News of Tuesday, 7th April 2026
દર્દનાક હતો સિનેમાના પહેલા શ્રીમંત ‘સુપરસ્ટાર' માસ્ટર નિસારનો અંત
બૂટ પોલિશ કરવા, ભીખ માંગવી, લોકોને માલિશ કરવું... બોલતી ફિલ્મ યુગના પ્રથમ સુપરસ્ટાર હતા માસ્ટર નિસાર (મોહમ્મદ નિસાર) * માત્ર ૧૦ વર્ષની કુમળી વયે પારસી થિયેટર કંપનીમાં કામ કરવાનું શરૂ કર્યું. * માસ્ટર નિસારને જોવા સ્ટુડિયોની બહાર હજારોની ભીડ ઉમટતી. એક સમયે એટલી ભીડ જમા થઈ ગઈ હતી કે બંગાળના ગવર્નરની કારનો રસ્તો પણ ડાયવર્ટ કરવો પડ્યો હતો.! *કારકિર્દીની શરૂઆતમાં તેમણેસ્ત્રીઓની ભૂમિકાઓ ભજવી હતી. *બોલતી ફિલ્મ ‘શીરીન ફરહાદ' : અને ‘લૈલા મજનુ' માં માસ્ટર નિસાર અને પ્રખ્યાત અભિનેત્રી જહાં આરા કજ્જનની જોડીએ ઇતિહાસ રચી દીધો : બોલીવુડના ઇતિહાસ મુજબ હિન્દી સિનેમામાં સૌપ્રથમ ‘રોલ્સ રોયસ' કાર ખરીદનાર તેઓ સૌપ્રથમ અભિનેતા હતા. : ફિલ્મ સાલ ઇન્દ્ર સભા (૧૯૩૨) માં સાથે અભિનય કર્યો જે તેમની કારકિર્દીની બ્લોકબસ્ટર ફિલ્મ હતી. આ ફિલ્મમાં કુલ ૭૧ ગીતો હતા જે આજે પણ એક વિશ્વ વિક્રમ છે. તે જમાનામાં તેમની લોકપ્રિયતા એટલી હતી કે તેમના નામથી સાબુ અને સિગારેટ જેવી પ્રોડક્ટ્સ વેચાતી હતી. : અને ગુરૂદત ફાટેલા અને મેલાં હાલમાં ઉભેલા કલાકારના પગે પડ્યા..!

તેમણે અંદાજે ૭૫ જેટલી ફિલ્મોમાં કામ કર્યું હતું જેમાંથી ૪૫ ફિલ્મોમાં તેઓ મુખ્ય હીરો હતા
ભારતીય સિનેમાએ ક્યારેય કોઈને બંધક બનાવ્યા નથી. જે પણ અહીં આવ્યા તેને જે લાયક હતું તે મળ્યું. સિનેમાનો ઇતિહાસ ૧૦૦ વર્ષથી વધુનો છે અને આ ઇતિહાસમાં ઘણા નામો નોંધાયા છે જેમણે પડદા પર મહાન કાર્યો કર્યા છે પરંતુ ઘણા કલાકારો પર સમયનું ચક્ર એવું ફેરવાઈ ગયું કે બધું બદલાઈ ગયું. આજે અમે તમને એવા જ એક સ્ટારની વાત કહેવા જઈ રહ્યા છીએ જેમને હિન્દી સિનેમાના પહેલા સુપરસ્ટાર કહેવામાં આવે છે અને એ છે માસ્ટર નિસાર.
