<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th April 2026

દૂધ લેવા જઈ રહેલા શ્રમિક યુવાનનું બાઈક સ્‍લીપ થતાં મોતઃ પડધરીના ઢોકળીયા ગામનો બનાવ

મધ્‍યપ્રદેશના વતની અને બે બહેનોના એકના એક ભાઈએ રાજકોટ સિવિલમાં દમ તોડયોઃ બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી

રાજકોટ તા.૪: પડધરી તાલુકાના ઢોકળીયા ગામની સીમમાં ગઈકાલે બપોરના સમયે એક અકસ્‍માત સર્જાયો હતો. ગામમાં આવેલી મગનભાઈની વાડીએ રહીને મજૂરીકામ કરતા એક ૨૮ વર્ષીય શ્રમિક યુવાનનું બાઈક સ્‍લીપ થઈ જતાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્‍પિટલ ખસેડવામાં આવતા યુવાને ટૂંકી સારવાર બાદ દમ તોડતા શ્રમિક પરિવારમાં શોકનું મોજું ફરી વળ્‍યું છે.

આ અંગેની વિગતો મુજબ, મૂળ મધ્‍યપ્રદેશના વતની અને હાલ ઢોકળીયા ગામે મગનભાઈની વાડીએ રહી ખેતીકામ કરતો જગદીશ કેશવભાઈ બામણીયા (ઉં.વ. ૨૮) ગઈકાલે બપોરે ૨ વાગ્‍યાની આસપાસ વાડીએથી મોટરસાયકલ લઈને ગામમાં દૂધ લેવા જઈ રહ્યો હતો. દરમિયાન વાડી વિસ્‍તારના રસ્‍તા પર અચાનક બાઈક પરથી કાબૂ ગુમાવતા બાઈક સ્‍લીપ થઈ ગયું હતું.અકસ્‍માત બાદ લોહીલુહાણ હાલતમાં જગદીશને તાત્‍કાલિક રાજકોટની સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવતાં ટૂંકી સારવારમાં દમ તોડી દીધો હતો.

મળતક જગદીશ બે બહેનોના એકના એક ભાઈ હતો તેના અવસાનથી પત્‍ની અને બે માસૂમ સંતાનો (એક દીકરો અને એક દીકરી) એ પિતાની છત્રછાયા ગુમાવી છે. બનાવ અંગે પડધરી પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.

(2:10 PM IST)