<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th March 2026

રાજકોટમાં ‘‘મેહફિલ-એ-મીર'' કાર્યક્રમમાં શ્રોતાઓને ડોલાવશે ઓસમાણ- આમીર મીર : જુઓ વિડીયો

રાજકોટમાં પ્રથમ વાર પારિવારીક ગીતોના ગુલદસ્‍તાને રજુ કરાશે : આગામી ૫ એપ્રિેલને રવિવારે ૧૫૦ ફૂટ રીંગ રોડ પર આવેલ મૂવમેન્‍ટ પાર્ટી પ્‍લોટ ખાતે ‘‘ગાલા ગિગ'' ઇવેન્‍ટ દ્વારા સૂરિલુ આયોજન : સૂફિ, બોલિવૂડ, લોકગીત , ભજનો, ગઝલ ઉપરાંત પહેલી વાર રાજકોટમાં મેડલી રજૂ થશે અચૂક માણવા જેવો કાર્યક્રમ

રાજકોટ તા.૩૦: અનેક ફિલ્‍મોમાં જેમણે પોતાનો કંઠ આપ્‍યો છે ઉપરાંત સુફિ સંગીત હોય, ભજનો હોય, ગઝલ હોય કે ગીત હોય  તેમના અવાજથી લોકો ઝુમી ઉઠે છે. એવા ગાયક કલાકાર ઓસમાણભાઇ મીર અને તેમના પુત્ર આમીરભાઇ મીર આજે અકિલાના આંગણે મહેમાન બન્‍યા હતા અને તેના આગામી  કાર્યક્રમ વિશે માહિતી આપી હતી.

તા.૫ એપ્રિલે ‘‘ગાલા ગિગ'' ઇવેન્‍ટ દ્વારા રાજકોટમાં ૧૫૦ ફૂટ રીંગ રોડ પર આવેલ મૂવમેન્‍ટ પાર્ટી પ્‍લોટ ખાતે ‘‘મહેફિલ એ મીર'' નામનો અદભૂત પારિવારીક ગીતોના ગૂલદસ્‍તા પીરસતો કાર્યક્રમ યોજાવા જઇ રહ્યો છે. ઓસમાણ ભાઇએ જણાવ્‍યું હતું કે આ કાર્યક્રમનો કોન્‍સેપ્‍ટ ખૂબ સરસ છે અને આટલા મોટા લેવલ પર રાજકોટમાં પહેલી વાર યોજાવા જઇ રહ્યો છે. આપણા એવા અનેક ગીતો છે જે પરિવારને જોડે છે આજે પારિવારીક સંબંધો તૂટતા જાય છે, સંબંધોની કિંમત નથી રહી ત્‍યારે ભાઇ બહેન , માતા પિતા, દિકરી સહિત પરિવારના અનેક લોકો પર ગીતો બન્‍યા છે જેમ કે પુનિત મહારાજે લખ્‍યું છે કે ‘‘ મા બાપને ભૂલશો નહિ'' વિવિધ ગીતો વગેરે જેવા ગીતો દ્વારા આપણા પારિવારીક મૂલ્‍યો કેમ જળવાઇ તે સંગીતની ધરોહર થકી અમે રજૂ કરવાના છીએ.

ભાઇ બહેન માટે ગીત લખાયું છેકે કોણ હલાવે લીંબડી ને કોણ હલાવે પીપળી આ ગીત ઓસમાણભાઇ અને આમીરભાઇએ અકિલાના શ્રોતાઓને અકિલા લાઇવમાં સંભળાવી જમાવટ કરી દીધી હતી. આ કાર્યક્રમમાં આમીરભાઇ સુફિ કોન્‍સેપ્‍ટ સાથે યંગસ્‍ટરસને બોલિવૂડ ગીતો પણ પીરસવાના છે. ઉલ્લેખનીય છે કે આમીરભાઇએ સોની ટીવી સાથે ટાયઅપ કર્યુ છે અને ૨૫ ગીતો તે અંતર્ગત રજૂ કરવાના છે.

