News of Friday, 10th April 2026
ભાજપનું કાલે સવારે વિજય વિશ્વાસ સંમેલન જાહેરઃ ઉમેદવારોના નામ બાકી
મુરતીયાઓ વિના જાન માંડવે જાય તેવો ઘાટ! : બહુમાળી ચોક ખાતે કાર્યકરો-નેતાઓનો ૯ વાગ્યે જમાવડો જામશેઃ વાજતે ગાજતે ફોર્મ ભરાશે

રાજકોટ, તા.૧૦: મનપાની તા.૨૬ના યોજાનાર ચૂંટણીને લઈને ભાજપ દ્વારા જોરશોરથી તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. પાર્ટી દ્વારા હજી સુધી સત્તાવાર રીતે ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી નથી, છતાં કાલે ભાજપના ૭૨ ઉમેદવારો ફોર્મ ભરશે એવી જાહેરાત કરવામાં આવી છે.
શહેરના બહુમાળી ભવન ચોક ખાતે કાલે સવારે ૯ કલાકે ‘‘વિજય વિશ્વાસ સંમેલન'' નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને આગેવાનો હાજરી આપશે. ભાજપ દ્વારા આ કાર્યક્રમને શક્તિ પ્રદર્શન તરીકે જોવામાં આવી રહ્યું છે.
જોકે ભાજપની ઉમેદવારો જાહેર કર્યા વિના જ ફોર્મ ભરવાની તૈયારીને લઈને રાજકીય વર્તુળોમાં ચર્ચા જગાવી છે. હાલની પરિસ્થિતિને જોતા એવું લાગી રહ્યું છે કે, ભાજપની સ્થિતિ ‘‘મુરતિયા વિનાની જાન''જેવી બની છે, જ્યાં ઉમેદવારોના નામો અંગે અસ્પષ્ટતા યથાવત છે.
શહેર આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. રાજકોટ મનપા માટે ભાજપે હજુ સુધી સત્તાવાર રીતે ઉમેદવારોના નામોની જાહેરાત કરી નથી. તેમ છતાં સંગઠન દ્વારા ફોર્મ ભરવાની પ્રક્રિયા અને શક્તિ પ્રદર્શનની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.
આવતીકાલે વિજય મુહૂર્તમાં ઉમેદવારી ફોર્મ ભરવા માટે રાજકોટ શહેર ભાજપ દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ નિમિત્તે શહેરના બહુમાળી ભવન ચોક ખાતે ‘વિજય વિશ્વાસ સંમેલન' યોજાશે. આ કાર્યક્રમની પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરવા માટે આજે શહેર ભાજપના અગ્રણીઓ વિરેન્દ્રસિંહ ઝાલા, વલ્લભભાઈ દુધાત્રા અને રાજુભાઈ ધ્રુવ સહિતના નેતાઓએ સ્થળની મુલાકાત લીધી હતી.
નેતાઓએ સભાના મંડપ, સ્ટેજ અને બેઠક વ્યવસ્થાનું નિરીક્ષણ કરીને કાર્યકરોને જરૂરી સૂચનાઓ આપી હતી.
આવતીકાલના કાર્યક્રમ અંગેની વિગતો આપતા તેમણે જણાવ્યું કે, રાજકોટનાં તમામ ૧૮ વોર્ડના સંભવિત ઉમેદવારો અને હજારોની સંખ્યામાં કાર્યકરો રેલી સ્વરૂપે બહુમાળી ભવન ચોક ખાતે એકઠા થશે. જ્યાં ્પ્રથમ લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવશે. ત્યારબાદ યોજાનારા સંમેલનમાં ભાજપ પોતાની તાકાતનું પ્રદર્શન કરશે. આ સંમેલન પૂર્ણ થયા બાદ તમામ ઉમેદવારો પોતાના સમર્થકો સાથે વિજય મુહૂર્તમાં ફોર્મ ભરવા માટે રવાના થશે.
ભાજપના આક્રમક અભિગમ સામે કોંગ્રેસ અને અન્ય પક્ષો પણ પોતાની રણનીતિ ઘડી રહ્યા છે, પરંતુ ભાજપે સંગઠનાત્મક સ્તરે વહેલી તૈયારીઓ કરીને ્પ્રચારમાં પ્રભુત્વ મેળવવાનો પ્રયાસ કર્યો છે. પેજ સમિતિથી લઈને શહેરના હોદ્દેદારો સુધીના તમામ સ્તરે કાર્યકરોને સક્રિય કરી દેવામાં આવ્યા છે. ભાજપ માટે વ્યક્તિ કરતા પક્ષનું નિશાન ‘કમળ' મહત્વનું હોવાનો સંદેશ આ શક્તિપ્રદર્શન દ્વારા આપવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે.
આવતીકાલે ફોર્મ ભરાયા બાદ રાજકોટમાં ચૂંટણી જંગ વધુ તેજ બનશે અને રાજકીય ગતિવિધિઓ નવા વળાંક લેશે તેવી પૂરી શકયતા છે.
(3:03 PM IST)










