તા. ૨ ઓક્ટોબર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા વદ – ૬ શુક્રવાર
News of Tuesday, 31st March 2026
ફર્નિચરનો ધંધાર્થી સુનિલભાઇ પ્લાયવૂડની દૂકાનમાં પેટ્રોલ છાંટી સળગ્યોઃ દૂકાનદાર જયદિપભાઇ પણ દાઝ્યો
૩૭ હજારની ઉઘરાણીની માથાકુટમાં વાત વણસીઃ કુવાડવા રોડ ડી માર્ટ સામે આઇ ફેબ્રીકેશન નામની દૂકાનમાં બનાવ : મોરબી રોડના સુનિલભાઇ કોશીયાએ માલ ખરીદ કર્યો હોઇ તેના પૈસાની દુકાનદાર કોઠારીયાના જયદિપભાઇ રાજગોરે ફોનથી ઉઘરાણી કરતાં બોલાચાલી બાદ સુનિલભાઇ પેટ્રોલ લઇ પહોંચી ગયા અને પોતાના પર, ટેબલ પર છાંટયું: એક દિવાસળી ઠરી ગઇ, બીજીથી ભડકો થયો

જ્યાં પૈસાની લેતીદેતી મામલે માથાકુટ થઇ તે કુવાડવા રોડ પર આવેલી પ્લાયવૂડની દૂકાન, ટેબલ પર પડેલી પેટ્રોલ ભરેલી બોટલ અને દાઝી ગયેલા દૂકાનદાર જયદિપભાઇ રાજગોર તથા સુનિલભાઇ કોશીયા જોઇ શકાય છે (ફોટોઃ અભિજીત બગથરીયા)
રાજકોટ તા. ૩૧: પૈસાની ઉઘરાણી મામલે બોલાચાલી થતાં મોરબી રોડના ફર્નિચરના ધંધાર્થીએ કુવાડવા રોડ પર આવેલી પ્લાયવૂડની દુકાને પેટ્રોલ સાથે પહોંચી જઇ પોતાના શરીરે, ટેબલ પર પેટ્રોલ છાંટતા અને કાંડી ચાંપતા દાઝી ગયો હતો. દૂકાનદારને પણ પેટ્રોલ ઉડયું હોઇ તેને પણ ઝાળ લાગી જતાં બંને દાઝી જતાં બંનેને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. જો કે પ્રાથમિક સારવાર બાદ બંનેને રજા અપાઇ હતી. ફર્નિચરના ધંધાર્થીએ પ્લાયવૂડ સહિતનો માલ બાકીમાં ખરીદ કર્યો હોઇ દૂકાનદારે આ પૈસાની ઉઘરાણી કરતાં બોલાચાલી થઇ હતી જે વકરી ગઇ હતી.
જાણવા મળ્યા મુજબ મોરબી રોડ પર ફિલ્ડ માર્શલ પાસે સંગીતા સોસાયટીમાં રહેતો સુનિલભાઇ પ્રવિણભાઇ કોશીયા (ઉ.વ.૩૦) નામનો યવાન સાંજે છએક વાગ્યે કુવાડવા રોડ પર ડી માર્ટ સામે આવેલી આઇ ફેબ્રીકેશન નામની પ્લાયવૂડની દૂકાને હતો ત્યારે દૂકાનદાર કોઠારીયાના જયદિપભાઇ દિનેશભાઇ રાજગોર (ઉ.વ.૨૨) સાથે બોલાચાલી થઇ હતી. આ વખતે સુનિલભાઇ પોતાની સાથે નાની પ્લાસ્ટીકની બોટલમાં પેટ્રોલ લાવ્યો હોઇ તે પોતાના પર છાંટતા તેને અટકાવવા જતાં ઝપાઝણી થઇ હતી. આ કારણે દૂકાનદાર જયદિપભાઇને પણ પેટ્રોલ ઉડયું હતું.
બાદમાં અચાનક જ સુનિલભાઇએ માચીસ કાઢી કાંડી સળગાવી હતી. પણ એક કાંડી ઠરી ગઇ હતી. બીજી કાંડી સળગાવતાં જ ભડકો થયો હતો અને સુનિલભાઇ પોતે તથા દૂકાનદાર જયદિપભાઇ દાઝી ગયા હતાં. દેકારો મચી જતાં લોકો ભેગા થઇ ગયા હતાં અને આગ બુઝાવી બંનેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે બી-ડિવીઝન પોલીસને જાણ કરી હતી. આ આગમાં સુનિલભાઇ પેટ, છાતી, હાથના ભાગે દાઝી ગયા હતાં અને દૂકાનદાર જયદિપભાઇ પણ હાથ, સાથળના ભાગે, પેટના ભાગે દાઝી ગયા હતાં. સિવિલ હોસ્પિટલમાં ટુંકી સારવાર બાદ રજા અપાઇ હતી.
સુનિલભાઇ બે ભાઇ અને એક બહેનમાં બીજા અને અપરિણીત છે. તેના પિતા પ્રવિણભાઇ કોશીયા-પ્રજાપતિએ કહ્યું હતું કે સુનિલ ફર્નિચરનું કામ કરે છે અને કુવાડવા રોડની આઇ ફેબ્રીકેશનવાળા જયદિપભાઇ રાજગોરની દુકાનેથી એકાદ વર્ષથી પ્લાયવૂડ સહિતનો માલ ખરીદ કરે છે. અગાઉના પંદરેક હજાર તેને ચુકવવાના બાકી હોઇ સુનિલે બીજો માલ પણ લીધો હતો. આ પૈસા પણ બાકી હતાં. આ પૈસાની ઉઘરાણી જયદિપભાઇ ફોન કરીને કરતાં હતાં. ગઇકાલે મારો દિકરો સુનિલ બાઇક લઇને ગોંડલ ગયો હતો. ત્યાંથી તે પરત આવતો હતો ત્યારે જયદિપભાઇનો ઉઘરાણી માટે ફોન આવતાં બંને વચ્ચે ફોનમાં જ ચડભડ થઇ હતી. આ પછી મારો દિકરો પેટ્રોલ લઇને તેની દૂકાને ગયો હતો અને પોતાના શરીરે છાંટી આગ લગાડી હતી. તે હાથ, છાતીના ભાગે દાઝી ગયેલ છે.
સામે જયદિપભાઇના સગાએ કહ્યું હતું કે જયદિપભાઇ પાંચ બહેન એક ભાઇમાં નાના છે અને પ્લાયવૂડની દૂકાન ચલાવે છે. તેને સુનિલભાઇ પાસેથી ૩૭ હજાર રૂપિયા લેવાના હોઇ તેની ઉઘરાણી ફોનથી કરતાં બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. બાદમાં સુનિલભાઇએ પેટ્રોલ સાથે આવી પોતાના પર છાંટતાં જયદિપભાઇ તેને પકડવા જતાં તેને પણ ઉડયું હતું. એ દરમિયાન સુનિલભાઇએ કાંડી ચાંપી લેતાં તે અને જયદિપભાઇ બંને દાઝી ગયા હતાં. આ અંગે બી-ડિવીઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
(2:53 PM IST)