હિન્દી સિનેમામાં બોલતી ફિલ્મોનો ટ્રેન્ડ શરૂ થયો ત્યારે માસ્ટર નિસાર એક અભિનેતા હતા. તેઓ અભિનેતા અને ગાયક બંને હતા. તે સમયે ફક્ત થોડા જ કલાકારો સિનેમાનો ભાગ હતા અને માસ્ટર નિસાર તેમાંના એક હતા. તેમને બોલતી ફિલ્મ યુગના પ્રથમ સુપરસ્ટાર માનવામાં આવે છે. માસ્ટર નિસારનું પૂરું નામ મોહમ્મદ નિસાર હતું અને તેઓ બોલતી ફિલ્મોના પહેલા સુપરસ્ટાર હતા. તેમનો જન્મ ૫ માર્ચ ૧૯૦૨ ના રોજ દિલ્હીમાં સંગીતકારોના એક પરિવારમાં થયો હતો. નાનપણથી જ તેમનામાં કલાના બીજ રોપાયેલા હતા. માત્ર ૧૦ વર્ષની કુમળી વયે તેઓ ભોપાલ ગયા અને ત્યાં તેમના કાકાની પારસી થિયેટર કંપનીમાં કામ કરવાનું શરૂ કર્યું. શરૂઆતમાં તેઓ કોરસ સિગર તરીકે ગાતા અને નાના-મોટા રોલ કરતા હતા. તેમની ઉર્દૂ ભાષા પરની પકડ ખૂબ જ મજબૂત હતી અને તેમનો અવાજ અત્યંત સુરીલો હતો જે આગળ જતાં તેમની સૌથી મોટી તાકાત બની. કલકત્તાની પ્રખ્યાત ‘મદન થિયેટર્સ' સાથે જોડાઈને તેમણે પોતાની કારકિર્દીની સાચી અને મજબૂત શરૂઆત કરી. ઇ.સ. ૧૯૩૦ માં જ્યારે ભારતીય સિનેમામાં બોલતી ફિલ્મોનો પ્રારંભ થયો ત્યારે માસ્ટર નિસાર રાતોરાત લોકોના હૃદય પર છવાઈ ગયા. આલમ આરાથી શરૂ થયેલા બોલતી ફિલ્મોના જમાનામાં તેમની શરૂઆતની ફિલ્મોએ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દીધી હતી.
માસ્ટર નિસારે શાસ્ત્રીય સંગીતમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમના અવાજમાં એક અદ્વુત આકર્ષણ હતું પરિણામે પારસી થિયેટરમાં તેમના ગાયન અને અભિનય કૌશલ્ય માટે તેમને માસ્ટર નું બિરુદ મળ્યું. તેમના સુરીલા અવાજ અને સ્પષ્ટ ઉર્દૂએ તેમને હિન્દી સિનેમામાં એક મોટું નામ બનાવ્યું. ઇ.સ. ૧૯૩૦ ના દાયકામાં તેમની જબરજસ્ત બોલબાલા હતી. માસ્ટર નિસારની લોકપ્રિયતા એ હદે હતી કે તેમને જોવા માટે સ્ટુડિયોની બહાર હજારોની ભીડ ઉમટતી. પરંતુ સમયનું ચક્ર એવું ફર્યું કે જે કલાકારે સિનેમા પર એકચક્રી શાસન કર્યું તેને પોતાના અંતિમ દિવસોમાં દર-દરની ઠોકરો ખાવાનો અને ભીખ માંગવાનો વારો આવ્યો.
એવું કહેવાય છે કે માસ્ટર નિસારે તેમની કારકિર્દી દરમિયાન થિયેટરમાં પણ અભિનય કર્યો હતો. જ્યારે માસ્ટર નિસાર ૧૦ વર્ષના હતા ત્યારે તેઓ ભોપાલ ગયા અને તેમના કાકાની કંપનીમાં જોડાયા અને થિયેટરનો ભાગ બન્યા. તેમની કારકિર્દીની શરૂઆતમાં તેમણેસ્ત્રીઓની ભૂમિકાઓ ભજવી હતી. તે દિવસોમાં છોકરીઓ માટે ફિલ્મોમાં કામ કરવું અશુભ માનવામાં આવતું હતું. થોડા સમય પછી તેઓ ફિલ્મોમાં નાયિકા બન્યા અને પોતાના અવાજથી લોકોના દિલ જીતી લીધા. આ પછી તેઓ ઘણા વર્ષો સુધી રંગભૂમિનો ભાગ રહ્યા, ઘણા પ્રખ્યાત નાટકોમાં અભિનય કર્યો. તે શકુંતલા, લૈલા મજનુ અને શિરીન ફરહાદ જેવા નાટકોમાં જોવા મળ્યા. પછીથી આ નાટકો પર આધારિત ફિલ્મો પણ બનાવવામાં આવી. તેમની બીજી બોલતી ફિલ્મ ‘શીરીન ફરહાદ' અને ત્યારબાદ આવેલી ‘લૈલા મજનુ' માં માસ્ટર નિસાર અને પ્રખ્યાત અભિનેત્રી જહાં આરા કજ્જન (જેઓ કજ્જનબાઈ તરીકે પણ ઓળખાતા) ની જોડીએ ઇતિહાસ રચી દીધો. નિસાર અને જહાં આરાની જોડી એટલી લોકપ્રિય થઈ કે તેમણે આઠ ફિલ્મોમાં સાથે અભિનય કર્યો. આ ફિલ્મો બોક્સ ઓફિસ પર જબરદસ્ત હિટ રહી. બોલીવુડના ઐતિહાસિક અહેવાલો મુજબ લોકોમાં તેમનો ક્રેઝ એટલો બધો હતો કે એકવાર કલકત્તામાં તેમને જોવા માટે એટલી મોટી ભીડ જમા થઈ ગઈ હતી કે બંગાળના ગવર્નરની કારનો રસ્તો પણ ડાયવર્ટ કરવો પડ્યો હતો.!
