તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૦ મંગળવાર
News of Saturday, 28th March 2026
ગાયકવાડીના યુવાન કાના ભાવનાણીને રેલનગરમાં સમાધાનની વાત કરવા બોલાવી પાઇપથી ફટકાર્યો
બે દિવસ પહેલા સમાજના લોકો સામે આક્ષેપ કરી ઝેર પી લેનારા ધનરાજના ભાઇ પર હુમલો : ૧૫મીએ વેલકમ ચેટીચાંદ ઇવેન્ટમાં કાનાના ભાઇ ધનરાજને સંદિપ, લાલો સહિતની સાથે માથાકુટ થઇ ત્યારે કાનાએ ફોન પર સંદિપને ગાળો દીધી હતીઃ તેનો ખાર રાખી હુમલોઃ સંદિપ, લાલો, સાગર, અજાણ્યા તૂટી પડયા

રાજકોટ તા. ૨૮: ગાયકવાડીમાં રહેતાં અને ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ કરતાં સિંધી યુવાને બે દિવસ પહેલા પોતાને સમાજના લોકો હેરાન કરતાં હોવાનો આક્ષેપ કરી ઝેરી દવા પી લીધી હતી. દરમિયાન આ યુવાન સાથે ગત ૧૫મીએ એક ઇવેન્ટમાં માથાકુટ કરનારા શખ્સો પૈકીના એક શખ્સને આ યુવાનના ભાઇએ ફોન કરી ગાળો દીધી હોઇ માથાકુટ થતાં તેને ગત રાતે સમાધાનની વાત કરવા રેલનગરની પાનની દુકાને બોલાવી ચારેક શખ્સોએ લોખંડના પાઇપથી બેફામ માર મારતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ થયો છે.
જાણવા મળ્યા મુજબ ગાયકવાડીમાં સાધુ વાસવાણી સ્કૂલ પાછળ રવિસાગર એપાર્ટમેન્ટમાં રહેતાં કાના વિનોદભાઇ ભાવનાણી (ઉ.વ.૨૮) પર ગત રાતે દોઢેક વાગ્યે રેલનગર પેટ્રોલ પંપ નજીક મઢુલી પાન પાસે હુમલો થતાં અને પાઇપથી માર મારવામાં આવતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં પ્ર.નગર પોલીસે ફરિયાદ નોંધવા તજવીજ કરી હતી. પોલીસ ચોકીના સ્ટાફની પ્રાથમિક પુછતાછમાં તેણે પોતાના પર સંદિપ, લાલો, સાગર અને અજાણ્યાએ હુમલો કર્યાનું કહ્યું હતું.
દરમિયાન કાનાએ હોસ્પિટલના બિછાનેથી કહ્યું હતું કે મારા નાના ભાઇ ધનરાજે બે દિવસ પહેલા આપઘાતનો પ્રયાસ કર્યો હતો. મારા ભાઇ તા. ૧૫મીના રોજ અયોધ્યા ચોક બંધન પાર્ટી પ્લોટ ખાતે વેલકમ ચેટીચાંદને લગતી ઇવેન્ટમાં હતાં ત્યારે તેની સાથે સાગર સિંધી, લાલો સિંધી, સંદિપ ફ્રુટવાળા સહિતે ત્યાં બોલાચાલી કરી માથાકુટ કરી હતી. આ વાતની મને જાણ થતાં મેં સંદિપને ફોન કરતાં તે ઉગ્ર થઇ જતાં ગાળાગાળી થઇ હતી. ગત રાતે હું ઘરે હતો ત્યારે લાલાએ મને ફોન કરી રેલનગરમાં મઢુલી પાન ખાતે આવવાં અને ચા-પાણી પી લઇ સમાધાન કરી લેવાની વાત કરતાં હું ત્યાં ગયો હતો. તેની સાથે વાત ચાલુ હતી ત્યાં જ સંદિપ, સાગર અને અજાણ્યા આવી ગયા હતાં. બાદમાં બધાએ મળી લોખંડના પાઇપથી મારા પર હુમલો કરી માથા, પગ, શરીરે ઇજા કરી હતી. તેમજ ધમકી પણ આપી હતી. પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે.
(2:42 PM IST)










