News of Saturday, 6th June 2026
ચોમાસા પૂર્વે મનપા સજ્જઃ પાણી ભરાવાના ૮૭ જગ્યા પર ખાસ ટીમો તૈનાત રહેશે
નાગરિકોને મુશ્કેલી ન પડે તે માટે કંટ્રોલ રૂમ ૨૪ કલાક કાર્યરતઃ અધિકારીઓ, કર્મચારીઓ ગ્રાઉન્ડ પર રહી કરશે મોનિટરિંગ

રાજકોટ,તા.૬:રાજકોટ શહેરમાં ચોમાસાની શરૂઆતને ધ્યાનમાં રાખીને મહાનગરપાલિકાએ વરસાદી પાણીના નિકાલ માટે વ્યાપક આયોજન હાથ ધર્યું છે. દર વર્ષે વરસાદ દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાતી હોય છે. આ સ્થિતિને પહોંચી વળવા મનપાએ શહેરના ૮૭ જેટલા સંવેદનશીલ સ્થળોની ઓળખ કરી છે અને ત્યાં આગોતરા વ્યવસ્થા ગોઠવી દીધી હોવાનું તંત્રની સતાવાર યાદીમાં ે જણાવ્યું છે.
મહાનગરપાલિકાના જણાવ્યા મુજબ શહેરમાં જ્યાં જ્યાં વરસાદી પાણી ભરાવાની શકયતા વધુ છે તેવા તમામ સ્થળોએ અધિકારીઓ, કર્મચારીઓ અને નિયુક્ત એજન્સીઓની ટીમોને એલર્ટ મોડમાં રાખવામાં આવી છે. ભારે વરસાદ દરમિયાન કોઈપણ વિસ્તારમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાય તો તાત્કાલિક પંપિંગ મશીનરી, જનરેટર અને અન્ય જરૂરી સાધનો દ્વારા પાણીનો ઝડપી નિકાલ કરવામાં આવશે.
મેયર ડો. નેહલ શુક્લએ જણાવ્યું હતું કે દર વર્ષે કેટલાક નિヘતિ સ્થળોએ પાણી ભરાવાની સમસ્યા સર્જાતી હોય છે. આવા તમમામ સ્થળોની યાદી તૈયાર કરીને દરેક સપોટ પર કોર્પોરેશનના બે કર્મચારીઓને ફરજ પર મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત એન્જિનિયરિંગ વિભાગના અધિકારીઓ અને પદાધિકારીઓ પણ સતત સ્થળ મુલાકાતો કરીને પરિસ્થિતિ પર નજર રાખશે.
આ સ્થળો સંવેદનશીલ
મનપા દ્વારા તૈયાર કરાયેલી યાદી મુજબ પોપટપરા નાલા, રેલનગર અન્ડરબ્રિજ, માધાપર ચોકડી, ૧૫૦ ફૂટ રિંગ રોડ, અમીન માર્ગ, નાનામવા ચોક, મવડી સર્કલ, ગોકુલધામ મેઇન રોડ, રૈયા રોડ, ગોંડલ રોડ, સોરઠીયાવાડી સર્કલ, કોઠારીયા રોડ, જામનગર રોડ, કુવાડવા રોડ સહિતના ૮૭ સ્થળોને પાણી ભરાવાના સંવેદનશીલ સ્પોટ તરીકે ઓળખવામાં આવ્યા છે.
આ તમામ વિસ્તારોમાં વરસાદ શરૂ થતાં જ ટીમો તાત્કાલિક કામગીરી શરૂ કરી શકે તે માટે જરૂરી સાધન-સામગ્રી અગાઉથી ઉપલબ્ધ કરાવવામાં આવી છે. મનપાના અધિકારીઓના જણાવ્યા મુજબ પાણી ભરાવાના સ્થળોએ સતત પેટ્રોલિંગ અને મોનિટરિંગ કરવામાં આવશે.
ચોમાસા પૂર્વે શહેરમાં ડ્રેનેજ લાઇન સફાઈ, વરસાદી પાણીની કેનાલો અને નાળાઓની સફાઈ, રોડ સાઇડ ગટરનું ડીસિલ્ટિંગ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે. મનપાનો દાવો છે કે આ કામગીરીના કારણે વરસાદી પાણીના નિકાલની ક્ષમતામાં વધારો થયો છે અને પાણી ભરાવાની સમસ્યામાં ઘટાડો થશે.
તંત્રનું માનવું છે કે ભારે વરસાદ દરમિયાન પાણી ભરાવાની સમસ્યા સંપૂર્ણપણે ટાળી શકાતી નથી, પરંતુ ઝડપી પ્રતિસાદ અને આગોતરા આયોજન દ્વારા તેની અસરને ઘણી હદ સુધી ઓછી કરી શકાય છે.
મહાનગરપાલિકાએ નાગરિકોને અપીલ કરી છે કે વરસાદ દરમિયાન કોઈપણ પ્રકારની સમસ્યા જણાય તો તાત્કાલિક જાણ કરવી જેથી ઝડપથી કાર્યવાહી કરી શકાય અને જનજીવન પર ઓછામાં ઓછી અસર થાય.
કંટ્રોલ રૂમ રહેશે સતત કાર્યરત
વરસાદી મોસમ દરમિયાન નાગરિકોને કોઈપણ પ્રકારની મુશ્કેલી કે પાણી ભરાવાની સમસ્યા જણાય તો તેઓ રાજકોટ મહાનગરપાલિકાના કંટ્રોલ રૂમનો સંપર્ક કરી શકશે. મનપાએ આ માટે ૨૪ કલાક કાર્યરત વ્યવસ્થા ગોઠવી છે.
ફરિયાદ માટે ૧૫૫૩૦૪, ૦૨૮૧-૨૨૨૮૭૪૧, ૦૨૮૧-૨૨૨૫૭૦૭ નંબર ઉપર સંપર્ક કરવા તંત્રનો અનુરોધ કરવામાં આવ્યો છે.
(3:54 PM IST)