કે.એલ. સાયગલના યુગ પહેલાંના સમયગાળામાં માસ્ટર નિસાર હિન્દી સિનેમાના નિર્વિવાદ બાદશાહ હતા. તેઓ તે જમાનાના જ્યુબિલી સ્ટાર હતા અને ઇન્ડસ્ટ્રીના સૌથી મોંઘા અને સૌથી વધુ ફી લેતા કલાકાર તરીકે પ્રસ્થાપિત થયા હતા. મીડિયા રિપોર્ટ્સ અને બોલીવુડના ઇતિહાસ મુજબ હિન્દી સિનેમામાં સૌપ્રથમ ‘રોલ્સ રોયસ' કાર ખરીદનાર તેઓ સૌપ્રથમ અભિનેતા હતા. ઇ.સ. ૧૯૩૭ માં અર્દેશીર ઈરાની દ્વારા ભારતની સૌપ્રથમ સ્વદેશી કલર ફિલ્મ ‘કિસાન કન્યા' બનાવવામાં આવી હતી જેમાં પણ માસ્ટર નિસારે જ મુખ્ય ભૂમિકા ભજવી હતી. પોતાની કારકિર્દી દરમિયાન તેમણે અંદાજે ૭૫ જેટલી ફિલ્મોમાં કામ કર્યું હતું જેમાંથી ૪૫ ફિલ્મોમાં તેઓ મુખ્ય હીરો હતા. નિસારે તે સમયની બધી પ્રખ્યાત અભિનેત્રીઓ સાથે કામ કર્યું, જેમ કે બિબ્બો, પદ્મા દેવી, ઝેબુન્નિસા, હસીના, કાંતા અને સરદાર અખ્તર. તે દિવસોમાં માસ્ટર નિસાર કદાચ એવા હતા જેમણે સુપરસ્ટાર શબ્દનો અર્થ ખરેખર વ્યાખ્યાયિત કર્યો હતો. તેઓએ ફિલ્મ સાલ ઇન્દ્ર સભા (૧૯૩૨) માં સાથે અભિનય કર્યો જે તેમની કારકિર્દીની બ્લોકબસ્ટર ફિલ્મ હતી. આ ફિલ્મમાં કુલ ૭૧ ગીતો હતા જે આજે પણ એક વિશ્વ વિક્રમ છે. માસ્ટર નિસાર અને કજ્જન બાઈએ આમાંથી મોટાભાગના ગીતો ગાયા હતા. તેઓ લૈલા મજનૂમાં પણ દેખાયા હતા જે એક હિટ ફિલ્મ હતી જેણે નિસારના નસીબને ચકરાવે ચડાવી દીધું હતું. ત્યારબાદ તેમણે ગુલરુ ઝરીના (૧૯૩૨), બિલ્વામંગલ (૧૯૩૨) અને અફઝલ (૧૯૩૩), માયા જાલ (૧૯૩૩), રંગીલા રાજપૂત (૧૯૩૩), સૈર એ પરિસ્તાન (૧૯૩૪), શાહ એ બહેરામ (૧૯૩૪), ધ મોર્ડન ગર્લ (૧૯૩૫), જોહર-એ-શમશીર (૧૯૩૫), બહારે સુલેમાની (૧૯૩૫), અને મિસાર કા ખઝાના (૧૯૩૫) વગેરે સહિત અનેક મોટી ફિલ્મોમાં પોતાના અભિનય અને ગાયકીથી લોકોના દિલ જીતી લીધા.
