<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd April 2026

નવલનગરમાં જૂની અદાવતનો ખાર રાખી દંપતિને પાડોશીએ મારમાર્યો : ૪ સામે ગુન્‍હો

રાજકોટ, તા. ૪ :  શહેરના નવલનગર વિસ્‍તારમાં જૂની પોલીસ ફરિયાદનો ખાર રાખી પાડોશમાં જ રહેતા શખ્‍સોએ એક દંપતી પર હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. આ હુમલામાં ઈજાગ્રસ્‍ત થયેલા મહિલા અને તેના પતિને સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા છે. બનાવ અંગે માલવીયાનગર પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ, નવલનગર શેરી નંબર-૯માં રહેતા સોનલબેન ગોપાલભાઈ પરમાર (ઉ.વ. ૩૫) નામના મહિલા ગત સાંજે પોતાના ઘર પાસે હતા, ત્‍યારે પાછળની શેરીમાં રહેતા નિમુબેન, ગૌરીબેન, વર્ષાબેન અને સુરેશભાઈએ જૂની અદાવતને લઈ ઝઘડો શરૂ કર્યો હતો. જોતજોતામાં મામલો બિચકતા ચારેય શખ્‍સોએ સોનલબેનને ઢીકાપાટુનો માર મારવાનું શરૂ કર્યું હતું. પત્‍નીને માર પડતો જોઈ પતિ ગોપાલભાઈ વચ્‍ચે છોડાવવા પડતા, હુમલાખોરોએ તેમને પણ બેરહેમ માર માર્યો હતો.

ઈજાગ્રસ્‍ત ગોપાલભાઈના જણાવ્‍યા અનુસાર, અગાઉ તેમની દીકરી બાબતે પોલીસ કેસ કરવામાં આવ્‍યો હતો. આ કેસમાં હુમલાખોર સુરેશના ભાઈને પોલીસે માર માર્યો હતો, જેનો ખાર આ પરિવારે રાખ્‍યો હતો. ગઈકાલે સોનલબેનની નાની દીકરી નજીકના પ્રોવિઝન સ્‍ટોર પર વસ્‍તુ લેવા ગઈ ત્‍યારે નિમુબેન સહિતના વ્‍યક્‍તિઓએ તેની સાથે જૂની ફરિયાદ બાબતે બોલાચાલી કરી હતી. દીકરીએ ઘરે આવીને જાણ કરતા દંપતી સમજાવવા માટે ગયું હતું, જ્‍યાં અગાઉથી જ તૈયાર બેઠેલા શખ્‍સોએ તેમના પર હુમલો કરી દીધો હતો. પોલીસે ઈજાગ્રસ્‍ત દંપતીની નિવેદન લેવાની તજવીજ હાથ ધરી હુમલાખોરો વિરુદ્ધ તપાસ શરૂ કરી છે.

(3:06 PM IST)