News of Saturday, 28th March 2026
વોર્ડ નં. ૧૮માં ભાજપના આંતરિક ડખાઓ જ ભાજપને હરાવશેઃ આમ આદમી પાર્ટી બે બેઠકો છીનવી જાય તેવો સર્વે
કોઠારિયા વિસ્તારમાં વિકાસના નામે મીંડું: ખરાબાની જમીનો પર બગીચાને બદલે પ્રોટેક્શન મની ઉઘરાવી ગેરકાયદે બાંધકામો ખડકાયા

રાજકોટઃ મહાનગરપાલિકાની આગામી ચૂંટણીમાં વોર્ડ નં. ૧૮ રાજકીય ભૂકંપ સર્જી શકે છે. કોઠારિયા વિસ્તારને કોર્પોરેશનમાં ભળ્યાને ૧૫ વર્ષ વીતી ગયા હોવા છતાં છેવાડાના માનવીને પ્રાથમિક સુવિધાઓ મળી નથી. શાસક પક્ષના કોર્પોરેટરોએ પ્રજાનો વિકાસ કરવાને બદલે 'પ્રોટેક્શન મની' ઉઘરાવીને પોતાનો જ વિકાસ કર્યો હોવાનો પ્રજામાં ભારે રોષ છે. ટ્રાફિક, વરસાદી પાણીના નિકાલ અને આંતરિક જૂથબંધીના કારણે લોકો હવે ત્રીજા વિકલ્પ તરીકે આમ આદમી પાર્ટી તરફ નજર દોડાવી રહ્યા છે. જો ભાજપ 'નો-રિપીટ' થિયરી નહીં અપનાવે તો ભારે નુકસાન સહન કરવું પડશે તેવું સ્પષ્ટ મનાય રહ્યું છે.
રાજકોટ મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને અત્યારથી જ રાજકીય માહોલમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. રાજકીય પક્ષો ખાનગી એજન્સીઓ મારફતે હાર-જીતનો સર્વે કરાવી રહ્યા છે, જેમાં વોર્ડ નં. ૧૮ની વાસ્તવિકતા અત્યંત ચોંકાવનારી સામે આવી છે. કોઠારિયા વિસ્તારને મહાનગરપાલિકામાં ભેળવ્યાને ૧૫ વર્ષ વીતી ચૂક્યા છે. 'જ્યાં માનવી ત્યાં સુવિધા' અને છેવાડાના માનવીના પ્રશ્નો હલ કરવાના ભાજપના મંત્રના આ વોર્ડમાં સરેઆમ ધજાગરા ઉડી રહ્યા છે. આ વોર્ડમાં ૫ વર્ષ કોંગ્રેસના અને ૧૦ વર્ષ ભાજપના કોર્પોરેટરો સત્તા પર રહ્યા, છતાં જનતા ત્રાહિમામ પોકારી ગઈ છે. પરિણામે, મતદારો હવે ત્રીજો વિકલ્પ શોધી રહ્યા છે અને 'આપ' ને ચૂંટવાનો નિર્ધાર કર્યો હોય તેવું સ્પષ્ટ જણાઈ આવે છે.
એક સર્વેના તારણો મુજબ, આ વોર્ડમાં ભાજપ જ ભાજપને હરાવશે અને કોંગ્રેસ કે આપ પાર્ટીને જીતવા માટે બહુ મહેનત નહીં કરવી પડે. આમ આદમી પાર્ટી સીધી ૨ બેઠકો લઈ જાય તેવી પ્રબળ સંભાવના છે.
જ્ઞાતિગત સમીકરણો અને નવા રોટેશનનો પડકારઃ આગામી ચૂંટણી માટે વોર્ડ નં. ૧૮માં નવા રોટેશન મુજબ બેઠકોની ફાળવણી થઈ ગઈ છે. જેમાં એક બેઠક મહિલા ઓબીસી, એક બેઠક મહિલા સામાન્ય, એક બેઠક પુરુષ અનુસૂચિત જાતિ (એસસી) અને એક બેઠક પુરુષ સામાન્ય માટે ફાળવવામાં આવી છે. ૭૫,૦૦૦ જેટલા મતદારો ધરાવતા આ વોર્ડમાં પટેલ, કોળી, માલધારી, કડિયા, પ્રજાપતિ, ક્ષત્રિય, આહિર અને ગઢવી સહિતની જ્ઞાતિઓનું મિશ્ર પ્રભુત્વ છે.
રાજકીય પંડિતોની ભવિષ્યવાણી મુજબ, જો ભાજપ આ જ્ઞાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને ટિકિટ નહીં ફાળવે અને 'નો-રિપીટ થિયરી' અપનાવીને ચારેય ચહેરાઓ નહીં બદલે, તો 'આપ' અહીં મેદાન મારી જશે.
