<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th March 2026

હવે જંગલેશ્વરમાં ગેરકાયદે બાંધકામો તોડી પાડવાનો માર્ગ મોકળો: 720 દબાણકારોની અરજી મહેસુલ પંચે ફગાવી

મહેસૂલ પંચ પાસેથી 'લીલી ઝંડી' મળતાની સાથે જ રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર અને મહાનગરપાલિકા દ્વારા ડિમોલિશનની તૈયારીઓ શરૂ

રાજકોટ:જંગલેશ્વર વિસ્તારમાં લાંબા સમયથી ચાલી રહેલા ગેરકાયદે દબાણના વિવાદમાં તંત્રને મોટી સફળતા મળી છે. ગુજરાત મહેસૂલ પંચે દબાણકારોની તમામ અરજીઓને ફગાવી દઈને ડિમોલિશનના આદેશ પર આખરી મહોર મારી છે. આ નિર્ણય બાદ હવે જંગલેશ્વરમાં ગેરકાયદે બાંધકામો તોડી પાડવાનો માર્ગ મોકળો થયો છે, જેનાથી સ્થાનિક વહીવટી તંત્રમાં દોડધામ વધી ગઈ છે.

રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં સરકારી જમીન પર થયેલા ગેરકાયદે દબાણોને દૂર કરવા માટે જિલ્લા કલેક્ટર દ્વારા અગાઉ હુકમ કરવામાં આવ્યો હતો. આ હુકમની સામે દબાણકર્તાઓ દ્વારા ગુજરાત મહેસૂલ પંચમાં કુલ 720 જેટલી સ્ટે અરજીઓ દાખલ કરવામાં આવી હતી. જોકે, મહેસૂલ પંચે આ તમામ અરજીઓને પાયાવિહોણી ગણીને રદ કરી દીધી છે. પંચના આ કડક વલણને કારણે દબાણકારોને મોટો ઝટકો લાગ્યો છે અને કલેક્ટરનો અગાઉનો હુકમ યથાવત રાખવામાં આવ્યો છે.

મહેસૂલ પંચ પાસેથી 'લીલી ઝંડી' મળતાની સાથે જ રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર અને મહાનગરપાલિકા દ્વારા ડિમોલિશનની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જંગલેશ્વરના આ વિસ્તારમાં મોટા પાયે ગેરકાયદે રહેણાંક અને વ્યાવસાયિક બાંધકામો ખડકી દેવામાં આવ્યા હતા, જેને હવે કાયદેસરની પ્રક્રિયા હેઠળ તોડી પાડવામાં આવશે. આ કામગીરી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ બંદોબસ્તનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે.

રાજ્ય સરકાર દ્વારા છેલ્લા કેટલાક સમયથી સરકારી જમીનોને દબાણમુક્ત કરવા માટે ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જંગલેશ્વરનો આ કિસ્સો તે દિશામાં એક મહત્વનું પગલું માનવામાં આવે છે. મહેસૂલ પંચના આ નિર્ણયથી સ્પષ્ટ સંદેશ ગયો છે કે સરકારી મિલકતો પર થયેલા કોઈપણ પ્રકારના ગેરકાયદે દબાણને ચલાવી લેવામાં આવશે નહીં. આગામી દિવસોમાં આ વિસ્તારમાં ભારે પોલીસ કાફલા સાથે બુલડોઝર ફેરવીને જમીન ખુલ્લી કરાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

(9:35 PM IST)