News of Saturday, 11th April 2026
મોડી રાત્રે સ્પીડબ્રેકર કાળ બન્યુઃ બાઈક હવામાં ઉછળી દીવાલ સાથે અથડાતા બિહારી યુવકનું મોત
રેલવે સ્ટેશનમાં અપ્રેન્ટિસ તરીકે ફરજ બજાવતો અમિત તંતી મિત્રો સાથે બેડમિન્ટન રમી પરત ફરી રહ્યો હતો ત્યારે સર્જાયો જીવલેણ અકસ્માત

રાજકોટ, તા.૧૧: શહેરના ચિનોઈ રોડ પર ગત મોડી રાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં પુરપાટ ઝડપે જઈ રહેલું બાઈક સ્પીડ બ્રેકર પરથી ઉછળી રૂડાની દીવાલ સાથે અથડાતા ૩૦ વર્ષીય આશાસ્પદ યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. મળતક યુવક રાજકોટ રેલવે સ્ટેશનમાં એપ્રેન્ટિસ તરીકે નોકરી કરતો હોવાનું જાણવા મળ્યું છે.
વિગતો મુજબ, મૂળ બિહારનો વતની અને હાલ જંક્શન પ્લોટ વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતો અમિતકુમાર સુબોધ તંતી (ઉ.વ. ૩૦) ગત રાત્રે આશરે ૧ વાગ્યાની આસપાસ પોતાના ત્રણ મિત્રો સાથે રેસકોર્સ ખાતે ફૂલ રેકેટ રમીને પરત ફરી રહ્યો હતો. અમિતકુમાર પોતાનું બાઈક લઈને ચિનોઈ રોડ પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક સ્પીડ બ્રેકર આવતા તે બાઈક પરથી કાબૂ ગુમાવી બેઠો હતો. બાઈક હવામાં ફંગોળાઈને સીધું રૂડા ઓફિસની દીવાલ સાથે ધડાકાભેર અથડાયું હતું.
અકસ્માત એટલો ભયાનક હતો કે અમિતકુમારને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. તેની સાથે બાઈક પર પાછળ બેઠેલા તેના રૂમ પાર્ટનરને સદનસીબે સામાન્ય ઈજાઓ પહોંચી હતી. બનાવની જાણ થતા જ પ્રદ્યુમનનગર પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સ્થળ પર દોડી ગયો હતો અને મળતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતક અમિતકુમાર ચાર ભાઈઓમાં સૌથી નાનો હતો અને છેલ્લા એક વર્ષથી રાજકોટમાં રહી રેલવેમાં એપ્રેન્ટિસ તરીકે નોકરી કરતો હતો. અકસ્માતના સમાચાર બિહારમાં રહેતા તેના પરિવારને અપાતા તેઓ તાત્કાલિક રાજકોટ દોડી આવ્યા હતા. જુવાનજોધ દીકરાના મોતના સમાચારથી પરિવારમાં ભારે આક્રંદ છવાઈ ગયું છે. પોલીસે બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
(3:51 PM IST)










