરવરૂપ બનેલા શ્રી વી.એમ. જાડેજાને એસપી પદે બઢતી આપવામાં આવતા તેમના ઉપર ચારેકોરથી અભિનંદનવર્ષા થઇ રહી છે. (મો. નં. ૯૯૨૫૦ ૧૧૩૩૩

(3:01 PM IST)