<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th April 2026

કોંગ્રેસના મજબૂત ગઢ વોર્ડ નંબર ૧૫માં આંતરિક ખેંચતાણઃ સાગઠિયા-સોરાણી આમને સામને

પહેલી યાદીમાં કોંગ્રેસે વોર્ડ નંબર ૧૫ના ઉમેદવારના નામ જાહેર ન કર્યાઃ પ્રવીણ સોરાણી તેને કરેલા પક્ષ વિરોધી ટિપ્‍પણીને લઇને અમિત ચાવડા સમક્ષ ખુલાસો રજૂ કરી માફી માંગીઃ વશરામ સાગઠિયા વોર્ડ નંબર ૧૫ની પેનલમાં સોરાણીને સમાવવા તૈયાર નથીઃ પ્રવીણ સોરાણીએ ભાજપના નેતાઓ સાથે સંપર્ક કર્યાની ચર્ચાઓ

રાજકોટ, તા. ૬: મહાનગરપાલિકાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે. કોંગ્રેસ અને જુથવાદ એકબીજાના પર્યાય હોય તેવું લાગે છે કારણ કે ચુંટણી આવે અને આંતરિક જુથવાદ ઉભો ન થાય તેવું ભાગ્‍યે જ બને છે. આ વખતે વિવાદ થયો છે વોર્ડ નંબર ૧૫ માં. પૂર્વ વિપક્ષી નેતા ભાનુબેન સોરાણીના પતિ પ્રવીણ સોરાણી અને વશરામ સાગઠિયા વચ્‍ચે ટિકીટને લઇને ખેંચતાણ ચાલી રહી છે જેના કારણે પક્ષની મુશ્‍કેલી વધી છે.ગઇકાલે કોંગ્રેસ દ્રારા જાહેર કરાયેલા ૪૦ ઉમેદવારોના નામમાં કોંગ્રેસે વોર્ડ નંબર ૧૫ના ઉમેદવાર જાહેર ન કરતા આ વિવાદ વધુ ઘેરો બન્‍યો છે.

થોડા દિવસ પહેલા શહેર કોંગ્રેસના કાર્યાલયને લઇને પ્રવીણ સોરાણીએ નારાજગી વ્‍યક્‍ત કરી હતી અને શહેર કોંગ્રેસ પ્રમુખ સામે આક્ષેપો કર્યા હતા. જે બાદ કોંગ્રેસમાં જુથવાદ ખુલ્લો પડ્‍યો હતો. શહેર પ્રમુખ રાજદિપસિંહ જાડેજા સહિત એક જુથ પ્રવીણ સોરાણી સામે શિસ્‍તભંગના પગલા લેવામાં આવે તેવી માંગ કરી હતી જ્‍યારે બીજુ જુથ કાર્યાલયની બાબતમાં પ્રવિણ સોરાણીની વાતમાં સૂર પુરાવ્‍યો હતો જેથી કાર્યવાહીનો વિરોધ કર્યો હતો. આ વિવાદ બાદ શહેર કોંગ્રેસ પ્રમુખ અને વશરામ સાગઠિયા સહિતના આગેવાનો પ્રવીણ સોરાણીને ટિકીટ ન મળે તે માટે ખુલ્લો વિરોધ કરી રહ્યા છે જો કે બીજી તરફ પ્રવીણ સોરાણી બે દિવસ પહેલા રાજકોટ આવેલા કોંગ્રેસના પ્રદેશ અધ્‍યક્ષને રૂબરુ મળીને આ વાતનો ખુલાસો કર્યો હતો અને માફી પણ માંગી હતી. જો કે પ્રવીણ સોરાણીની વિરુદ્ધ જુથ માફી લેખિતમાં માંગે તો જ ગ્રાહ્ય રાખવાની માંગ કરી છે.

હવે વાત રહી ટિકીટની, આ વોર્ડમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે વશરામ સાગઠિયા અને મકબુલ દાવદાણીનું નામ લગભગ નિશ્વિત છે અને અન્‍ય બે નામોમાં પણ વશરામ સાગઠિયાનો હાથ ઉપર રહે તેવી શકયતા વર્તાઇ રહી છે જો કે વશરામ સાગઠિયા પોતાની પેનલમાં ભાનુબેનને સ્‍થાન ન મળે તે માટે મક્કમ છે અને આ માટે પ્રદેશ સુધી રજૂઆત પણ કરી રહ્યા છે બીજી તરફ પ્રવીણ સોરાણીએ પણ પોતાનું લોબીંગ કર્યું છે કોંગ્રેસ કોઇની પેઢી નથી તેવું કહીને પોતે પણ મક્કમ રીતે દાવેદારી કરી છે.

કોંગ્રેસનું મવડી મંડળ પણ બંન્ને નેતાઓ વચ્‍ચેના વિવાદને લઇને મુશ્‍કેલીમાં હોય તેવું લાગી રહ્યું છે,ગઇકાલે કોંગ્રેસ દ્વારા પ્રથમ યાદી બહાર પાડવામાં આવી હતી, જેમાં ૪૦ જેટલા નામો જાહેર કરવામાં આવ્‍યા છે જો કે તેમાં કોંગ્રેસ તેના મજબૂત વોર્ડમાં જ નામો જાહેર ન કરી શકી જેથી આ વિવાદ વધુ ઘેરો બન્‍યો છે. રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસનો સૌથી મજબુત વોર્ડ નંબર ૧૫ માનવામાં આવે છે આ વખતે ભાજપના પ્રદેશ અધ્‍યક્ષ જગદિશ વિશ્વકર્માએ પણ શહેર ભાજપ પ્રમુખને આ વોર્ડ જીતવા માટેનો પડકાર ફેંકયો છે ત્‍યારે આ સમયે કોંગ્રેસનો આંતરિક જુથવાદથી ભાજપ ગેલમાં છે.

પ્રવીણ સોરાણીએ ભાજપના નેતાઓ સાથે મુલાકાત કરી ?

રાજકોટઃ આ વિવાદ વચ્‍ચે કોંગ્રેસના ચોકામાં એવી પણ ચર્ચા છે કે કોંગ્રેસના નેતા પ્રવીણ સોરાણીએ ભાજપના કેટલાક નેતાઓ સાથે મુલાકાત કરી છે. ભાજપના કેટલાક નેતાઓ સાથે બે બેઠકો પણ થઇ ચૂકી છે જો કે ટિકીટના વાયદાને કારણે મામલો ગુંચવાયો છે. જો કે આ ચર્ચાઓ વચ્‍ચે પ્રવીણ સોરાણીએ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ સાથે મુલાકાત કરી માફી માંગી લેતા નવા સમીકરણો રચાયા છે. જો કે ચૂંટણી સુધીમાં વોર્ડ નંબર ૧૫ માં રાજકીય ડ્રામા જોવા મળી શકે છે.

(4:14 PM IST)