તા. ૩ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૭ ગુરૂવાર
News of Tuesday, 31st March 2026
રાજકોટમાં મહાપાલિકાના જંગ માટે ભાજપની કવાયત : નિરીક્ષકોની ફોજ દાવેદારોની ક્ષમતા માપશે : આવતીકાલથી રાજકોટ ‘કમલમ’ ખાતે બે દિવસીય સેન્સ પ્રક્રિયાનો આરંભ
18 વોર્ડ માટે સેંકડો દાવેદારોના મન ટટોળશે પ્રદેશના 9 નિરીક્ષકો : ત્રણ ટર્મ અને 60 પ્લસની વયમર્યાદાના સંભવિત નિયમો વચ્ચે નવા ચહેરાઓ માટે તક : દાવેદારોના સમર્થકોના જૂથ સાથે શક્તિપ્રદર્શન કરવા પર મનાઈ : વોર્ડ નં. 15ના કબ્જા માટે શહેર પ્રમુખ ડો. માધવ દવેને સોંપાયો કપરો ટાર્ગેટ

રાજકોટ:રાજકોટ મહાનગરપાલિકાની સત્તાના સિંહાસન સુધી પહોંચવા માટે ભારતીય જનતા પાર્ટીએ તેની વ્યુહરચનાના પ્રથમ તબક્કા તરીકે સેન્સ પ્રક્રિયાની જાહેરાત કરી દીધી છે. આવતીકાલથી રાજકોટ શહેર ભાજપ કાર્યાલય 'કમલમ' ખાતે હાઈવોલ્ટેજ ડ્રામા અને રાજકીય ઉત્તેજના વચ્ચે પ્રદેશ દ્વારા નિયુક્ત 9 નિરીક્ષકો દાવેદારોના નસીબની પ્રાથમિક ચકાસણી કરશે. આ બે દિવસીય પ્રક્રિયા દરમિયાન દરેક વોર્ડના સંભવિત ઉમેદવારો પોતાની દાવેદારી રજૂ કરશે, જેના આધારે યાદી તૈયાર કરી પ્રદેશ હાઈકમાન્ડને આખરી નિર્ણય માટે મોકલવામાં આવશે.
દાવેદારો માટે કડક સૂચનાઓ અને જરૂરી દસ્તાવેજો:
આવતીકાલે સવારે 9 વાગ્યાથી શરૂ થનારી સેન્સ પ્રક્રિયા માટે દરેક વોર્ડના કાર્યકર્તાઓને ચોક્કસ સમય ફાળવવામાં આવ્યો છે. દાવેદારોએ પોતાના વોર્ડના પ્રભારી, પ્રમુખ અને મહામંત્રીને સાથે રાખીને ફોર્મ જમા કરાવવાનું રહેશે. ફોર્મની સાથે સક્રિય સભ્ય નંબર, મતદારયાદીના ભાગ ક્રમ નંબર, ચૂંટણી કાર્ડ અને જો અનામત બેઠક હોય તો જાતિનું પ્રમાણપત્ર જોડવું ફરજિયાત છે. આ ઉપરાંત, જો દાવેદાર સામે ભૂતકાળમાં કોઈ ગુના નોંધાયેલા હોય તો તેની વિગતવાર પોલીસ રિપોર્ટ પણ સાથે રાખવા સૂચના અપાઈ છે. નિરીક્ષકો સમક્ષ માત્ર વ્યક્તિગત રજૂઆત જ માન્ય રહેશે, સમર્થકોના જૂથ સાથે શક્તિપ્રદર્શન કરવા પર મનાઈ ફરમાવવામાં આવી છે.
ટિકિટ માટેના સંભવિત ક્રાઈટેરિયાની ચર્ચાઓ:
જોકે પક્ષ દ્વારા સત્તાવાર રીતે હજુ સુધી કોઈ માપદંડ જાહેર કરવામાં આવ્યા નથી, પરંતુ ભાજપના આંતરિક વર્તુળોમાં એવી પ્રબળ ચર્ચા છે કે જેઓ અગાઉ ત્રણ ટર્મ ચૂંટણી લડી ચૂક્યા હોય, જેમની ઉંમર 60 વર્ષથી વધુ હોય અથવા જેઓ સંગઠનમાં મહત્વના હોદ્દા ધરાવતા હોય તેમને ટિકિટ આપવામાં આવશે નહીં. હાલ પૂરતું પક્ષના સક્રિય સભ્ય (જેમણે ઓછામાં ઓછા 100 સભ્યો બનાવ્યા હોય) હોય તેવા તમામ કાર્યકરો દાવેદારી કરી શકશે.
9 નિરીક્ષકોની ફોજ રાજકોટમાં ઉતરશે:
પ્રદેશ ભાજપ દ્વારા નિયુક્ત કરવામાં આવેલા નિરીક્ષકોમાં રાજ્ય સરકારના મંત્રી દર્શનાબેન વાઘેલા, જીતુભાઈ પટેલ, જીમેશભાઈ સેવક, પૂર્વ સાંસદ ભાવનાબેન, યુવા મોરચાના મહામંત્રી ડો. નરેશ દેસાઈ, રાજેન્દ્રભાઈ પટેલ, નટુજી ઠાકોર, સુરેશભાઈ પટેલ અને સીતાબેન પટેલનો સમાવેશ થાય છે. આ નિરીક્ષકો દાવેદારોની ક્ષમતા અને સ્થાનિક સમીકરણો ચકાસીને ઉમેદવારોના નામની પેનલ તૈયાર કરશે.
વોર્ડ નંબર 15 જીતવા માટે ડો. માધવ દવેને ખાસ ચેલેન્જ:
વર્ષ 2021ની ચૂંટણીમાં ભાજપે 72 પૈકી 68 બેઠકો જીતીને ઐતિહાસિક વિજય મેળવ્યો હતો, જેમાં માત્ર 12 જુના કોર્પોરેટરોને રિપીટ કરી 60 નવા ચહેરા ઉતાર્યા હતા. જોકે, ભાજપ અત્યાર સુધી વોર્ડ નંબર 15 જીતી શક્યું નથી, જ્યાં ગત વખતે કોંગ્રેસની પેનલ વિજેતા બની હતી. આ વખતે પ્રદેશ ભાજપ દ્વારા શહેર પ્રમુખ ડો. માધવ દવેને વોર્ડ નંબર 15માં કેસરીયો લહેરાવવા માટે ખાસ ટાર્ગેટ આપવામાં આવ્યો છે. ત્યારે આ બેઠક પર પરિવર્તન આવશે કે કોંગ્રેસ પોતાનો ગઢ સાચવી રાખશે તેના પર સૌની મીટ મંડાયેલી છે.
(9:35 PM IST)










