<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st April 2026

ધાર્મિક માણસમાં મૈત્રીભાવ, કરૂણા, શાંતિ અને સંતોષનો ભાવ હોય છેઃ પૂ.જીજ્ઞેશદાદા

રાજકોટના રેસકોર્ષ ખાતે પવિત્ર ભાગવત કથામાં ભકિતભાવની નદી વહી : *મૃત્‍યુને મારી નહીં શકાય પરંતુ સુધારી શકાય છે, પરિક્ષિત તેનું ભાગવત ઉદાહરણ છે * કારણ વગર કંઇ ન હોઇ શકે, સુખ-દુઃખ કર્મનું કારણ છે

રાજકોટ, તા. ૧: રાજકોટના વિશાળ રેસકોર્ષ ગ્રાઉન્‍ડ ખાતે સર્વજ્ઞાતિ પિતૃઓના મોક્ષાર્થે અને તથાસ્‍તુ વિદ્યાપીઠના લાભાર્થે ચાલી રહેલી પવિત્ર ભાગવત કથામાં ભકિતભાવની રીતસર નદી વહી રહી છે. વિશ્વ વિખ્‍યાત લોકપ્રિય ભાગવતાચાર્ય પૂ. જીજ્ઞેશદાદાએ વ્‍યાસપીઠ ઉપરથી જણાવ્‍યું હતું કે ધાર્મિક માણસમાં મૈત્રભાવ, કરૂણા, શાંતિ અને સંતોષનો ભાવ હોય છે. કારણ વગર કંઇ ન હોઇ શકે, સુખ-દુઃખ કર્મનું કારણ છે. વધુમાં કહયું હતું કે મૃત્‍યુને મારી નહીં શકાય પરંતુ સુધારી શકાય છે, પરિક્ષિત તેનું ભાગવત ઉદાહરણ છે.

પૂ. જિજ્ઞેશદાદાએ કથાને આગળ વધારતા કહયું કે, આપ સૌ ભાગવત ગંગામાં સ્‍નાન કરવા આવ્‍યા છો, ભાગવતની પ્રભુતા, દેવહૂતિનું તપ અને ત્‍યાગની વિસ્‍તૃત વાતો કરીને કહયુ કે, ધાર્મિક માણસમાં ધર્મના ૧૩ સદગુણો જોડાયેલા હોય છે. દયા, કરૂણા, શાંતિ, સંતોષ, પુષ્‍ટિ, ઉભતિ, મેઘા, આવા ધાર્મિક માણસો હંમેશા બુધ્‍ધિશાળી હોય છે, શંક્રચાર્ય, વલ્લભાચાર્ય તેના ઉદાહરણો છે. ધર્મના સદગુણો સાથે ભકિત કરતા મીરાબાઇ, પ્રહલાદ બધા ધાર્મિક છે, શ્રવણ કર્યા પછી કોઇનો વિરોધ ન કરે, ધાર્મિક માણસ ખોટું કામ કરે નહિ. આચાર્યપીઠેથી કેટલીક ઉપદેશક વાતો કરાઇ, અધર્મ ધૃણા કરવા લાયક નથી, અધર્મ,  છે તો ધર્મમાં રૂચી થાય છે, વિવિધ ધર્મ સંપ્રદાયો ધર્મ સુધી પહોંચવાની કેડીઓ છે. દરેકની માન્‍યતાઓ જુદી જુદી હોય છે, પરંતુ બધાનો એક જ ઉદેશ હોય છે...' માનવીને ઇન્‍સાન બનાવવાનો, માણસની ભીતર એક પશુ છે, તેને નિયંત્રિત કરો, યજ્ઞમાં જે પશુની બલી ચડાવાય છે, તે આપણી અંદરના પશુની છે. પશુને ખીલે બાંધનારા ધર્મ, સમાજ અને કાનુન દ્વારા પશુને નિયંત્રિત કરવા જરૂરી છે.. ત્‍યાર પછી જ સાચો ઇન્‍સાન બહાર આવશે... જીવમાત્રમાં પ્રભુના દર્શને કરો, સતયુગમાં મંદિરો નહોતા ત્‍યારે માણસ માણસને પગે લાગતો હતો. ભાગવતની આગળની યાત્રા વર્ણવતા પૂ.શ્રી જીજ્ઞેશદાદા કહે છે કે, બ્રહ્મસુત્રના ચાર સુત્રો પૈકી બીજા સુત્રથી ભાગવતનો પ્રારંભ થાય છે, ભાગવત ગાયત્રીમંત્રનો વિસ્‍તાર છે. ભાગવતનો પ્રારંભ ‘સત્‍યમ પરમ ધી મહી' થી થાય છે.

