તા. ૯ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧૦ ગુરૂવાર
News of Thursday, 2nd April 2026
પેડક રોડ આર્યનગરના કૃણાલ પિત્રોડાને જામનગરના શખ્સ મિનેષે છેતરીને ૫.૫૦ લાખનો ધૂંબો મારી દીધો
મારે પણ તમારા જેવુ જ કામ છે, તમને હું વેપારમાં મદદ કરીશ, મારી માલની ગાડી અટીકામાંથી છોડાવવાની છે, મારો ભાઇ આરટીજીએસ કરે છે, એ પહેલા તમે ઉછીના આપો કહી વિશ્વાસ કેળવી રોકડા લઇ ગયોઃ બી-ડિવીઝન પોલીસે ગુનો નોંધ્યો : બહારગામ ગયેલા પિતાએ ફોન કરી કૃણાલને કહ્યું-આપણા સમાજના ભાઇ આવે છે તેને સાંભળીને મદદ કરજોઃ આ પછી આવેલા મિનેષ પિત્રોડાએ પોતાને જામનગરમાં કારખાનુ છે એવી વાતો કરી ખેલ પાડયોઃ તપાસ કરતાં સમાજમાં બીજા લોકો સાથે પણ આવુ કર્યાનું જાણવા મળ્યું

રાજકોટ તા. ૨: શહેરના પેડક રોડ પર આવેલી આર્યનગર સોસાયટીમાં રહેતા અને સોની-ચાંદીના કામ માટેની મશીનરી બનાવતા વેપારી સાથે તેની જ જ્ઞાતિના જામનગરના શખ્સે વેપારમાં મદદ કરવાના બહાને દેખાવ કરી સાડા પાંચ લાખ રૂપિયા ઉછીના લઇ ગયા બાદ આ રકમ પરત ન આપતાં ફરિયાદ થઇ છે. આ બનાવમાં આયનગર સોસાયટી પેડક રોડ બાલક હનુમાનજીના મંદિર પાસે રહેતાં કૃણાલ અતુલભાઇ પિત્રોડા (ઉ.વ.૨૪) નામના યુવા વેપારીની ફરિયાદ પરથી બી-ડિવીઝન પોલીસે હાલ રાજકોટ રહેતાં જામનગરના મિનેષ અતુલભાઇ પિત્રોડા નામના શખ્સ વિરૂધ્ધ ગુનો દાખલ કર્યો છે.
કૃણાલે પિત્રોડાએ ફરિયાદમાં જણાવ્યું છે કે હું પરિવાર સાથે રહુ છું અને ઘરની નીચે જ ભવાની એન્જિનીયરીંગ નામે ચાંદી કામની મશીનરી બનાવવાનુ઼ કારખાનુ અને શો રૂમ ચલાવુ છું. ગઇ તા. ૨/૧૧/૨૦૨૩ના બપોરનાં સવા ત્રણેક વાગયે હું કારખાને હતો ત્યારે મારા પિતા બહારગામ ગયેલ હતા તે વખતે મને મારા પિતાનો ફોન આવેલ અને કહેલુ કે આપણા સમાજના એક ભાઇ જામનગરથી આવે છે અને તે લાલપુરવાળા કોઇ શાંતિભાઇના રેફરન્સથી આવે છે તું તેને જોઇ લેજે. આમ વાત થયેલ જે બાદ થોડીવારમાં તે ભાઇ આવેલ જેણે પોતાનું નામ મિનેષ અતુલભાઈ પીત્રોડા જણાવ્યું હતું. તેણે વાતચીતમાં પોતે જામનગરમાં ભગવતી એંજીનિયરીૅ નામનું ટ્રેક્ટર/ટેલરનું મેન્યુફેક્ચરીંગ કરતા હોઇ અને પોતે અમારા જેવું જ કામ કરતા હોઇ જેથી અમારા ધંધાનો વેપાર વધારે વિક્સાવવા અને ગ્રાહકો વધારવા માટે મદદ કરશે તેવી વાત કરી હતી.
ત્યારબાદ મિનેષે કહેલું કે-મારી માલ ભરેલી ગાડી રાજકોટ શહેર અટીકા ફાટક આસપાસ કોઈ કારખાનામાંથી કાઢવાની છે અને તે વેપારીને મારે રૂપિયા સાડા પાંચ લાખ આપવાનાં છે અને મારો ભાઈ જામનગરથી આરટીજીએસ કરાવે છે, એ પહેલા તમે મને સાડા પાંચ લાખ આપો તો મારે એ વેપારીને દેવાના છે. આ પછી મિનેષે મારા જુના મિત્ર કે જેની સાથે હું આણંદમાં ભણ્યો હતો તે કિર્તનભાઇ મુકેશભાઇ ગજ્જરનું પણ નામ આપતાં હું વિશ્વાસમાં આવી ગયો હતો. મારા પિતાને ફોન કરતાં તે રીસીવ થયો નહોતો. એ દરમિયાન મિનેષ ઉતાવળ કરવા લાગતાં મેં તેને રોકડા સાડા પાંચ લાખ આપી દીધા હતાં.
એ પછી મારા પિતા આવતાં મેં તેને મિનેષને આપેલા રૂપિયાની વાત કરી હતી. તેણે તરત મિનેષને ફોન જોડયો હતો. પરંતુ ફોન રિસીવ થયો નહોતો. થોડાક દિવસ બાદ અમે અમારા જ્ઞાતિ-સમાજમાં મિનેષ વિશે પુછતાછ કરતાં ખબર પડી હતી કે તેણે આ રીતે સમાજના નામે બીજા લોકોને પણ વિશ્વાસમાં લઇ પૈસા લઇ જઇ પરત આપ્યા નથી. ત્યારબાદ મિનેષનો ફોન પર સંપર્ક થતાં તેણે પૈસા આપી દેશે તેવો વિશ્વાસ આપ્યો હતો. પરંતુ આજ સુધી તેણે માત્ર વાતો જ કરી હોઇ અને પૈસા આપ્યા ન હોઇ તેમજ હવે સરખા જવાબ પણ દેતો ન હોઇ અંતે ફરિયાદ દાખલ કરાવવાનું નક્કી કર્યુ હતું. તેમ વધુમાં કૃણાલ પિત્રોડાએ જણાવતાં પીએસઆઇ એન. એમ. પીઠીયાએ ગુનો દાખલ કરતાં આગળની તપાસ એએસઆઇ અનિલસિંહ ગોહિલે હાથ ધરી છે.
(1:21 PM IST)










