તા. ૧૧ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર વદ – ૭ ગુરૂવાર
News of Sunday, 29th March 2026
રેડિયો સિલોનની ૭૫ વર્ષની ઐતિહાસિક સફર - હિન્દી સિનેમાના સુવર્ણયુગનો અવાજ

રાજકોટ : આવતીકાલે ૩૦મી માર્ચ ૨૦૨૬ ના રોજ 'રેડિયો સિલોન' પોતાની પ્રસારણ યાત્રાના ૭૫ વર્ષ પૂર્ણ કરી રહ્યું છે. એક સમય એવો હતો જ્યારે ભારતમાં મનોરંજનનું કોઈ બીજું માધ્યમ ન હતું અને ઘરે-ઘરે ટીવી કે ઇન્ટરનેટ પહોંચ્યા ન હતા, ત્યારે 'રેડિયો સિલોન' નું નામ પડે એટલે સંગીતપ્રેમીઓના કાન સરવા થઈ જતા. ભારતીય હિન્દી સિનેમાના સુવર્ણયુગના એ મધુર ગીતો આજે પણ આ જ રેડિયો સ્ટેશન પર ગુંજી રહ્યા છે અને શ્રોતાઓને એ જૂના જાદુઈ યુગમાં પાછા લઈ જાય છે.
*ઓલ ઇન્ડિયા રેડિયોનો પ્રતિબંધ અને રેડિયો સિલોનનો ઉદય*
વર્ષ ૧૯૫૨ ની આસપાસ ભારતના તત્કાલીન માહિતી અને પ્રસારણ મંત્રી બી. વી. કેસકરે ઓલ ઇન્ડિયા રેડિયો પરથી ફિલ્મી ગીતોના પ્રસારણ પર કડક પ્રતિબંધ મૂકી દીધો હતો. તેમનું માનવું હતું કે ફિલ્મી સંગીત ભારતીય શાસ્ત્રીય સંગીતને નુકસાન પહોંચાડી રહ્યું છે. આ નિર્ણયે ભારતીય ફિલ્મ જગતને મોટો ફટકો માર્યો હતો. પરંતુ, આ જ સમય રેડિયો સિલોન માટે સૌથી મોટો વળાંક સાબિત થયો. શ્રીલંકાના આ રેડિયો સ્ટેશને હિન્દી ફિલ્મી ગીતોને પ્રસારિત કરવા માટે 'કોમર્શિયલ સર્વિસ' શરૂ કરી અને જોતજોતામાં તે આખા દક્ષિણ એશિયામાં, ખાસ કરીને ભારતમાં, અત્યંત લોકપ્રિય થઈ ગયું.
*રેડિયો સિલોનના એ "અવાજો" જેણે ભારતીય સંગીત પ્રેમીઓના હૃદય પર રાજ કર્યું*
રેડિયો સિલોનને સફળ બનાવવામાં તેના એન્કર (ઉદ્ઘોષકો)નો સિંહફાળો રહ્યો છે. અમીન સયાનીનો અવાજ જ્યારે રેડિયો પર "બહેનો ઔર ભાઈયો" થી શરૂ થતો ત્યારે આખો દેશ મંત્રમુગ્ધ થઈ જતો. અમીન સયાની ઉપરાંત જિમ્મી ભરૂચા, ગોપાલ શર્મા, દલવીર સિંહ, વિજય કિશોર દુબે અને મનોહર મહાજન જેવા દિગ્ગજ પુરુષ એન્કરોએ ભારે નામના મેળવી હતી. જ્યારે મહિલા એન્કરોમાં વિમલા લુથરા અને કામિની ગંજવાલાના મધુર અવાજે શ્રોતાઓને વર્ષો સુધી જકડી રાખ્યા હતા.
આ ઉદ્ઘોષકોએ પોતાની અનોખી શૈલી, સ્પષ્ટ ઉચ્ચારણ અને ઉર્દુ-હિન્દી-ગુજરાતીના સુંદર મિશ્રણથી શ્રોતાઓના હૃદયમાં કાયમી સ્થાન બનાવ્યું હતું. ભારતના ખૂણે-ખૂણેથી લોકો 'આપ કી ફરમાઈશ' માટે હજારો પોસ્ટકાર્ડ લખતા અને એન્કરો જ્યારે તેમનું નામ બોલતા ત્યારે ગામડાઓમાં ઉત્સવ જેવો માહોલ સર્જાતો.
