<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd April 2026

હનુમાન જયંતિના મહાપ્રસાદમાં માથાકુટ કરવાની ના પાડતા વૃધ્‍ધ ઉપર હુમલો

પેડક રોડ ઉપર આવાસ કવાર્ટરમાં રાહુલ સહિત ત્રણે તલવાર-છરી બતાવી સફાઇ કામદાર સુરેશભાઇને ઢીકાપાટુનો માર માર્યો

રાજકોટઃ તા.૩, શહેરમાં ગઈકાલે હનુમાન જયંતીના પાવન પર્વે ઠેર-ઠેર બટુક ભોજન અને મહાપ્રસાદના આયોજનો દ્વારા ભક્‍તિમય માહોલ જોવા મળ્‍યો હતો. જોકે, આ ધાર્મિક ઉત્‍સવ દરમિયાન પેડક રોડ પર આવેલા આવાસ ક્‍વાર્ટરમાં અસામાજિક તત્‍વોએ અશાંતિ ફેલાવી હતી. અન્‍ય વ્‍યક્‍તિ સાથે માથાકૂટ કરતા શખ્‍સને સમજાવવા ગયેલા સફાઈ કામદાર સુરેશભાઈ વાઘેલા પર ત્રણ શખ્‍સોએ હથિયારો બતાવી હુમલો કર્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, પેડક રોડ પર આવાસ ક્‍વાર્ટરમાં રહેતા અને આર.એમ.સીમાં સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા સુરેશભાઈ ભાનજીભાઈ વાઘેલા (ઉ.વ. ૬૫) એ હનુમાન જયંતી નિમિત્તે ક્‍વાર્ટરના અન્‍ય રહિશો સાથે મળીને સમૂહ પ્રસાદનું આયોજન કર્યું હતું. રાત્રિના બારેક વાગ્‍યાના અરસામાં જ્‍યારે જમણવાર ચાલી રહ્યો હતો ત્‍યારે ત્‍યાં જ રહેતો રાહુલ નામનો શખ્‍સ તેના અન્‍ય બે અજાણ્‍યા સાથીદારો સાથે હાથમાં તલવાર અને છરી જેવા જીવલેણ હથિયારો લઈને અન્‍ય કોઈ વ્‍યક્‍તિ સાથે ગાળાગાળી અને બોલાચાલી કરી રહ્યો હતો.

આયોજક સુરેશભાઈએ ત્‍યાં જઈને રાહુલ અને તેના સાથીઓને પવિત્ર પ્રસંગે માથાકૂટ ન કરવા વિનંતી કરી હતી. તેમણે નમ્રતાથી કહ્યું હતું કે,‘‘અહીં માથાકૂટ ન કરો અને જો જમવું હોય તો શાંતિથી જમી લ્‍યો.'' આટલું કહેતા જ રાહુલ ઉશ્‍કેરાઈ ગયો હતો અને તેના સાથીદારો સાથે મળી સુરેશભાઈ પર તૂટી પડ્‍યો હતો. હુમલાખોરોએ વળધ્‍ધને બેફામ ઢીંકાપાટુ નો માર માર્યો હતો.ઇજાગ્રસ્‍ત સુરેશભાઈને તાત્‍કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્‍પિટલ ખસેડવામાં આવ્‍યા હતા. બનાવ અંગે બી ડિવિઝન પોલીસે વળદ્ધનું નિવેદન નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(3:13 PM IST)