૧૯૩૦ ના દાયકાની શરૂઆતમાં માસ્ટર નિસાર સૌથી મોંઘા કલાકારોમાંના એક હતા. એવું કહેવાય છે કે તેમનો ભવાની પ્રોડક્શન્સ સાથે કરાર હતો અને પ્રોડક્શન કંપની દ્વારા તેમને ૩,૦૦૦ રૂપિયા પ્રતિ માસની મોટી રકમ પર રાખવામાં આવ્યા હતા. માસ્ટર નિસારના સ્ટારડમને કારણે તેમને આટલી ઊંચી ફી મળી. તેમણે ૧૯૩૭ની ફિલ્મ પંજાબ લેન્સર્સ માં અરદેશીર ઈરાની સાથે પણ કામ કર્યું હતું. તેમણે ઇમ્પીરીયલ પિક્ચર્સ બેનર હેઠળ બનેલી ભારતની પ્રથમ સ્વદેશી રંગીન ફિલ્મ કિસાન કન્યામાં પણ મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મો તેમની કારકિર્દીની છેલ્લી ફિલ્મો હતી જેમાં તેઓ મુખ્ય ભૂમિકામાં દેખાયા હતા.
પોતાની સફળતાના સર્વોચ્ચ શિખર પર માસ્ટર નિસાર ખૂબ જ શાન-ઓ-શૌકત અને રાજાશાહી ઠાઠમાઠથી જીવતા હતા. તેમના રોમાન્સ અને પ્રેમ પ્રકરણોના કિસ્સાઓ આખી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ચર્ચાનો વિષય બન્યા હતા. તેમણે પોતાના અંગત જીવનમાં ચાર વાર લગ્નો કર્યા હતા. સફળતા, નામના અને બેહિસાબ પૈસા તેમના પગમાં હતા. તે જમાનામાં તેમની લોકપ્રિયતા એટલી હતી કે તેમના નામથી સાબુ અને સિગારેટ જેવી પ્રોડક્ટ્સ વેચાતી હતી. માસ્ટર નિસાર એ ભારતીય મનોરંજન જગતના એવા પાયાના પથ્થર છે જેમણે સ્ટેજ અને સ્ક્રિન બંને પર પોતાનું વર્ચસ્વ જમાવ્યું હતું. પરંતુ કહેવાય છે કે સમયની ગતિ ક્યારેય એકસરખી નથી રહેતી. ૧૯૩૦ ના દાયકાના અંતમાં તેમની કારકિર્દીમાં વિવિધ કારણોસર ઘટાડો જોવા મળ્યો જેની વિગતો ઉપલબ્ધ નથી. જોકે માન્યતા એ છે કે, કે.એલ. સાયગલ, અશોક કુમાર અને સુરેન્દ્ર જેવા નવા સ્ટાર્સનો ઉદય, બદલાતા લ્લશ્યો, ટેક્રોલોજી અને વિવિધ સ્ટુડિયો વચ્ચેના રાજકારણ સાથે તેમની કારકિર્દીનો અસ્ત થવા લાગ્યો. એ પછી તેઓ ફિલ્મોમાં બહુ ઓછા દેખાતા. તેઓ ૧૯૫૦ અને ૧૯૬૦ ના દાયકામાં એક પાત્ર તરીકે કેટલીક ફિલ્મોમાં દેખાયા હતા.
દિલીપ કુમાર માસ્ટર નિસારના મોટા ચાહક હતા અને નિસારને તેમની પોતાની કુદરતી અભિનય શૈલી માટે પ્રેરણા પણ માનતા હતા. આ કારણે નિસારને દિલીપ કુમારની ફિલ્મોમાં થોડી ભૂમિકાઓ મળી હતી. માસ્ટર નિસાર ઘણી જાણીતી ફિલ્મોમાં કવ્વાલ તરીકે જોવા મળ્યા જેમ કે આઝાદ (૧૯૫૫) અને બરસત કી એક રાત (૧૯૬૦), વગેરે. એવું કહેવાય છે કે ગીતકાર સાહિર લુધિયાનવીએ એક વાર માસ્ટર નિસારને રસ્તાના કિનારે ભીખ માંગતા જોયા હતા. ત્યારબાદ તેમણે તેમનો બી.