<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th March 2026

રાજકોટ વોર્ડ નં. ૧૭ ભાજપ માટે ‘ડેન્‍જર ઝોન' ?

વિકાસના નામે મીંડું અને દારૂના દૂષણથી જનતા લાલઘૂમ : જનરલ બોર્ડ અને સાઈન બોર્ડમાં જ દેખાતા નેતાઓ સામે ભારે આક્રોશ : ચારેય કોર્પોરેટરો નવા આવવાની પૂરી શક્‍યતા : જ્ઞાતિવાદના સમીકરણો અને નવા ચહેરાઓની શોધ : શું ભાજપ 'નો-રિપીટ' થીયરી અપનાવી ગઢ બચાવશે?

રાજકોટ : મહાનગરપાલિકાની આગામી ચૂંટણીઓમાં વોર્ડ નં. ૧૭ સત્તાધારી પક્ષ ભાજપ માટે 'એલાર્મ બેલ' સમાન સાબિત થઈ રહ્યો છે. આ વોર્ડમાં વર્તમાન કોર્પોરેટરો સામે પ્રજામાં જબરદસ્‍ત નારાજગી જોવા મળી રહી છે.

વિકાસના કામોમાં નિષ્‍ફળતા, દારૂના અડ્ડાઓનું વધતું પ્રભુત્‍વ અને નેતાઓની જનતાથી દૂરીને કારણે અહીં ભાજપનો ગઢ જોખમમાં મુકાયો છે. પક્ષ હવે આ બેઠકો બચાવવા માટે ચારેય જૂના ચહેરાઓને બદલીને નવા અને જ્ઞાતિગત સંતુલન ધરાવતા ઉમેદવારોને મેદાનમાં ઉતારે તેવી પ્રબળ સંભાવના છે.

રાજકોટ મહાનગરપાલિકાની આગામી ચૂંટણીના રણશિગા ફૂંકાઈ રહ્યા છે ત્‍યારે વોર્ડ નં. ૧૭ ભાજપ માટે સૌથી મોટો માથાના દુખાવો બનીને ઉભરી રહ્યો છે.

આ વોર્ડ પરંપરાગત રીતે કોઈ એક પક્ષનો કાયમી કિલ્‍લો રહ્યો નથી; અહીંના મતદારો દર વખતે પરિવર્તન લાવીને રાજકીય સમીકરણો બદલવા માટે જાણીતા છે. હાલમાં જનતામાં જે રીતે આક્રોશ છે તે જોતા ભાજપ માટે અહીં ‘ખતરાની ઘંટડી' વાગી રહી છે.

વિકાસના નામે માત્ર વાયદા, પ્રજા સુવિધાઓથી વંચિત

વોર્ડ નં. ૧૭માં વિકાસના કામો મુદ્દે કોર્પોરેટરો વચ્‍ચે સંકલનનો સદંતર અભાવ જોવા મળ્‍યો છે. હોકર્સ ઝોન ફાળવવામાં નિષ્‍ફળતા અને મળતિયાઓ દ્વારા રેકડીઓ પાસેથી હપ્તા ઉઘરાવવાની ચાલતી પ્રવૃત્તિઓએ લોકોમાં રોષ જગાડ્‍યો છે. સફાઈ વ્‍યવસ્‍થામાં ટીપર વાનની અનિયમિતતા અને અટિકા જેવા ઔદ્યોગિક વિસ્‍તારમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ હોવાથી ઉદ્યોગ જગત પણ મરણપથારીએ પડ્‍યું છે.

આ ઉપરાંત, ઢેબર કોલોની, બાબરિયા કોલોની અને ઘનશ્‍યામ નગર જેવા વિસ્‍તારોમાં દારૂનું દૂષણ ડામવામાં કોર્પોરેટરોની નિષ્‍ક્રિયતા સામે લોકો સવાલો ઉઠાવી રહ્યા છે.

માત્ર વિનોદભાઈ શેઠ હોલનું નવીનીકરણ તેમજ બોલબાલા માર્ગ પર એક્‍ટિવિટી સેન્‍ટરનું નિર્માણ થયું, તે ઉજળી બાજુ છે.

લોકોનો આક્ષેપ છે કે કોર્પોરેટરો માત્ર જનરલ બોર્ડ, સાઈન બોર્ડ કે નામના બાંકડાઓમાં જ દેખાય છે, બાકીના સમયે પ્રજા વચ્‍ચે જોવા મળતા નથી.

ચારેય વર્તમાન કોર્પોરેટરોની સ્‍થિતિ ડામાડોળ

ભાજપના મોટાભાગના વર્તમાન કોર્પોરેટરોની વ્‍યક્‍તિગત છબી પણ આ વખતે નડતરરૂપ બને તેમ છે.

૧. વિનુભાઈ ધવા : બે ટર્મથી કોર્પોરેટર છે અને તેમના પરિવારમાંથી અનેક સભ્‍યો અગાઉ પદ ભોગવી ચૂક્‍યા છે. તેમની તેજતર્રાર છબી જાણીતી છે. અને ઘવા પરિવારને કોઈ અન્‍ય મહત્‍વની જવાબદારી સોંપાય તો નવાઈ નહીં. આગામી ચૂંટણીમાં હવે પક્ષ નવા લોહીને તક આપવા વિચારી રહ્યો હોવાનું બહાર આવ્‍યું છે.

૨. રવજીભાઈ મકવાણા : ચૂંટાયા બાદ સદંતર નિષ્‍ક્રિયતા અને વય મર્યાદા જો લાગુ પડે તો  તેમનું પત્તું કપાવવું લગભગ નિヘતિ મનાય છે.

૩. કીર્તિબા રાણા : પોતે અન્‍ય વોર્ડમાં રહેતા હોવાથી ‘બહારના ઉમેદવાર' તરીકેનો ટેગ તેમને નડી રહ્યો છે અને સ્‍થાનિકોનો સખત વિરોધ છે.

૪. અનિતાબેન ગોસ્‍વામીઃ બીમારીને કારણે તેઓ સક્રિય રહી શક્‍યા નથી અને તેમના સ્‍થાને તેમના પતિ વહીવટ સંભાળતા હોવાથી લોકોમાં નકારાત્‍મક સંદેશ ગયો છે.

નવા જ્ઞાતિગત સમીકરણો અને પરિવર્તનની લહેર

આ વોર્ડમાં પટેલ, કડિયા, બ્રાહ્મણ, ક્ષત્રિય અને આહિર જ્ઞાતિનું પ્રભુત્‍વ છે. નવા રોટેશન મુજબ બે સામાન્‍ય મહિલા, એક ઓબીસી પુરુષ અને એક સામાન્‍ય પુરુષ માટે બેઠકો નક્કી થઈ છે. રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા છે કે ભાજપ આ વખતે એક ક્ષત્રિય પુરુષ, એક કડિયા પુરુષ, એક લેઉવા પટેલ મહિલા અને એક બ્રાહ્મણ મહિલાને ટિકિટ આપી શકે છે.

હસનવાડી, નારાયણનગર, સહકાર સોસાયટી, ત્રિશૂળ ચોક અને હુડકો જેવા વિસ્‍તારોમાં નાગરિકોની અપેક્ષા મુજબ કામ થયું નથી. જો ભાજપ તમામ ચારેય ચહેરાઓ નહીં બદલે, તો આમ આદમી પાર્ટી અથવા અન્‍ય વિકલ્‍પો મજબૂત બની શકે છે. વોર્ડ નં. ૧૭માં ભાજપ માટે હવે ‘કરો અથવા મરો' જેવી સ્‍થિતિ સર્જાઈ છે. 

(3:43 PM IST)