News of Monday, 30th March 2026
ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ‘રાષ્ટ્રીય વયોશ્રી યોજના' અંતર્ગત વરિષ્ઠ નાગરિકોને જીવન સહાયક ઉપકરણોનું વિતરણ

રાજકોટઃ મેઘાણી રંગભવન ખાત ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે ‘રાષ્ટ્રીય વયોશ્રી યોજના' અંતર્ગત વરિષ્ઠ નાગરિકોને જીવન સહાયક ઉપકરણોનું વિતરણ કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો હતો. અગાઉ યોજાયેલા વિશાળ એસેસમેન્ટ કેમ્પમાં નોંધાયેલા શહેરના ૨૧૭ વયોવળદ્ધ નાગરિકોને અંદાજિત રૂ. ૧૮ લાખની કિંમતના કુલ ૧,૧૧૭ જેટલા વિવિધ ઉપકરણો વિતરણ કરવામાં આવ્યા હતા. ભારત સરકારની વરિષ્ઠ નાગરિક કલ્યાણલક્ષી પહેલ અંતર્ગત ધારાસભ્ય શ્રી રમેશભાઈ ટીલાળાના માર્ગદર્શન હેઠળ તેમના કાર્યાલયે ALIMCO (આર્ટિફિશિયલ લિમ્બ્સ મેન્યુફેક્ચરિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા)ના સહયોગથી રાજકોટ શહેરમાં વિશાળ એસેસમેન્ટ કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ દરમિયાન નિષ્ણાતોની ટીમ દ્વારા વરિષ્ઠ નાગરિકોની જરૂરિયાતોને આધારે જીવન સહાયક ઉપકરણો માટે વિગતવાર મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું, જેના આધારે આ ઉપકરણોનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ સમગ્ર પ્રક્રિયાラએસેસમેન્ટ કેમ્પના આયોજનથી લઈને વિતરણ કાર્યક્રમ સુધી, ધારાસભ્ય શ્રી રમેશભાઈ ટીલાળાના સક્રિય માર્ગદર્શન, સતત મહેનત અને વહીવટી તંત્ર સાથેના સંકલનથી સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે. તેમના પ્રયાસોથી શહેરના અનેક વયોવળદ્ધ નાગરિકોને આ યોજનાનો લાભ સરળતાથી પ્રાપ્ત થયો હતો. આ યોજના હેઠળ ૬૦ વર્ષથી વધુ વયના વડીલોને વ્હીલચેર, કમોડ ખુરશી, કમરના સપોર્ટ માટેના પટ્ટા, શ્રવણ યંત્ર સહિતના વિવિધ સહાયક ઉપકરણો આપવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સંબોધન કરતાં જણાવ્યું હતું કે જીવનમાં મુશ્કેલ સમયમાં પરસ્પર સહકાર અને સંવેદના ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમણે સંતાનોને માતા-પિતાની જવાબદારી નિભાવવાની પ્રેરણા આપી અને સંવેદનશીલ સમાજના નિર્માણ માટે સૌને આગળ આવવાની અપીલ કરી હતી. કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીશ્રીએ પ્રોટોકોલ બાજુએ મૂકી સ્ટેજ પરથી નીચે ઉતરી વડીલો સાથે વ્યક્તિગત મુલાકાત કરી તેમની લાગણીઓ જાણી, જે પ્રસંગે માનવતાનો સ્પર્શ અનુભવાયો હતો. આ પ્રસંગે ધારાસભ્ય શ્રી રમેશભાઈ ટીલાળાએ જણાવ્યું હતું કે, ૅકેન્દ્ર સરકારની ‘રાષ્ટ્રીય વયોશ્રી યોજના' વડીલોના જીવનને સરળ અને સુખમય બનાવવામાં આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે.ૅ તેમણે ઉમેર્યું હતું કે, ડબલ એન્જિન સરકારના શ્રેષ્ઠ સંકલનને કારણે રાજકોટને વિકાસની અનેક મહત્ત્વપૂર્ણ સોગાતો મળી છે. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી ડો. મનસુખભાઈ માંડવીયા, જિલ્લા પ્રભારી મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, રાજ્ય કક્ષાના મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયા, રાજ્ય કક્ષાના મંત્રી શ્રી દર્શનાબેન વાઘેલા, સાંસદ સર્વે શ્રી પુરુષોત્તમભાઈ રૂપાલા, શ્રી રામભાઈ મોકરીયા અને શ્રી કેસરીદેવસિંહ ઝાલા, ધારાસભ્ય સર્વે શ્રી ભાનુબેન બાબરીયા, ડો. દર્શિતાબેન શાહ, શ્રી ઉદયભાઈ કાનગડ, મ્યુનિસિપલ કમિશનર શ્રી તુષાર સુમેરા, જિલ્લા કલેક્ટર ડો.ઓમ પ્રકાશ, એલિમ્કોના જનરલ મેનેજર શ્રી રમેશચંદ, શ્રી માધવભાઈ દવે, શ્રી નરેન્દ્રસિંહ જાડેજા, શ્રી વલ્લભભાઈ દુધાત્રા, માજી કોર્પોરેટરો શ્રીઓ, શ્રી ચંદુભાઈ વિરાણી, શ્રી જયેશભાઈ ઉપાધ્યાય સહિતનાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
(3:17 PM IST)










