News of Sunday, 7th June 2026
બાબા બાગેશ્વરના દરબારનો પર્દાફાશ કરવા પ્રશ્નોની ચિઠ્ઠી લઈને નીકળેલા આલોચક પુરુષોત્તમ પીપળીયાની ઘર બહારથી જ અટકાયત : કથાના અંતિમ દિવસે અંધશ્રદ્ધા વિવાદે પકડ્યું જોર
રાજકોટ રેસકોર્સના મંચ પરથી ૧૯૯૭ ના અપહરણ કેસનો ભેદ ખોલવા પડકાર ફેંકનાર પીપળીયાને પોલીસે બોલેરોમાં બેસાડી દીધા : અંધશ્રદ્ધાના નામે ‘પ્રેત દરબાર’ ચાલતો હોવાના સનસનીખેજ આક્ષેપ વચ્ચે પોલીસ તંત્ર એલર્ટ

રાજકોટ:મહાનગરના રેસકોર્સ મેદાન ખાતે ચાલી રહેલી બાબા બાગેશ્વરની હનુમાન કથાના ત્રીજા અને અંતિમ દિવસે અંધશ્રદ્ધા મુદ્દે શરૂ થયેલો વિવાદ વધુ ઘેરો બન્યો છે. ધીરેન્દ્ર શાસ્ત્રી દ્વારા કથિત રીતે ફેલાવવામાં આવતી અંધશ્રદ્ધાનો પર્દાફાશ કરવા અને તેમને ખુલ્લો પડકાર ફેંકવા માટે કથા સ્થળ તરફ પ્રયાણ કરી રહેલા અગ્રણી આલોચક પુરુષોત્તમ પીપળીયાની પોલીસે તેમના નિવાસસ્થાનેથી જ અટકાયત કરી લીધી છે. પીપળીયા પોતાના પ્રશ્નોની ચિઠ્ઠી લઈને રાત્રે ૮ વાગ્યે બાબાના દરબારમાં રૂબરૂ પહોંચવાના હતા, પરંતુ તેઓ ઘરેથી બહાર નીકળ્યા કે તુરંત જ ત્યાં અગાઉથી તહેનાત એ ડિવિઝન પોલીસના જવાનોએ સુરક્ષાના ભાગરૂપે તેમને પકડીને બોલેરો ગાડીમાં બેસાડી દીધા હતા. આ અટકાયત પગલે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર સંપૂર્ણપણે એલર્ટ મોડ પર આવી ગયું છે.
આ દિવ્ય દરબાર નથી પણ ‘પ્રેત દરબાર’ છે - પુરુષોત્તમ પીપળીયા
અટકાયત પૂર્વે મીડિયા સાથેની ખાસ વાતચીતમાં પુરુષોત્તમ પીપળીયાએ બાબા બાગેશ્વરના કાર્યક્રમ અને તેમની પદ્ધતિઓ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે સનસનીખેજ આરોપ લગાવતા કહ્યું હતું કે, "આ કોઈ દિવ્ય દરબાર નથી, પરંતુ વાસ્તવમાં ‘પ્રેત દરબાર’ છે." કોઈપણ પ્રકારની માન્ય મેડિકલ કે તબીબી ડિગ્રી વિના લોકોની ગંભીર બીમારીઓ અને કેન્સર જેવા અસાધ્ય રોગો મટાડવાના આશીર્વાદ આપવા કે ખાતરી આપવી, તે સરેઆમ અંધશ્રદ્ધા ફેલાવવાનું કૃત્ય છે. સ્ટેજ પરથી લોકોના નામની ચિઠ્ઠીઓ અને ચબરખીઓ કાઢીને ભૂતકાળ કે ભવિષ્ય ભાખવું એ કોઈ દૈવી ચમત્કાર નથી, પરંતુ માત્ર એક જાદુગરીની સામાન્ય ટેકનિક છે.
