<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st April 2026

આજે કેટલાક મૂર્ખ બનશે, કેટલાક મૂર્ખ બનાવશે: ભાજપ નેતાની સેન્સ પ્રક્રિયા પર વિવાદિત પોસ્ટ અતુલ પંડિતની વિવાદિત પોસ્ટ

રાજકોટ શિક્ષણ સમિતિ પૂર્વ ચેરમેન અતુલ પંડિતની વિવાદિત પોસ્ટમાં ભાજપની સેન્સ પ્રક્રિયાને ગણાવી 'મૂર્ખ':સેન્સ પ્રક્રિયા સમયે જ પોસ્ટ મૂકાતા ભાજપમાં ખળભળાટ:વિવાદિત નિવેદન બાદ ભાજપમાં આંતરિક ખેંચતાણની ચર્ચા

રાજકોટ :સ્થાનિક રાજકારણમાં ફરી ગરમાવો આવ્યો છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી કાર્યક્રમો અને ટિકિટ વિતરણના ભાગરૂપે લેવામાં આવતી સેન્સ પ્રક્રિયા દરમિયાન જ પક્ષના એક વરિષ્ઠ નેતાની સોશિયલ મીડિયા પોસ્ટને કારણે મોટો વિવાદ સર્જાયો છે. રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન અતુલ પંડિતે પોતાની એક ફેસબુક પોસ્ટ દ્વારા પક્ષની આંતરિક કામગીરી પર આડકતરી રીતે પ્રહારો કર્યા છે.

 

જ્યારે એક તરફ ભાજપના નિરીક્ષકો દ્વારા કાર્યકરો અને દાવેદારોનો મિજાજ પારખવા માટે સેન્સ લેવાની કામગીરી ચાલી રહી હતી, ત્યારે જ અતુલ પંડિતે સોશિયલ મીડિયા પર લખ્યું કે, "આજે કેટલાક મૂર્ખ બનશે, અને કેટલાક મૂર્ખ બનાવશે." આ પોસ્ટમાં તેમણે 'મૂર્ખ' (Stupid) શબ્દનો પ્રયોગ કરીને સમગ્ર પ્રક્રિયાને કટાક્ષના ઘેરામાં લાવી દીધી છે. મહત્વની વાત એ છે કે, અતુલ પંડિત વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા છે અને સંગઠનમાં મોટું પદ ભોગવી ચૂક્યા છે, ત્યારે તેમની આવી ટિપ્પણીથી રાજકીય વર્તુળોમાં આશ્ચર્ય ફેલાયું છે. 

 આ ઘટના બાદ ભાજપમાં આંતરિક ખેંચતાણ સપાટી પર આવી છે. વિપક્ષી નેતાઓ પણ આ પોસ્ટને લઈને ભાજપ પર નિશાન સાધી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, હાઈકમાન્ડ આ મામલે અતુલ પંડિત પાસે ખુલાસો માંગી શકે છે. કાર્યકરોમાં ચર્ચા છે કે શું આ પોસ્ટ કોઈ અન્યાયનો આક્રોશ છે કે પછી સત્તાની લડાઈનો ભાગ? હાલમાં તો આ 'મૂર્ખ' વાળી પોસ્ટે રાજકોટના રાજકારણમાં ગરમી લાવી દીધી છે.

(11:46 PM IST)