આર. ચોપરા સાથે પરિચય કરાવ્યો અને કામ અપાવ્યું. એવું પણ કહેવાય છે કે માસ્ટર નિસાર ફિલ્મોમાં અભિનય અને ગાયન ઉપરાંત શરિરને માલિશ કેવી રીતે કરવું તે પણ જાણતા હતા. જ્યારે તેમની પાસે પૈસા ખતમ થઈ ગયા ત્યારે માસ્ટર નિસારે પોતાનું ગુજરાન ચલાવવા માટે લોકોના શરિરને માલિશનું કામ શરૂ કર્યું. તેઓ થોડા રૂપિયામાં માલિશનું કામ કરતા. ફિલ્મ ઇતિહાસકાર આઇઝેક મુજાવરે તેમના પુસ્તક ફલેશબેક ૨ માં ઉલ્લેખ કર્યો છે કે માસ્ટર નિસારે બિમલ રોયની દો બીઘા જમીન અને હૃષિકેશ મુખર્જીની ગુડ્ડી માં માલિશ કરનારની ભૂમિકા ભજવી હતી. ડીજિટલ મીડિયાના અહેવાલો અને ઇતિહાસકારોના મતે, તેઓ ફિલ્મ ‘સાધના' (૧૯૫૮) ની પ્રખ્યાત કવ્વાલી આજ ક્યોં હમસે પરદા હૈ માં અને ‘બરસાત કી રાત' ની લોકપ્રિય કવ્વાલી ના તો કારવાં કી તલાશ હૈ માં પડદા પર જોવા મળ્યા હતા. તેમના અંતિમ દિવસોમાં તેઓ જૂતા પોલિશ કરતા પણ જોવા મળ્યા હતા. તેમણે તેમના અંતિમ દિવસો માલિશ કરવામાં અને જૂતા પોલિશ કરવામાં વિતાવ્યા હતા. એક દુર્ઘટના એ છે કે એક સમયે રોલ્સ-રોયસ કાર ધરાવતા આ સુપરસ્ટારે પોતાના છેલ્લા દિવસો કમાઠીપુરાની એક ચાલમાં વિતાવ્યા. અહેવાલો મુજબ, તેમને અવારનવાર મુંબઈની હાજી અલી દરગાહ પાસે ભીખ માંગતા પણ જોવામાં આવ્યા હતા જે તેમના જીવનની સૌથી કડવી વક્રતા હતી. છેવટે ભૂખ, બીમારી, ગરીબી અને લાચારી વચ્ચે ૧૩ જુલાઈ ૧૯૮૦ના રોજ આ મહાન કલાકારે ગુમનામીમાં દુનિયામાંથી હંમેશા માટે વિદાય લીધી. માસ્ટર નિસારની આ કરુણ કહાની બોલીવુડની એ કાળી વાસ્તવિકતા છતી કરે છે જ્યાં આજે જે વ્યક્તિ સફળતાના આસમાન પર છે તે કાલે આકાશમાંથી જમીન પર પણ આવી શકે છે. હિન્દી સિનેમાનો આ પ્રથમ સુપરસ્ટાર આજે ભલે લોકોની સ્મૃતિઓમાંથી ભૂંસાઈ ગયો હોય પરંતુ ભારતીય સિનેમાના પાયામાં તેમનું અમૂલ્ય યોગદાન ક્યારેય ભૂલી શકાશે નહીં.
બદલાતા સિનેમાના પ્રવાહમાં માસ્ટર નિસારને ફિલ્મો મળવાનું બંધ થઈ ગયું હતું અને તેમના જીવનના અત્યંત ખરાબ દિવસો શરૂ થયા. જે અભિનેતા એક સમયે દેશનો સૌથી મોટો સુપરસ્ટાર હતો તે હવે નાની કેરેક્ટર ભૂમિકાઓ ભજવવા માટે મજબૂર બની ગયો હતો. સમય જતાં પરિસ્થિતિ એટલી હદે વણસી ગઈ કે તેઓ પોતાનું ગુજરાન ચલાવવા માટે એક્સ્ટ્રા કલાકારોની ભીડમાં ઊભા રહીને નાની ભૂમિકાઓ શોધવા લાગ્યા હતા. ઇન્ડસ્ટ્રીના જૂના દિગ્ગજ લોકો ક્યારેક તેમની દયા ખાઈને તેમને નાનું-મોટું કામ આપી દેતા, પરંતુ મોટાભાગે ઘણા દિવસો એવા પણ આવતા જ્યારે તેમને કામ વગર અને ભૂખ્યા પેટે પણ સુવું પડતું હતું.