આ કાર્યક્રમમાં પારિવારીક ગીતોની સાથે બોલિવુડ સોંગ, સૂફિ, લોકસંગીત, ભકિતસંગીત સહિતના સંગીતને રજૂ કરાશે.  ૩ કલાકના આ સંગીત મઢયા કાર્યક્રમમાં  ઓસમાણભાઇ અને આમીરભાઇ તેમના કમ્‍પોઝીશન અને અનેક ગીતોની સાથે એક અદભૂત મેડલી પણ રજૂ કરવાના છે જે રાજકોટમાં પહેલી વાર રજૂ થવા જઇ રહી છે. આ પહેલા આ બંને કલાકારોએ સૂરતમાં બે કાર્યક્રમો આપ્‍યા હતા મુંબઇમાં એક કાર્યક્રમ આજ પ્રકારનો આપ્‍યો હતો. આ શોમાં ઓસમાણભાઇ અને આમીરભાઇની સાથે મુંબઇથી ચાર પાંચ કલાકારો પણ આવવાના છે. રાજકોટમાં આવો અનાખો સૌ પ્રથમ વાર યોજાઇ રહ્યો છે.

ઓસમાણભાઇએ જણાવ્‍યું હતું કે આ પહેલા લંડનના રોયલ આલ્‍બર્ટમાં  શિમ્‍ફની  ઓરકેસ્‍ટ્રા સાથે એક કાર્યક્રમ યોજાયો હતો એમણે જણાવ્‍યુ હતું કે રાજકોટ ખાતે આયોજીત આ કાર્યક્રમમાં મોરબની થનગાટ કરે, લીલી લીંબડી રે, નગારા સંગ ઢોલ બાજે, મોતી વેરાણા ચોકમાં આ ઉપરાંત તાજેતરમાં મહારજા ફિલ્‍મમાં મેં તો રંગમાં જેવા ગુજરાતી ફોક ગીતો સહિત અનેક ગીતોનો ગુલદસ્‍તો આ બંને ધુરંધુર કલાકાર પીરસવાના છે.

રાજકોટ ખાતે ‘‘ગાલા ગિગ'' બેનર હેઠળ આ કાર્યક્રમનું આયોજન કરનાર આયોજકો એવીનભાઇ, કેવલભાઇ, અને ધ્રુવિલભાઇએ જણાવ્‍યુ હતું કે રાજકોટમાં સંગીતની બે પેઢી એક મંચ પર આવી અનેક જમાવટ ભર્યા પારિવારીક ગીતોનો ગુલદસ્‍તો રજૂ કરશે. જેને માણવા માટે બૂક માય શો અને સ્‍પોર્ટ વિલા પોર્ટલ ઉપરથી શોની ટિકિટ બૂક કરાવી શકાય છે.

પરિવારને જોડતા અદભૂત ગીતોના કાર્યક્રમમાં તમામ રંગો ઉમેરાશે. ઓસમાણભાઇએ જણાવ્‍યું હતું કે આપણે જેમ કયારેક દુખના રંગો અને કયારેક સુખના રંગોમાંથી પસાર થાય છીએ તેમ આ શોમાં પણ અલગ કોન્‍સેપ્‍ટ સાથે લોકોને ખૂબ આનંદ આવે તેવા ગીતો રજૂ થવાના છે.

અકિલા લાઇવમાં સૂરથી અમીર એવા આમીર મીરએ પણ તેના લાજવાબ ગીતથી શ્રોતાઓને અભિભૂત કરી દીધા હતા.

રાજકોટ ખાતે આયોજીત મહેફિલ એ મીર મેગા શો ૧૫૦ ફૂટ રીંગ રોડ પર આવેલ મૂવમેન્‍ટ પાર્ટી પ્‍લોટમાં ૫ એપ્રિલે સાંજે ૬ વાગ્‍યાથી કાર્યક્રમ યોજાવાનો છે. ગાલા ગિગ દ્વારા આ પહેલા પણ ચાર કાર્યક્રમો યોજાયા હતા. જેમાં ગયા વર્ષે આદિત્‍ય ગઢવીનો કાર્યક્રમ યોજાયો હતો જયારે આ વર્ષે ઓસમાણભાઇ અને આમીરભાઇ મીરનો મેગા કાર્યક્રમ યોજાવાનો છે. વધુ વિગત  માટે અને શોના બુકિંગ માટે ૮૮૬૬૨૮૧૯૬૯ તેમજ ૭૫૭૨૮૫૬૭૨૮ પર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે. 

www.facebook.com/ share/ v/17zP6JKTv2 અકિલા લાઇવ નિહાળો

(5:07 PM IST)