*ભારતીય સંગીતકારો અને ગાયકોને મળ્યો વૈશ્વિક મંચ*
લતા મંગેશકર, મોહમ્મદ રફી, મુકેશ, આશા ભોંસલે, કિશોર કુમાર અને મન્ના ડે જેવા મહાન ગાયકોના અવાજને ઘર-ઘર સુધી પહોંચાડવામાં રેડિયો સિલોનનો ફાળો અમૂલ્ય છે. નૌશાદ, એસ. ડી. બર્મન, શંકર-જયકિશન, મદન મોહન, ઓ. પી. નૈયર અને કલ્યાણજી-આણંદજી જેવા દિગ્ગજ સંગીતકારોની ધૂનો આ જ સ્ટેશનના માધ્યમથી અમર બની ગઈ. રાજ કપૂર, દિલીપ કુમાર અને દેવ આનંદની ફિલ્મો હિટ કરાવવામાં આ ગીતોના પ્રસારણે પીઆર (પબ્લિક રિલેશન) જેવું કામ કર્યું હતું.
આજે ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે, એક્સ, ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ જેવા ડિજિટલ પ્લેટફોર્મ્સ પર પણ ભારે ચર્ચા જાગી છે. હિન્દી, અંગ્રેજી, ઉર્દુ, શ્રીલંકન, અરબી અને ગુજરાતી ભાષાના વિવિધ ઑનલાઇન મ્યુઝિક ફોરમ્સમાં રેડિયો સિલોનના આ સુવર્ણ ઇતિહાસને યાદ કરવામાં આવી રહ્યો છે. નવી પેઢી પણ આર્કાઇવમાંથી જૂની ઑડિયો ક્લિપ્સ શોધીને સાંભળી રહી છે.
આજે પણ રેડીયો સીલોન ઉપરથી જુના યાદગાર હિન્દી ફિલ્મોનો અવિરત પ્રવાહ વહી રહ્યો છે..
____
બોક્સ (૧):
*'બિનાકા ગીતમાલા' નો અનોખો જાદુ*
બુધવારની રાત્રે ૮ વાગ્યે અમીન સયાનીના અવાજમાં 'બિનાકા ગીતમાલા' કાર્યક્રમ પ્રસારિત થતો. આ એક કલાક દરમિયાન ભારતના રસ્તાઓ પર કર્ફ્યુ જેવો માહોલ છવાઈ જતો. કયું ગીત પહેલા નંબરે આવશે તેની લોકો શ્વાસ રોકીને રાહ જોતા.
બોક્સ (૨):
*પાનના ગલ્લે જામતી ભીડ*
એ જમાનામાં દરેક ઘરમાં રેડિયો ન હતો. તેથી સાંજના સમયે પાનના ગલ્લાં, ચાની લારીઓ કે જે પડોશીના આંગણામાં મોટો મર્ફી રેડિયો હોય ત્યાં લોકોની ભારે ભીડ જમા થતી. ગીતોના રેન્કિંગ અને મનપસંદ કલાકારો માટે ચાની ચુસ્કીઓ વચ્ચે શરતો પણ લાગતી હતી.
બોક્સ (૩):
*'ભૂલે બિસરે ગીત' અને પોસ્ટકાર્ડનો જમાનો*
શ્રોતાઓ રેડિયો સિલોન પર ગીતોની ફરમાઈશ માટે દર અઠવાડિયે લાખોની સંખ્યામાં પોસ્ટકાર્ડ અને આંતરદેશીય પત્રો લખતા. 'ભૂલે બિસરે ગીત' કાર્યક્રમમાં જ્યારે કોઈ જૂનું ગીત વાગતું, ત્યારે વૃદ્ધોથી લઈને યુવાનો સૌ જૂની યાદોમાં ખોવાઈ જતા. *+
(3:27 PM IST)










