News of Friday, 27th March 2026
જૂગાર રમવા અને રમાડવાના કારણે ૨૦ લાખનું દેણું થયું: રસુલપરાના યુવાને ફિનાઇલ પીધું!
લેણાદારો રોજેરોજ વ્યાજ-મુડીની ઉઘરાણી કરતાં હોઇ કંટાળી જતાં પગલુ ભર્યાનું હકીમભાઇ બુકેરાનું કથનઃ સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં પોલીસે તપાસ હાથ ધરી

રાજકોટ તા. ૨૭: ગોંડલ રોડ રસુલપરામાં રહેતાં યુવાને માલધારી ફાટક નજીક ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર માટે દાખલ કરાયા છે. હોસ્પિટલના બિછાનેથી તેણે કહ્યું હતું કે પોતે જૂગાર રમે છે અને રમાડે પણ છે. આ કારણે વીસેક લાખનું દેણું થઇ જતાં અને હવે લેણદારો વ્યાજની, મુડીની રકમની ઉઘરાણી કરતાં હોઇ કંટાળી જઇ આ પગલુ ભર્યુ હતું!
જાણવા મળ્યા મુજબ કોઠારીયા સોલવન્ટ પાસે રસુલપરામાં રહેતાં હકીમભાઇ ઇસ્માઇલભાઇ બુકેરા (ઉ.વ.૪૦) નામના યુવાને ગઇકાલે માલધારી ફાટક પાસે ફિનાઇલ પી લેતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરી હતી.
હકીમભાઇ ચાર ભાઇ અને ચાર બહેનમાં નાના છે અને સંતાનમાં એક દિકરી તથા બે દિકરા છે. હાલમાં પોતે કારખાનામાં મજૂરી કરે છે. હકીમભાઇએ હોસ્પિટલના બિછાનેથી કહ્યું હતું કે મને જૂગાર રમવાની ટેવ છે અને રાજકોટ આસપાસ જૂગારના ફીલ્ડ બેસાડી રમાડતો પણ હતો. છેલ્લા એક બે મહિનામાં આ કુટેવને કારણે આશરે વીસેક લાખનું દેણું થઇ ગયું છે. આઠથી દસ લોકોને નાણા ચુકવવાના છે. જેમાં કેટલાકને રોજેરોજ એટલે કે ડાયરીનું વ્યાજ ચુકવવાનું હોય છે. ઉઘરાણી સતત વધી ગઇ હોઇ અને રૂપિયાનો મેડ થઇ શકે તેમ ન હોઇ જેથી કંટાળીને આ પગલુ ભરી લીધુ હતું. તેણે એમ પણ કહ્યું હતું કે અગાઉ પોતે જૂગાર રમતા, રમાડતાં હતાં. હાલમાં આ બધુ મુકી દઇ મજૂરીએ લાગી ગયા છે.
(2:20 PM IST)










