News of Monday, 6th April 2026
ભાજપનો ૪૫મો સ્થાપના દિવસઃ જનસંઘના ‘દિપક'થી ભાજપના ‘કમળ' સુધીની સંઘર્ષ અને શિખરની શાનદાર વિકાસગાથા
અટલજીની ભવિષ્યવાણીને મોદી-શાહની જોડીએ સાકાર કરી કલમ ૩૭૦ની નાબૂદી અને રામમંદિરના નિર્માણ સાથે સાંસ્કૃતિક રાષ્ટ્રવાદનો ઉદયઃ રાજુભાઈ ધ્રુવ

રાજકોટઃ આજે ૬, એપ્રિલ વિશ્વના સૌથી મોટા લોકતાંત્રિક રાજકીય પક્ષ ભારતીય જનતા પાર્ટીનો ૪૫મો સ્થાપના દિવસ છે. આ પ્રસંગે સૌરાષ્ટ્ર ભાજપના પ્રવક્તા રાજુભાઈ ધ્રુવે પક્ષના પાયાના કાર્યકરોથી લઈ મહાન શિલ્પીઓને વંદન સહ શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું છે કે, ભાજપની યાત્રાએ માત્ર સત્તાની સીડી નથી, પરંતુ ‘રાષ્ટ્ર પ્રથમ'ના સંકલ્પથી સિદ્ધિ સુધીની અવિરત તપસ્યા છે.
જનસંઘથી ભાજપ ૭૫:વર્ષનું રાષ્ટ્રવાદી વાવેતરઃ રાજુભાઈ ધ્રુવે પક્ષના ઈતિહાસ પર પ્રકાશ પાડતા જણાવ્યું કે, ૨૧ ઓક્ટોબર ૧૯૫૧ના રોજ ડો. શ્યામાપ્રસાદ મુખર્જીએ ભારતીય જનસંઘની સ્થાપના કરી હતી.
કોંગ્રેસની તુષ્ટિકરણની નીતિઓ સામે હિન્દુત્વ અને રાષ્ટ્રવાદનો અવાજ ઉઠાવનાર આ સંગઠન ૧૯૮૦માં ‘ભારતીય જનતા પાર્ટી' તરીકે પુનઃસ્થાપિત થયું. આજે જનસંઘ અને ભાજપના સંયુક્ત ૭૫ વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે ત્યારે પક્ષે સાબિત કર્યું છે કે મૂલ્યનિષ્ઠ રાજનીતિ જ દેશનો પાયો છે.
અટલજીનો વિશ્વાસ અને મોદીજીનો ઉજાસઃ‘‘અંધારું હટશે, સૂરજ નીકળશે અને કમળ ખીલશે'' - મુંબઈની ચોપાટી પર શ્રદ્ધેય અટલ બિહારી વાજપેયીજીએ ભાખેલી આ ભવિષ્યવાણીને આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી અમિતભાઈ શાહે અક્ષરશઃ સાચી પાડી છે. ૧૯૮૪માં માત્ર ૦૨ બેઠકો ધરાવતો પક્ષ આજે દેશના ખૂણેખૂણે વિસ્તરી પ્રચંડ બહુમતી સાથે શાસન કરી રહ્યો છે.
ઐતિહાસિક નિર્ણયો અને સાંસ્કૃતિક પુનરુત્થાનઃ રાજુભાઈએ વધુમાં ઉમેર્યું કે, મોદી સરકારના કાર્યકાળમાં ભારત ન્યુક્લિયર પાવર બન્યું એટલું જ નહીં, પણ વર્ષો જૂના જટિલ પ્રશ્નોના કાયમી ઉકેલ આવ્યા છે, ડો. શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાનને સાર્થક કરતા કાશ્મીરમાંથી કલમ ૩૭૦ નાબૂદ કરી અખંડ ભારતનું સપનું પૂરું કર્યું. ૫૦૦ વર્ષના સંઘર્ષ બાદ અયોધ્યામાં ભવ્ય રામમંદિરનું નિર્માણ કરી કરોડો ભારતીયોની આસ્થાને ગૌરવ અપાવ્યું.
સરદાર પટેલનું સ્વપ્નઃ સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણથી લઈને એકાત્મક માનવદર્શન સુધીના કાર્યો દ્વારા લોખંડી પુરુષ સરદાર પટેલના અધૂરા કાર્યો ભાજપે પૂર્ણ કર્યા છે.
અંત્યોદય અને વિશ્વગુરુ ભારતનો સંકલ્પઃભાજપની વિચારધારામાં છેવાડાના માનવી (અંત્યોદય)નું કલ્યાણ કેન્દ્રસ્થાને છે.
આજે ભારત આર્થિક અને વૈશ્વિક મોરચે મજબૂત બની ‘વિશ્વગુરૂ' બનવા તરફ અગ્રેસર છે. ગુજરાત સહિત ભાજપ શાસિત રાજયોમાં સમાન નાગરિક ધારા (UCC) તરફ વધતા કદમ દેશની એકતાને વધુ મજબૂત કરશે. રાજુભાઈ ધ્રુવે ભાજપના આ મંગલમય સ્થાપના દિવસે તમામ કાર્યકર્તાઓને રાષ્ટ્રસેવા અને સંગઠન શક્તિને વધુ બળવત્તર બનાવવા આહવાન કર્યું છે.
(4:45 PM IST)










