તા. ૩૦ જાન્યુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા સુદ – ૧૨ શુક્રવાર
News of Saturday, 28th March 2026
નાના મવા રોડ પર મારવાડી બિલ્ડીંગમાં આગઃ સદ્દનસીબે મોટી નુકસાની, જાનહાની અટક્યા
પાર્કિંગમાં ઇલેક્ટ્રીક રૂમમાં કેબલમાં શરૂ થયેલી આગ ચોથા માળ સુધી ફેલાઇ ગઇ હતીઃ પોણા કલાકમાં કાબુમાં : પાંચમા માળે કર્મચારીઓ હોઇ સહી સલામત નીચે ઉતરી ગયાઃ બિલ્ડીંગની ફાયર સિસ્ટમનો પણ આગ ઓલવવામાં ઉપયોગ કરાયોઃ એડમીન મેનેજર દેવાંગ ચંદારાણાએ કહ્યું- શોર્ટ સરકીટ કારણભુતઃ વાયરીંગ અને બહારની સાઇડના કાચમાં નુકસાની

નાના મવા રોડ મારવાડી બિલ્ડીંગમાં રાતે આગ ભભૂકતાં લોકોના ટોળા એકઠા થઇ ગયા હતાં. બેઝમેન્ટના ઇલેક્ટ્રીક રૂમમાંથી શરૂ થયેલી આગ ચોથા માળ સુધી પહોંચી જતાં જે દ્રશ્ય સર્જાયુ હતું તે પ્રથમ તસ્વીરમાં અને આગ બુઝાવી રહેલા ફાયર બ્રિગેડના જવાનો, એકઠા થયેલા લોકોના ટોળા જોઇ શકાય છે. (તસ્વીઃ અભિજીત બગથરીયા)
રાજકોટ તા. ૨૮: શહેરના નાના મવા રોડ પર આવેલા મારવાડી શેર એન્ડ ફાયનાન્સની બિલ્ડીંગમાં રાતે આગ ભભૂકતા દોડધામ મચી ગઇ હતી. નીચે બેઝમેન્ટમાં આવેલા ઇલેક્ટ્રીક કેબલના રૂમમાં ડક્ટમાં શોર્ટ સરકિટને કારણે આગ ભભૂકી હતી અને જોતજોતામાં છેક ચોથા માળ સુધી આ આગ પહોંચી જતાં લોકોના ટોળા ઉમટી પડયા હતાં. ફાયર બ્રિગેડની ટીમોએ સમયસર પહોંચી અડધાથી પોણા કલાકમાં આગ કાબુમાં લઇ લીધી હતી. આગ ચોથા માળ સુધી પહોંચી ત્યારે પણ પાંચમા માળે અમુક કર્મચારીઓ આ ઘટનાથી અજાણ હોઇ પોતાનું કામ કરી રહ્યા હતાં. સિક્યુરીટીએ ફાયર એલાર્મ ચાલુ કરતાં આ બધા પાછળના ભાગેથી સહીસલામત નીચે ઉતરી ગયા હતાં. સદ્દનસિબે આગથી મોટી નુકસાની અને જાનહાની અટકી હતી.
જાણવા મળ્યા મુજબ નાના મવા રોડ પર મારવાડી શેર એન્ડ ફાયનાન્સની બિલ્ડીંગમાં રાતે સવા દસેક વાગ્યે આગ ભભુક્યાની જાણ દિલીપભાઇ નામની વ્યક્તિએ કરતાં ફાયર બ્રિગેડની ટીમો તત્કાળ પહોંચી ગઇ હતી. ફાયર બ્રિગેડ સુત્રોના કહેવા મુજબ આગ બિલ્ડીંગના બેઝમેન્ટમાં આવેલા ઇલેક્ટ્રીક કેબલના રૂમમાં લાગી હતી. આ આગ બિલ્ડીંગના બહારના ભાગે આગળ વધી છેક ચોથા માળ સુધી ફેલાઇ ગઇ હતી. ફાયર બ્રિગેડના જવાનોએ પાણીનો મારો ચલાવી અડધાથી પોણા કલાકમાં આગ સંપુર્ણ કાબુમાં લઇ લીધી હતી. મારવાડી શેર્સ એન્ડ ફાયનાન્સના એડમીન મેનેજર દેવાંગભાઇ રમેશભાઇ ચંદારાણાએ જણાવ્યું હતું કે ડક્ટ કેબલમાં શોર્ટ સરકિટ થવાથી આગ લાગી હતી અને તે ઉપર ચોથા માળ સુધી પહોંચી ગઇ હતી.
