તા. ૧૦ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૬ સોમવાર
News of Monday, 13th April 2026
લોકો ભાજપના કોર્પોરેટરોને ઓળખતા પણ નથી, વોર્ડ નં.૮ના કોંગ્રેસના ઉમેદવારોના આક્રમક તેવર
જનતાના અટકેલા કામો પૂરા કરવા કોંગી ઉમેદવારો રણજીત મુંધવા, મેહુલ મકવાણા, પુષ્પાબેન કટારીયા અને પ્રીતિબેન દેસાઇનો નિર્ધાર

રાજકોટ,તા.૧૩: રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીના જંગમાં વોર્ડ નંબર ૮ માં કોંગ્રેસે આ વખતે અત્યંત સચોટ જ્ઞાતિ સમીકરણો અને જનતાની વચ્ચે રહેતા જાણીતા ચહેરાઓને મેદાનમાં ઉતારીને ભાજપ સમક્ષ મજબૂત પડકાર ફેંક્યો છે. આજે કોંગ્રેસની આ મજબૂત પેનલે ‘અકિલા' કાર્યાલયની મુલાકાત લઈ અકિલાના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રાના આશીર્વાદ મેળવ્યા હતા.
વોર્ડ નંબર ૮ ની આ પેનલમાં કોંગ્રેસના જાણીતા અને સતત પ્રજાકીય પ્રશ્નો માટે લડતા યુવા આંદોલનકારી રણજીતભાઈ મુંધવા પર મેહુલભાઈ મકવાણા તથા પૂર્વ કોર્પોરેટર પુષ્પાબેન કટારીયા અને પ્રીતિબેન દેસાઈનો સમાવેશ થાય છે. આ તકે ઉમેદવારોએ આત્મવિશ્વાસ સાથે જણાવ્યું હતું કે, વોર્ડમાં ભાજપના પૂર્વ કોર્પોરેટરોએ પ્રજાના કામોમાં ઉદાસીનતા દાખવી છે, જેને કારણે સામાન્ય જનતા તેમને ઓળખતી પણ નથી. તેની સામે કોંગ્રેસે એવા શિક્ષિત અને લોકપ્રિય ઉમેદવારોને ટિકિટ આપી છે જેઓ ૨૪ કલાક લોકોની વચ્ચે રહીને સેવા આપે છે. આ મુલાકાત દરમિયાન કોંગ્રેસના વરિષ્ઠ આગેવાન જશવંતસિહ ભટ્ટી, ગોપાલભાઈ અનડકટ, રૂપેશભાઈ કટારીયા અને રાહુલ દેસાઈ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઉમેદવારોએ સંકલ્પ વ્યક્ત કર્યો હતો કે, વર્ષોથી વોર્ડમાં જે પ્રાયોરિટીના કામો અટક્યા છે તેને વેગ આપી, ભ્રષ્ટાચાર મુક્ત વહીવટ અને લોકોની સુખાકારી માટે તેઓ સતત કાર્યરત રહેશે. આંદોલનકારી અને શિક્ષિત ચહેરાઓના સંગમથી આ વખતે વોર્ડ નંબર ૮ માં કોંગ્રેસનું પલ્લું ભારે દેખાઈ રહ્યું હોવાનું જણાવેલ હતું.
તસ્વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે વોર્ડ નં.૮ના કોંગ્રેસના ઉમેદવારો રણજીતભાઈ મુંધવા, મેહુલભાઈ મકવાણા, પુષ્પાબેન કટારીયા, પ્રિતીબેન દેસાઈ તેમજ જશવંતસંહ ભટ્ટી, ગોપાલભાઈ અનડકટ વિ.નજરે પડે છે. (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
(3:29 PM IST)