 ભગવાન રામના રાવણ સાથેના યુધ્‍ધના સમયે અગસ્‍ત્‍ય મૃતિ રણભૂમિમાં પધાર્યા, તેમણે રામજીને કહયું ‘હે રામ હે મહાબાહુ ! હું તમને એક સનાતન રહસ્‍ય કહું છું તે સાંભળો, જેથી તમે સર્વ સત્રુઓને રણ મેદાનમાં જીતી શકશો, આ ‘આદિત્‍ય હ્‍દય સ્‍તોત્ર' સર્વ શત્રુઓનો નાશ કરનારૂ છે. અગસ્‍ત્‍ય મુનિના ઉપદેશ અનુસાર રામજીએ સુર્યનારાયણનું સ્‍તવન, પૂજન કર્યુ - યુધ્‍ધમાં રામજીના બાણથી રાવણનો વધ થયો અને લંકા યુધ્‍ધમાં રામનો વિજય થયો.

પૂ. જીજ્ઞેશદાદાની પવિત્ર કથાના અમુક અંશો જોઇએ તો...

તપ અને ત્‍યાગની વેદી પર આહૂતિ આપે તે ‘દેવહૂતિ', પત્‍ની બધાનું અપમાન સહન કરે, પણ પોતાના પતિનું અપમાન સહન ન કરે., ‘પદ આવે એટલે મદ આવે' સંસારીજનોનું આ સત્‍ય છે., ભાગવત ગંગા અને ભાગીરથી ગંગા... એક ભગવાનના મુખમાંથી અને એક ચરણથી નીકળે છે., કોઇ માણસને બોલતો અટકાવી શકાય નહિ, ધર્મનો સંબંધ કટ્ટરતા સાથે નથી, કરૂણા સાથે છે., ધાર્મિક માણસ ખોટું કામ કરે નહિ, ૧૩ સદ્‌્‌ગુણો ધર્મ સાથે જોડાયેલાં છે., માનવ સમાજમાં સંવાદિતતાને કાયમ કરવાનો ધર્મગ્રંથોનો આશય હોય છે.

સંસારની માયામાં ફસાયેલ જીવને મુશ્‍કેલીમાં કોઇ લૌકિક સંબંધો કામ આવતા નથી., ખરા અંતરનો આર્તનાદ ઇશ્વર સાંભળે છે અને મદદ કરે છે, ગજેન્‍દ્ર મોક્ષ તેનું ઉદાહરણ છે., કૃષ્‍ણ દર્શનની તાપાગ્નિ હોય ત્‍યારે લૌકિક કામનાઓ આપો આપ બળી જાય છે., ક્રોધ, નશાયાન, પરષાીગમન, અનિતીનું ધન, હિંસા વગેરે અનિષ્‍ટો કળિયુગના જીવતાં-જાગતા પ્રતિકો છે., જેની સેવા કરો, તેના જેવા થાવ ત્‍યારે જ સેવા સાર્થક થાય., ઇશ્વરના અધિકારક્ષેત્રનું ચિંતન કરશો તો આધ્‍યાત્‍મિક સુખની અનુભૂતિ થશે., સંસારમાં આજે બુધ્‍ધિ વધી ગઇ છે, શુધ્‍ધિ ઓછી થવા માંડી છે, એટલે જ સંસાર દુઃખી છે., ભગવાને તમામ વ્‍યવસ્‍થા આપી છે, અન્‍નની અછત માનવીની અવ્‍યવસ્‍થાનું પરિણામ છે., ભાગવત જ્ઞાન આપીને ભગવાન શ્રી કૃષ્‍ણએ જગત ઉપર મહાન ઉપકાર કર્યો છે, વિશ્વહિત માટે બાંધછોડ કરનાર ભગવાન શ્રી કૃષ્‍ણ ક્રાંતિકારી હતાં.

(2:26 PM IST)