News of Friday, 10th April 2026
અમેરિકામાં PhDનો ત્યાગ કરી ‘પ્રભુશ્રી'એ જેમના માટે આયુષ સમર્પિત કર્યું તે બ્રહ્મમંત્રની અખંડધૂનનો ૩૬માં વર્ષમાં પ્રવેશ
ૐ હ્રીં રામ જય રામ જય જય રામ : સત્યયુગ શ્રી રામજી મંદિરે ૧૩ એપ્રિલે વાર્ષિક મહોત્સવઃ ૧૯મીએ મધ્યરાત્રિ સુધી ગુંજશે સંગીતમય સમૂહધૂન

રાજકોટઃ વિશ્વમાં શાંતિ સ્થપાય અને કુદરતી પ્રલયાત્મક આપત્તિઓથી માનવજાત તેમજ મૂંગા પ્રાણીઓની રક્ષા થાય તેવા ઉમદા હેતુ સાથે રાજકોટના ગોંડલ રોડ સ્થિત ‘સત્યયુગ શ્રી રામજી મંદિર' ખાતે છેલ્લા ૩૪ વર્ષથી અવિરત બ્રહ્મમંત્રની ધૂન ચાલી રહી છે. આગામી ૧૩ એપ્રિલ, સોમવારના રોજ આ અખંડધૂન ૩૬માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહી છે, જે અંતર્ગત વિવિધ ભક્તિમય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
આ સંસ્થાના પ્રેરણાષોત ‘પ્રભુશ્રી' (શ્રી સત્ ચિત્ આત્મન્ ભગવાન) ના જીવનનો પ્રસંગ ખૂબ જ પ્રેરણાદાયી છે. તેઓ ભારતમાંથી બે માસ્ટર ડિગ્રી મેળવ્યા બાદ અમેરિકાની કોલંબિયા યુનિવર્સિટીમાં આંતરરાષ્ટ્રીય કાયદાના વિષયમાં પીએચડી કરવા ગયા હતા. તેમનો થીસીસ પૂર્ણ થઈ ગયો હતો અને માત્ર મૌખિક પરીક્ષા (viva) બાકી હતી, ત્યારે જ તેમના જીવનમાં એક વળાંક આવ્યો. એકાંતમાં બેઠા હતા ત્યારે એક પ્રચંડ શક્તિનો સંચાર અનુભવાયો અને આંતરવાણી સંભળાઈ કે, તમારો જન્મ વિશ્વ કલ્યાણ અર્થે થયો છે, હવે બાકીની વસ્તુઓ ત્યાગી સાધનામાં પ્રવૃત થાઓ. આ દિવ્ય સંકેત બાદ તેઓએ સંસાર ત્યાગી માનવજાતની રક્ષા માટે બ્રહ્મમંત્રની આરાધના શરૂ કરી.
પ્રભુશ્રીના શબ્દોમાં ૐ હ્રીં રામ જય રામ જય જય રામ એ માત્ર મંત્ર નથી પણ પરમાત્મા સાથે જોડાવાની સર્વોચ્ચ વૈજ્ઞાનિક પ્રક્રિયા છે. આ મંત્રના પ્રત્યેક શબ્દમાં આધ્યાત્મિક શક્તિ અને સત્યયુગની સ્થાપનાનો સંકલ્પ છુપાયેલો છે.
તા.૧૩/૦૪/૨૦૨૬ સોમવાર અખંડધૂનનો ૩૫મો વાર્ષિક મહોત્સવ ઉજવાશે. સાંજે ૭:૩૦ કલાકે વિશેષ સંધ્યા આરતી અને રાત્રે ૯ વાગ્યા સુધી સમૂહધૂન યોજાશે.
જ્યારે તા.૧૯ રવિવારે આ દિવસે વિશેષ સાંસ્કૃતિક અને ધાર્મિક કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જેમાં સાંજે ૫ થી રાતના ૧૨ વાગ્યા સુધી રાજ્યના નામાંકિત ધૂન મંડળો દ્વારા સંગીતમય શૈલીમાં પ્રભુ સ્મરણ કરવામાં આવશે.
હાલમાં રાજકોટ ઉપરાંત ગોંડલ (૪૬ વર્ષ), સાંઢવાયા, નાનાવડીયા, ભાડવા અને બીલડી જેવા ગામોમાં પણ આ મંત્રની ધૂન વર્ષોથી અવિરત ચાલી રહી છે.
સ્થળઃ પ્રભુજી નિર્મિત સત્યયુગ શ્રી રામજી મંદિર, શ્રી ન્યાલભગત આશ્રમ, ગોંડલ રોડ, રાજકોટ.
તસ્વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે રામજી મંદિરના રાહુલભાઈ જોષી (મો.૯૪૨૬૭ ૧૯૦૨૮) બ્રિજેશભાઈ આસોડિયા, છગનભાઈ ગજેરા, કિશોરભાઈ ચાવડા, નિલેશભાઈ જોબનપુત્રા, મહેશભાઈ વાગડીયા નજરે પડે છે. (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
(3:47 PM IST)










