News of Friday, 10th April 2026
રાજકીય પાર્ટીના લીસ્ટ અટકતા બળવા કે પક્ષ પલટાનો ડર ? ચર્ચા
દાવેદારો-સમર્થકોમાં ભારે ઉત્કંઠાઃ કોંગ્રેસ-ભાજપ એક બીજાની યાદીની રાહમાં: કોથળામાંથી બીલાડુ નિકળશે ?

રાજકોટ, તા. ૧૦: તા.ર૬ના રાજ્યભરમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજકીય માહોલ ગરમાયો છે. આગામી ૨૬ એપ્રિલે મતદાન થવાનું હોવા છતાં મુખ્ય રાજકીય પક્ષો ભાજપ અને કોંગ્રેસ બંને ઉમેદવારોની યાદી જાહેર કરવામાં અસમર્થ દેખાઈ રહ્યા છે. બળવો ફાટી નીકળે તેવા ભયને કારણે બંને પક્ષોએ અંતિમ ઘડી સુધી ઉમેદવારોના નામ જાહેર કરવાની પ્રક્રિયા લટકાવી રાખી છે.
કોંગ્રેસે સાત મહાનગરપાલિકાઓ માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી, પરંતુ ત્યારબાદ બીજી યાદી જાહેર કરવામાં વિલંબ કર્યો છે. પક્ષના સૂત્રો મુજબ, ભાજપના ઉમેદવારો જાહેર થયા બાદ જ રાજકીય સમીકરણો સમજીને બીજી યાદી બહાર પાડવાની રણનીતિ ઘડાઈ હતી. પરંતુ ભાજપે પણ છેલ્લી ઘડી સુધી પોતાના ઉમેદવારો જાહેર ન કરતા કોંગ્રેસ માટે સ્થિતિ કપરી બની ગઈ છે.
બીજી તરફ ભાજપમાં પણ ટિકિટ ફાળવણી મુદ્દે ભારે વિલંબ થયો છે. ત્રણ દિવસથી ચાલતા પાર્લામેન્ટરી બોર્ડમાં સ્પષ્ટ માપદંડો ન નક્કી થતા સ્થાનિક સ્તરે નેતાઓ મૂંઝવણમાં મુકાયા છે. ધારાસભ્યો દ્વારા ભલામણ કરાયેલા તમામ નામોને ટિકિટ નહીં આપવાની કડક સૂચના અપાઈ હોવાનું પણ જાણવા મળે છે.
ઉમેદવારી ફોર્મ ભરવાનો કાલે અંતિમ દિવસ હોવાથી કોંગ્રેસે ઘણા વિસ્તારોમાં ઉમેદવારોને સીધી ટેલિફોનિક સૂચના આપી ફોર્મ ભરાવવાની પ્રક્રિયા શરૂ કરી છે. કેટલીક બેઠકો પર તો નામ જાહેર કર્યા વગર સીધું મેંડેટ આપવાની તૈયારી પણ ચાલી રહી છે.
ભાજપ દ્વારા પણ તબક્કાવાર ઉમેદવારોના નામ જાહેર કરવાની શરૂઆત કરવામાં આવી હતી, પરંતુ કેટલાક કારણોસર યાદી ફરી અટકાવી દેવામાં આવી છે. જેના કારણે બંને પક્ષોમાં પ્રબળ દાવેદારોમાં અસંતોષ વધતો જોવા મળી રહ્યો છે.
આ પરિસ્થિતિમાં બળવો ફાટી નીકળવાની શકયતા વધી રહી છે. ટિકિટ ન મળવાની આશંકાથી અનેક નેતાઓ પક્ષ બદલવા કે સ્વતંત્ર ઉમેદવાર તરીકે મેદાનમાં ઊતરવા તૈયાર થઈ રહ્યા છે. આમ, ચૂંટણી પહેલા જ રાજકીય ઉથલપાથલના સંકેતો મળી રહ્યા છે.
કાલે ફોર્મ ભરવાની અંતિમ તારીખને કારણે નામાંકન કચેરીઓમાં ભારે ભીડ રહેવાની શકયતા છે, જ્યારે બંને પક્ષોના નેતાઓ માટે આ રાત ઉજાગરા ભરી બની રહે તેવી સ્થિતિ સર્જાઈ છે.
(4:01 PM IST)