તેમણે વધુમાં કહ્યું કે ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલીક આવી ગઇ હતી અને અમારી બિલ્ડીંગની ફાયર સેફટી સિસ્ટમનો પણ ઉપયોગ કરાયો હતો. જેના કારણે આગ ઝડપથી કાબુમાં આવી ગઇ હતી. સદ્દનસિબે માત્ર ઇલેક્ટ્રીક કેબલ અને બિલ્ડીંગની બહારની સાઇડના ચાર માળ સુધીના કાચમાં નુકસાની સિવાય કોઇ મોટી નુકસાની કે જાનહાની થયા નથી. આગમાં કાચનું એલીવેશન, ઇલેક્ટ્રીક વાયરીંગ સળગી ગયા છે. જેના કારણે આગની અસર સર્વર રૂમ સુધી થઇ હતી.
આગની ઘટનાની જાણ થતાં કનક રોડ ફાયર સ્ટેશન, મવડી ફાયર સ્ટેશન, કાલાવડ રોડ ફાયર સ્ટેશનથી બંબા દોડાવાયા હતાં. ફાયર બ્રિગેડના સીએફઓ દવે, ડે.સીએફઓ ઝાલા, એસટીઓ નળીયાપરા, જોષી, વિઠ્ઠુ, મઠીયા, ડીએમસી જાની, ડીએમસી નંદાણી, સહિતના પણ પહોંચી ગયા હતાં. ફાયર બ્રિેગેડ ટીમના નરેન્દ્રસિંહ ઝાછલા, લવકુમાર તિવારી, અજય મકવાણા, હાર્દિક નાકીયા, અશ્વની વડેચણીયા, અજુનિસિંહ ચુડાસમા, દિલીપભાઇ રાજોસરા, વિજયભાઇ મેણીયા, હર્ષદિપસિંહ ગોહિલ, જયકુમાર વાળા, ડ્રા. નિલેષભાઇ, હરવિજયસિંહ, જગદીશભાઇ, કાલાવડ રોડના કિરણભાઇ, મયુરભાઇ, મોૈલિકભાઇ, નવજીતસિંહ, નિલેષભાઇ, લાલજીભાઇ, દિલીપસિંહ, પ્રદ્યુમનભાઇ, હીમાંશુભાઇ, નરેશભાઇ, અશ્વનીભાઇ, મહિપતભાઇ, કનક રોડના આકાશભાઇ, નારજુભાઇ, સુનિલભાઇ, કિશનભાઇ, ભરતભાઇ, જીગરભાઇ, અનિરૂધ્ધસિંહ સહિતનાએ આગ બુઝાવવાની કામગીરી કરી હતી.
દસ માળના આ બિલ્ડીંગમાં પાર્કિંગ બેઝમેન્ટ એરીયાથી શરૂ થયેલી આગ ભારે હવાને કારણે જોતજોતાંમાં ચોથા માળ સુધી પહોંચી જતાં ભયંકર દ્રશ્યો સર્જાયા હતાં. આસપાસના લોકો મોટી સંખ્યામાં ભેગા થઇ ગયા હતાં અને પોલીસ પણ પહોંચી ગઇ હતી. માલવીયા નગર પોલીસ મથકના પીઆઈ જે. આર. દેસાઈ તેમજ એફએસએલ સહીતની ટીમે બિલ્ડીંગમાં આગ અંગે તપાસ કરી હતી તેમજ કોઈ જાનહાની નહી હોવાનું બહાર આવતા વધુ કાર્યવાહી કરી છે. બનાવને પગલે ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા પણ પહોંચી ગયા હતાં.
આગની ઘટનાની જાણ કરનારા દિલીપભાઈએ જણાવ્યું કે સવા દસેક વાગ્યે હું મારા મિત્રને મળવા માટે જતા હતા ત્યારે મારવાડી બિલ્ડીંગમાં આગની જવાળાઓ દેખાઈ હતી. જેને જોઈને તરત જ મેં ફાયર વિભાગને જાણ કરી હતી. એ દરમિયાન કાચ ફૂટવાના અવાજ આવતાં પાંચમા માળેથી લોકો પણ જીવ બચાવીને નીચે દોડી આવ્યા હતા. ફાયરબ્રિગેડના સૂત્રોએ જણાવ્યું હતું કે ૧૨૦૦૦ લીટરનું એક ટેન્કર અને ૧૦-૧૦ હજાર લીટરના બે ટેન્કર સાથે મારવાડી બિલ્ડીંગના બાજુના મકાનની અગાસી પર ચડી પાંચમાં માળે ફાયરિંગ કરી આગ બુઝાવી હતી. મોટી નુકસાની અને જાનહાની અટક્યા હતાં.
(2:14 PM IST)










