News of Tuesday, 7th April 2026
વ્યાજખોરના ત્રાસથી કંટાળી રિક્ષાચાલકનો આપઘાતનો પ્રયાસ
આફતાબ નામના શખ્સ પાસેથી ૨૫ હજાર વ્યાજે લીધા બાદ પઠાણી ઉઘરાણી શરૂ થતા યુવાને પગલું ભર્યુ

રાજકોટ, તા., ૭ : શહેરમાં વ્યાજખોરોનો આતંક યથાવત હોય તેમ વધુ એક રિક્ષાચાલક યુવાન વ્યાજના વિષચક્રમાં ફસાઈને જિંદગી ટૂંકાવવા મજબૂર બન્યો છે. પોપટપરા વિસ્તારમાં રહેતા ૩૪ વર્ષીય યુવાને વ્યાજખોરની પઠાણી ઉઘરાણીથી કંટાળી આજે સવારે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ લેતા તેને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
આ અંગેની વિગતો મુજબ, પોપટપરા શેરી નં. ૨,ના ખૂણે' બંધ શેરીમાં રહેતા આશિફ હુસેનભાઇ જેડા (ઉ.વ. ૩૪) નામના રિક્ષાચાલક યુવાને મંગળવારે સવારે આશરે આઠેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે પંખા સાથે દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો. આ સમયે તેની પત્ની ઝરીનાબેનની નજર પડતા તુરંત દેકારો મચાવ્યો હતો. આશિફને અર્ધબેભાન હાલતમાં નીચે ઉતારી તાત્કાલિક સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલના ઇમર્જન્સી વોર્ડમાં ખસેડવામાં આવ્યો છે.
પરિવારના જણાવ્યા મુજબ,આશિફ જેડાએ ત્રણેક મહિના પહેલા આફતાબ નામના શખ્સ પાસેથી રૂપિયા ૨૫,૦૦૦ વ્યાજે લીધા હતા. છેલ્લા કેટલાક સમયથી રિક્ષાની આર્થિક આવક ઓછી હોવાથી તે વ્યાજ ચૂકવી શકતો નહોતો. આ બાબતે આફતાબ સતત પઠાણી ઉઘરાણી કરી માનસિક ત્રાસ આપતો હોવાથી આશિફે કંટાળીને આ પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે. આશિફ ત્રણ ભાઈઓમાં સૌથી નાનો છે અને સંતાનમાં તેને એક દીકરી છે. ઘટના અંગેની જાણ થતા પ્રદ્યુમનનગર પોલીસ મથકનો સ્ટાફ સિવિલ હોસ્પિટલ પહોંચ્યો હતો અને વ્યાજખોર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા વધુ તપાસ હાથ ધરી છે.
(3:06 PM IST)










