<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th April 2026

જન્‍મ-મરણ વિભાગમાં લાંબી કતારોઃ અફરાતફડી વચ્‍ચે એક અરજદાર બેભાન

એક માત્ર દીકરીના સર્ટિફિકેટ અને નવા ફોર્મેટના જન્‍મ દાખલા માટે અરજદારોની મનપા ગેટ સુધી ભીડ

રાજકોટ, તા.૭ : મનપામાં ચૂંટણીની આચાર સંહિતાના કારણે અન્‍ય વિભાગોની કામગીરી ધીમી પડી હોવા છતાં જન્‍મ-મરણ વિભાગમાં છેલ્લા કેટલાક દિવસોથી અરજદારોની ભારે ભીડ જોવા મળી રહી છે. એક માત્ર દીકરીના સર્ટિફિકેટ તેમજ નવા શૈક્ષણિક સત્ર માટે જરૂરી નવા ફોર્મેટના જન્‍મ દાખલા મેળવવા માટે આજે વહેલી સવારથી જ અરજદારોની લાંબી લાઈનો લાગી ગઈ હતી.

વિભાગ ખાતે વધતી ભીડને કારણે અફરાતફડી જેવી સ્‍થિતિ સર્જાતા તંત્ર દ્વારા વ્‍યવસ્‍થા જાળવવા માટે વિજીલન્‍સ સ્‍ટાફ મુકવામાં આવ્‍યો હતો. મનપાના મુખ્‍ય ગેટ સુધી લાઈનો પહોંચી જતાં અરજદારોને નિયંત્રિત કરવા તેમજ સુવિધા આપવા માટે પીવાના પાણી સહિતની વ્‍યવસ્‍થાઓ ઉભી કરવામાં આવી હતી.

એ કે આ વ્‍યવસ્‍થા  વચ્‍ચે ગીરદી અને ગરમીના કારણે એક અરજદાર બેભાન થઇ જતા થોડીવાર માટે માહોલ તંગ બની ગયો હતો. તંત્ર દ્વારા અરજદારને તુરંત ૧૦૮ મારફત હોસ્‍પિટલ  ખસેડવામાં આવેલ હતા. સરકારના નવા નિયમ અનુસાર જન્‍મ દાખલામાં સંતાનના નામ સાથે પિતાનું નામ એક જ નક્કી કરેલા ફોર્મેટમાં દર્શાવવું ફરજિયાત બનાવાયું છે. નવા શૈક્ષણિક સત્ર પહેલાં સ્‍કૂલોમાં એડમિશન માટે આ દાખલો ફરજિયાત બનતા વાલીઓ જૂના દાખલામાં સુધારા કરીને નવા ફોર્મેટના દાખલા મેળવવા માટે મોટી સંખ્‍યામાં મનપા ખાતે આવી રહ્યા છે.જન્‍મ-મરણ વિભાગના સૂત્રોના જણાવ્‍યા મુજબ, સામાન્‍ય દિવસોમાં લોકો જરૂરિયાત મુજબ સુધારા માટે આવતા હોય છે, પરંતુ એડમિશન સીઝન શરૂ થતાં અચાનક અરજદારોની સંખ્‍યા વધી ગઈ છે. વેકેશન પહેલાં જરૂરી દસ્‍તાવેજો તૈયાર રાખવા વાલીઓમાં ઉતાવળ જોવા મળતા રોજ ભીડ વધવા લાગી છે.

(3:53 PM IST)