ગુરુદત્ત સાથેનો તે હૃદયસ્પર્શી અને ભાવુક પ્રસંગ કદી નહીં ભુલાય. માસ્ટર નિસારના જીવનનો સૌથી હૃદયદ્રાવક કિસ્સો ૧૯૫૪-૧૯૫૫ ની આસપાસ બન્યો હતો. તે સમયે પ્રખ્યાત ફિલ્મ નિર્માતા, દિગ્દર્શક અને અભિનેતા ગુરુદત્ત ભારતીય સિનેમાની પ્રથમ સિનેમાસ્કોપ ફિલ્મ ‘કાગઝ કે ફૂલ‘ બનાવી રહ્યા હતા. એક ચોક્કસ સીન માટે તેમને કેટલાક એક્સ્ટ્રા કલાકારોની જરૂર પડી. કલાકારો પૂરા પાડતા એક સપ્લાયરે તરત જ કેટલાક લોકોને લાવીને સેટ પર લાઇનસર ઊભા રાખ્યા. ગુરુદત્ત સ્વભાવે બહુ જ પરફેક્શનિસ્ટ હતા અને દરેક વસ્તુ ઝીણવટપૂર્વક તપાસતા હતા. તેઓ કલાકારોને પારખી રહ્યા હતા ત્યારે અચાનક તેમની નજર એક્સ્ટ્રા કલાકારોની ભીડમાં ઉભેલા એક જાણીતા ચહેરા પર સ્થિર થઈ ગઈ. તે ચહેરાની રંગત સાવ ઉડી ગઈ હતી, ઉદાસી છવાયેલી હતી અને આંખો એકદમ બુઝાયેલી કે નિરાશ હતી. ગુરુદત્ત તરત જ ઝૂકીને તે વ્યક્તિ પાસે ગયા અને તેમના ચરણોની ધૂળ પોતાના માથે લગાવી લીધી. સેટ પર હાજર તમામ લોકો આ દ્રશ્ય જોઈને આヘર્યચકિત થઈ ગયા કે આખરે ગુરુદત્ત જેવા મહાન દિગ્દર્શક આ ફાટેલા અને મેલાં હાલમાં ઉભેલા કલાકારના પગે શા માટે પડી રહ્યા છે! હકીકતે તે એક્સ્ટ્રા કલાકાર બીજું કોઈ નહીં પણ પોતાના જમાનાના દિગ્ગજ અને અગ્રણી સ્ટાર માસ્ટર નિસાર હતા. અત્યંત ખરાબ અને ફાટેલા હાલમાં હોવા છતાં ગુરુદત્તની નજરો તેમને ઓળખી ગઈ હતી. ગુરુદત્તનું આવું સન્માન જોઈને માસ્ટર નિસાર હેબતાઈ ગયા, તેમનું ગળું ભરાઈ આવ્યું અને આંખોમાં આંસુ આવી ગયા. તેમના હોઠ થરથર કાંપવા લાગ્યા અને કોઈ શબ્દ નીકળી શક્યો નહીં. ગુરુદત્તે તેમને ભેટી પડ્યા. સેટ પર એકદમ સન્નાટો છવાઈ ગયો હતો. માસ્ટર નિસારે ગળગળા સાદે ગુરુદત્તને કહ્યું કે, હવે હું ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો કોઈ સિતારો નથી રહ્યો પણ એક સાવ સામાન્ય માણસ છું જેની પાસે પૈસા નથી અને ગરીબીમાં જીવું છું. મને કોઈ કામ આપી દો જેથી મારું પેટ ભરાય. આ સાંભળીને ગુરુદત્તે ભારે હૈયે કહ્યું કે, હું તમને ક્યારેય ભૂલી શકું તેમ નથી. એક સમયે આ ફિલ્મ ઇન્ડસ્ટ્રી પર તમારું એકચક્રી શાસન હતું. તમારી જગ્યા આ એક્સ્ટ્રા કલાકારોની ભીડમાં ક્યારેય ન હોઈ શકે, તમારી જગ્યા મારી આ ખુરશી પર છે. એમ કહીને ગુરુદત્તે તેમને પોતાની ડિરેક્ટરની ખુરશી પર બેસાડી દીધા અને કહ્યું કે, મારી જગ્યા તમારા ચરણોમાં છે. જ્યાં સુધી આ ફિલ્મનું શૂટિગ પૂરું ન થાય ત્યાં સુધી તમે રોજ સેટ પર આવજો, આ ખુરશી પર બેસજો અને તમારું માર્ગદર્શન અને આશીર્વાદ આપજો અને તેના બદલામાં તમને દરરોજ તમારું મહેનતાણું મળશે. આટલું ઉચ્ચ સન્માન જોઈને માસ્ટર નિસાર ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા અને ગુરુ દત્તના પગમાં પડવા લાગ્યા પરંતુ ગુરુદત્તે તેમને પ્રેમથી સંભાળી લીધા.
પ્રશાંત બક્ષી
મો. ૭૯૯૦૫ ૫૮૪૬૯

(3:03 PM IST)










