<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th April 2026

એએસઆઈ રામશીભાઈ વરુનું નિધનઃ પોલીસ બેડામાં શોકની લહેર

સિવિલ હોસ્‍પિટલના ‘મદદગાર' ગણાતા રામશીભાઈની પોરબંદરના કોટડા ગામે ‘ગાર્ડ ઓફ ઓનર' સાથે અંતિમ વિધિ કરાઈઃ અનેક પરિવારોને અંગદાન માટે કર્યા હતા પ્રેરિત

રાજકોટ, તા.૧૧: પ્રદ્યુમન નગર પોલીસ સ્‍ટેશનમાં ASI તરીકે ફરજ બજાવતા અને લોકોના હૃદયમાં સ્‍થાન પામેલા સેવાભાવી પોલીસ અધિકારી રામશીભાઈ જગમાલભાઈ વરુનું ગત રાત્રે સારવાર દરમિયાન દુઃખદ નિધન થયું છે. ૫૬ વર્ષીય રામશીભાઈ છેલ્લા કેટલાક દિવસોથી હૃદયની બીમારી સામે લડી રહ્યા હતા. તેમના અવસાનથી પોલીસ પરિવાર અને વતન કુતિયાણામાં શોકનું મોજું ફરી વળ્‍યું છે.

રામશીભાઈ વરુ રાજકોટ સિવિલ હોસ્‍પિટલ પોલીસ ચોકી ખાતે ફરજ બજાવતા હતા. ફરજ દરમિયાન તેઓ માત્ર ખાખીના કાયદાનું પાલન નહીં, પરંતુ માનવતાનું પણ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા હતા. હોસ્‍પિટલમાં આવતા લાચાર દર્દીઓની મદદ કરવી કે રસ્‍તા પર અકસ્‍માત સમયે ૧૦૮ને કોલ કરીને સમયસર સારવાર અપાવવી તેમનો સ્‍વભાવ હતો. અકસ્‍માતના સમયે સૌથી વધુ ૧૦૮ ને ફોન કરવા બદલ તેમનું સન્‍માન પણ કરવામાં આવ્‍યું હતું.

પોલીસની કઠિન ફરજની સાથે સાથે રામશીભાઈએ સામાજિક જવાબદારી પણ નિભાવી હતી. સિવિલ હોસ્‍પિટલમાં જ્‍યારે કોઈનું અવસાન થતું ત્‍યારે તેઓ શોકમગ્ન પરિવારજનોને મળીને અંગદાન અને ચક્ષુદાનનું મહત્‍વ સમજાવતા હતા. તેમના પ્રયાસોથી અનેક પરિવારોએ અંગદાન કરીને બીજાને નવજીવન આપ્‍યું છે.મળતક રામશીભાઈ હાલ રાજકોટ પોલીસ હેડ ક્‍વાર્ટરમાં રહેતા હતા. અગાઉ તેમની બાયપાસ સર્જરી પણ થઈ હતી પરંતુ ગત ૩ એપ્રિલે તબિયત લથડતા તેમને સિવિલના આઈસીયુમાં દાખલ કરાયા હતા. જ્‍યાં ૧૦મી એપ્રિલે રાત્રે ૧૦:૨૦ કલાકે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ પોતાના બે બહેનોના એકના એક ભાઈ હતા અને સંતાનમાં તેમને બે પુત્રો છે.તેમના વતન પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના કોટડા ગામે ગાર્ડ ઓફ ઓનર સાથે તેમની અંતિમ વિધિ કરવામાં આવી હતી. આ પ્રસંગે મોટી સંખ્‍યામાં પોલીસ અધિકારીઓ અને ગ્રામજનોએ હાજર રહી અશ્રુભીની આંખે વિદાય આપી હતી. 

(2:29 PM IST)