ખરાબાની જમીનો પર ભ્રષ્ટાચાર અને સુવિધાઓનો અભાવઃ આ વોર્ડમાં વિકાસના નામે માત્ર ભ્રષ્ટાચાર જ ફૂલ્યોફાલ્યો હોવાના ગંભીર આક્ષેપો છે. શહેરનો સૌથી મોટો ખરાબાનો વિસ્તાર કોઠારિયામાં હોવા છતાં, ત્યાં કોઈ મોટા બગીચા, તળાવ કે ફરવાલાયક સ્થળ ઉભા કરવામાં આવ્યા નથી. તેના બદલે, મીઠી નજર હેઠળ 'પ્રોટેક્શન મની' (હપ્તા) ઉઘરાવીને આડેધડ ગેરકાયદે બાંધકામો ખડકી દેવામાં આવ્યા છે.
વોર્ડના લોકોએ જાતે જ પોતાનો વિકાસ કર્યો છે, જ્યારે કોર્પોરેટરોએ માત્ર પોતાનો અંગત વિકાસ સાધ્યો છે. સમગ્ર વોર્ડમાં એકમાત્ર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સિવાય તંત્ર તરફથી અન્ય કોઈ જ માળખાકીય સુવિધા ઉભી કરવામાં આવી નથી, જેના કારણે છેવાડાના વિસ્તારોના નાગરિકોમાં શાસકો પ્રત્યે ભારે રોષ ભભૂકી રહ્યો છે.
ચારેય કોર્પોરેટરોની કામગીરી નિષ્ફળઃ
ગાળાગાળી અને વોટ્સએપમાં જ સમય વેડફાયો
વોર્ડ નં. ૧૮ના કોર્પોરેટરો સંજયસિંહ રાણા, સંદીપ ગાજીપરા, ભારતીબેન પરસાણા અને દક્ષાબેન વાઘેલાએ ચૂંટાયા બાદ વિકાસના ખાતમુહૂર્ત કરવાને બદલે વિવાદોના ખાતમુહૂર્ત કર્યાની ચર્ચા પણ જોરમાં છે.. સંજયસિહ રાણા અને ભારતીબેન વચ્ચેના ઝઘડા તુતું-મેમેથી શરૂ થઈને ગાળાગાળી અને મારામારી સુધી પહોંચ્યા હતા, જેને શાંત પાડવામાં શહેર ભાજપના નેતાઓથી લઈ ધારાસભ્ય ગોવિદભાઈ પટેલ, ભાનુબેન બાબરિયા અને લાખાભાઈ સાગઠિયા પણ સદંતર નિષ્ફળ રહ્યા હતા. સંજયસિંહ રાણાનું ધ્યાન વોર્ડ કરતાં વોટ્સએપમાં વધુ રહ્યું હોવાની ચર્ચા છે. જ્યારે સંદીપ ગાજીપરા પાર્ટીના કાર્યક્રમોમાં સતત ગેરહાજર રહેતા તેમને પક્ષનું તેડું પણ આવ્યું હતું. બીજી તરફ, ૨ લાખથી વધુ વસ્તી ધરાવતા આટલા મોટા વોર્ડને સાચવવામાં દક્ષાબેન વાઘેલા પણ નિષ્ફળ રહ્યા છે. આ ડખાઓને જોતા બળવાખોર કોર્પોરેટરોના પત્તા કપાવા નિヘતિ મનાય છે.
ટ્રાફિક અને જળબંબાકારની ભયંકર સમસ્યાઃ માત્ર સસ્તી પ્રસિદ્ધિ જ મળી
શહેરની સૌથી વિકટ ટ્રાફિક સમસ્યા વોર્ડ નં. ૧૮માં છે. રાજકમલ પેટ્રોલપંપ, માલધારી ફાટક અને સૌથી માથાના દુખાવારૂપ કોઠારિયા ચોકડી પાસે બ્રિજનું નાળું પહોળું કરવામાં કોર્પોરેટરોથી લઈને ધારાસભ્યો અને સાંસદો પણ નિષ્ફળ રહ્યા છે. માલધારી ફાટક અને રણુજા મંદિર પાસે બ્રિજ બની શક્યા નથી. ચોમાસામાં નંદાહોલ પાસેથી જ વોર્ડ સંપર્ક વિહોણો બની જાય છે અને રણુજા મંદિર આસપાસનો વિસ્તાર બેટમાં ફેરવાઈ જાય છે. કાયમી ઉકેલ લાવવાને બદલે શાસકો માત્ર રાહત રસોડા ચાલુ કરી સસ્તી પ્રસિદ્ધિ મેળવે છે. આ ઉપરાંત, વરુણ ઇન્ડસ્ટ્રીઝ જેવા ઔદ્યોગિક વિસ્તારમાં રોડ-રસ્તાનો અભાવ છે અને કોઠારિયા સોલ્વન્ટ તથા શીતળાધારમાં પીવાના પાણીની ગંભીર સમસ્યાઓ લોકો ભોગવી રહ્યા છે.
(3:03 PM IST)










