News of Friday, 3rd April 2026
શ્રી બાલાજી હનુમાનજી મંદિરે શ્રી હનુમાનદાદા જન્મોત્સવ, ૧૦૮ કુંડી મહાયજ્ઞ અને રામકથાનો વિરામ
પૂ.બાપુ સ્વામીશ્રી હરિચરણદાસજી સ્વામીની પાવન નિશ્રામાં ૧૦૮ કુંડી નિઃશુલ્ક મહામારુતિ યજ્ઞ અને શ્રી રામ કથા યોજાઈ : શ્રી બાલાજી હનુમાનજીદાદાના દર્શન, મહાઆરતી,શ્રી બાલાજી હનુમાનજીદાદાના સુવર્ણ-ચાંદીના વાઘા, કાજુ-કતરીના અન્નકૂટ અને મહાપ્રસાદનો દિવ્ય લાભ ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા સહિતના અનેક મહાનુભાવો તથા લાખો શ્રદ્ધાળુઓએ લીધો

રાજકોટ, તા.,૩ : રાજકોટના કરણસિંહજી હાઈસ્કૂલ, ભૂપેન્દ્ર રોડ સ્થિત અને વડતાલ સંસ્થાન સંચાલિત શ્રી બાલાજી હનુમાનજીદાદા મંદિરે શ્રી હનુમાનદાદા જન્મોત્સવ અત્યંત ભક્તિમય વાતાવરણમાં અને ભારે હર્ષોલ્લાસ સાથે સંપન્ન થયો છે. પવિત્ર પર્વ નિમિત્તે આખો દિવસ દર્શનાર્થીઓનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું અને સમગ્ર મંદિર પરિસર જય હનુમાન તથા જય બજરંગ બલીના નાદથી ગુંજી ઉઠ્યું હતું.
આ મહોત્સવના મુખ્ય આયોજન પૈકી ૧૦૮ કુંડી મહામારુતિ યજ્ઞ પ.પૂ. બાપુ સ્વામીશ્રી હરિચરણદાસજી સ્વામી (રાજકોટ) ની પાવન ઉપસ્થિતિમાં પૂર્ણ આહુતિ સાથે ભક્તિભાવપૂર્વક સંપન્ન થયો હતો. આ સાથે જ, ગત ૨૯ માર્ચથી મહંત શાષાી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના વ્યાસાસને ચાલી રહેલી દિવ્ય શ્રી રામ કથાનું પણ રાત્રે ભવ્ય સમાપન કરવામાં આવ્યું હતું. કથા અને યજ્ઞમાં બહોળી સંખ્યામાં ભક્તોએ જોડાઈને પુણ્યનું ભાથું બાંધ્યું હતું.
શ્રી હનુમાનદાદાના જન્મોત્સવના આ પવિત્ર અવસરે રાજકોટના ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, ચેતનભાઈ રામાણી, લાખાભાઈ સાગઠીયા, નિલેશભાઈ જલું સહિત શહેરના અનેક અગ્રણીઓ અને મહાનુભાવોએ શ્રી બાલાજી હનુમાનજી મંદિરે વિશેષ ઉપસ્થિતિ નોંધાવી હતી. તેઓએ શ્રી બાલાજી હનુમાનજીદાદાના અદભુત સુવર્ણ અને ચાંદીના વાઘા તેમજ કાજુ-કતરીના ભવ્ય અન્નકૂટના દર્શન કર્યા હતા. મહાનુભાવોએ આરતીનો લ્હાવો લઈને દાદાના આશીર્વાદ પ્રાપ્ત કરી ધન્યતા અનુભવી હતી.
બોલબાલા ટ્રસ્ટ રાજકોટ, બાલાજી સેવા સમિતિ રાજકોટ અને યજમાન સુરેશભાઈ આડેસરાના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ સમગ્ર મહોત્સવમાં લાખો ભક્તોએ આખો દિવસ મહાપ્રસાદનો લાભ લીધો હતો. આયોજક મહંતશ્રી વિવેકસાગરદાસજી સ્વામી, સ્વામિનારાયણ મુખ્ય મંદિરના મહંત શાષાી શ્રી રાધારમણદાસજી સ્વામી અને કોઠારી શ્રી મુનિવત્સલદાસજી સ્વામીએ આ મહોત્સવને ઐતિહાસિક અને સફળ બનાવવા બદલ તમામ ધર્મપ્રેમી જનતા, સ્વયંસેવકો અને દાતાઓનો અંતઃકરણપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
(2:38 PM IST)










