News of Friday, 3rd April 2026
પત્ની અન્ય યુવક સાથે ભાગી જતા જુનાગઢના યુવકે રાજકોટમાં ઝેરી દવા પીધી
ઈન્સ્ટાગ્રામ રીલ્સમાં પત્નીને પ્રેમી સાથે જોઈ જતા પુનીતનગરમાં મંદિર પાસે જુનાગઢના વિજય ચુડાસમાએ વિડીયો બનાવી આપઘાતનો પ્રયાસ કર્યો

રાજકોટ, તા.૩: જુનાગઢ રહેતા યુવકની પત્ની ચાર સંતાનોને મૂકીને પ્રેમી સાથી ભાગી ગઈ હતી. જોકે ઇન્સ્ટાગ્રામ રીલ્સમાં પત્નીને પ્રેમી સાથે જોઈ જતાં પત્નીના વિરહ અને પ્રેમ પ્રકરણથી કંટાળીને જૂનાગઢના એક યુવકે રાજકોટ પુનિત નગરમાં આવેલા મેલડી માતાજીના મંદિર પાસે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો છે. ઝેર પીતા પહેલા યુવકે એક વીડિયો પણ બનાવ્યો હોવાનું સામે આવ્યું છે.
મળતી માહિતી મુજબ, જૂનાગઢના કડીયાવાડ વિસ્તારમાં રહેતા ૨૨ વર્ષીય વિજયભાઈ પરસોતમભાઈ ચુડાસમાએ ગઈકાલે રાત્રે ૩:૩૦ વાગ્યાની આસપાસ રાજકોટમાં પુનિતનગરના ટાંકા સામે આવેલી વિશ્વકર્મા સોસાયટી નજીક ઝેરી દવા પી લીધી હતી.
ઘટનાની જાણ થતા જ તેમને તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બેભાન હાલતમાં ખસેડવામાં આવ્યા હતા.
હોસ્પિટલમાં સારવાર દરમિયાન વિજયે જણાવ્યું હતું કે, તેમની પત્ની કિરણ અગાઉ પણ અનેકવાર ઘરેથી જતી રહી હતી પરંતુ પરત આવી જતી હતી. જોકે, છેલ્લા ચાર મહિનાથી તે ગુમ હતી. વિજયભાઈ તેને શોધી રહ્યા હતા તે દરમિયાન ઇન્સ્ટાગ્રામ પર મયુર નામના એક યુવકના એકાઉન્ટમાં તેમણે પોતાની પત્નીની રીલ્સ અને ફોટા જોયા હતા. જેમાં પત્ની અને મયુર દ્વારકામાં સાથે હોવાનું જણાતું હતુ. વિજયે મયુરનો સંપર્ક કરતા તેણે માત્ર મિત્ર હોવાનું કહી વાત ટાળી હતી. પરંતુ હાઈલાઈટ્સમાં અન્ય ફોટાઓ જોતા શંકા દ્રઢ બની હતી. તપાસ કરતા જાણવા મળ્યું કે મયુર જામનગરનો છે, પરંતુ ત્યાં પહોંચતા જાણવા મળ્યું કે તે રાજકોટમાં રહે છે. રાજકોટમાં પણ મયુર અને કિરણ બંને કયાંક જતા રહ્યા હોવાની જાણ થતા વિજયભાઈ ભાંગી પડ્યા હતા અને અંતે કંટાળીને આ આત્મઘાતી પગલું ભર્યું હતું.ઉલ્લેખનીય છે કે, વિજયને પત્ની કિરણ સાથેના લગ્નજીવનથી બે દીકરા છે, જ્યારે કિરણના પ્રથમ લગ્નથી પણ એક દીકરો અને દીકરી છે. હાલ આ ચારેય સંતાનો વિજય સાથે જ રહે છે. પોલીસે વિજયનું નિવેદન લેવાની અને આગળની કાર્યવાહી હાથ ધરવાની તજવીજ શરૂ કરવામાં આવી છે.
(3:55 PM IST)