૧૯૯૭ થી ગુમ થયેલા રાજકોટના યુવક અંગે બાબા ખુલાસો કરે તેવી ચેલેન્જ:
પોતાના પડકાર અંગે સ્પષ્ટતા કરતા પીપળીયાએ જણાવ્યું હતું કે, જો બાબા ખરેખર બધું જ જાણતા હોય અને અંતર્યામી હોય, તો મારો તેમને એક જ સવાલ રહેશે કે વર્ષ ૧૯૯૭ માં રાજકોટમાંથી ગુમ થયેલો ૨૬ વર્ષીય યુવક મોહિલ મોરધરા અત્યારે ક્યાં છે? તેનું અપહરણ કરનારા ગુનેગારો કોણ છે? તે બાબા પોતાની દૈવી શક્તિથી જાહેર કરે. આ પ્રશ્ન પાછળ તેમનો કોઈ અંગત સ્વાર્થ નથી, પરંતુ આ મુદ્દા સાથે રાજકોટની જનતાની શ્રદ્ધા, પ્રેમ અને વર્ષોનું દુઃખ જોડાયેલું છે. જો બાબાએ પોતે જ દરબારમાં આવવાનો પડકાર ફેંક્યો હોય, તો કાયદો અને વ્યવસ્થા જાળવીને પ્રશ્ન પૂછવા જતા રોકવા તે તંત્રની બેવડી નીતિ દર્શાવે છે. આ અટકાયત પાછળ આયોજકો અથવા રાજકીય નેતાઓનું દબાણ હોઈ શકે છે.
તંત્ર દ્વારા પ્રોટેક્શનની અરજી રદ કરાતાં બંધારણીય અધિકારોના હનનનો આક્ષેપ:
પીપળીયાએ રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, બંધારણીય રીતે મને અધિકાર મળ્યો છે કે કોઈપણ અંધશ્રદ્ધા ફેલાવતું હોય તો તેનો પર્દાફાશ થવો જોઈએ. તેને બદલે મને ત્યાં જવાની મનાઈ ફરમાવવામાં આવે છે. બાબા બાગેશ્વરને અંધશ્રધ્ધા ફેલાવવા માટે પોલીસ પ્રોટેક્શન આપવામાં આવતું હોય ત્યારે એક આલોચક તરીકે તેનો પર્દાફાશ કરવા માટે મને પણ પોલીસ પ્રોટેકશન મળવું જોઈતું હતું. મેં આ માટે વિધિવત અરજી કરી હતી પરંતુ તંત્ર દ્વારા તે રદ કરવામાં આવી છે, જે મારા મૂળભૂત અધિકારોની વિરૂદ્ધ છે. હું ત્યાં કોઈ તોફાન કરવા જતો નહોતો, માત્ર પ્રશ્નોની રજૂઆત કરવા જતો હતો જેથી દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ શકે.
આર્ષ વિદ્યામંદિરના સ્વામીના નિવેદન અને જનતાના સમર્થન પર પ્રતિક્રિયા:
આર્ષ વિદ્યામંદિરના સ્વામી પરમાત્માનંદ સરસ્વતીના ‘બાબા અંધશ્રદ્ધા નથી ફેલાવતા’ એવા નિવેદન અંગે પીપળીયાએ જણાવ્યું કે, તે તેમનો અંગત મત હોઈ શકે છે અને લોકશાહીમાં સૌને અભિવ્યક્તિનો અધિકાર છે, પરંતુ આખરી નિર્ણય જનતાએ કરવાનો છે. લોકો હનુમાન ચાલીસા અને કથા સાંભળવા આવે છે જેને હું પણ આવકારું છું, પરંતુ ચમત્કારોના નામે અંધશ્રદ્ધા ફેલાવવી યોગ્ય નથી. તેમણે સરકારને અપીલ કરી હતી કે, દેશના બંધારણ અને વર્ષ ૨૦૨૪ ના જાદુગરી વિરોધી કાયદા અંતર્ગત બાબા બાગેશ્વરને કાયદાના દાયરામાં લાવીને અંધશ્રદ્ધા ફેલાવતા રોકવા જોઈએ.
હનુમાનજીનો પ્રચાર કરવો એ કોઈ અંધવિશ્વાસ નથી - બાબા બાગેશ્વર:
બીજી તરફ, આ પ્રકારના વિરોધ અને આક્ષેપો સામે બાબા બાગેશ્વર તરફથી પણ પ્રતિક્રિયા આપવામાં આવી છે. તેમણે પોતાના બચાવમાં મંચ પરથી જણાવ્યું હતું કે, અમુક લોકો કહે છે બાબાનો દરબાર ન યોજવામાં આવે અને ત્યાં કોઈ ન જાય. અરે ભાઈ, જો અમારે અંધશ્રદ્ધા જ ફેલાવવી હોત તો અમે રાજકોટ થોડા આવત ભાઈ! અહીં કોઈ અંધશ્રદ્ધા કે અંધવિશ્વાસ ફેલાવવામાં નથી આવી રહ્યો, પરંતુ લોકોમાં હનુમાનજી પ્રત્યેનો અખૂટ વિશ્વાસ ફેલાવવામાં આવી રહ્યો છે અને હનુમાનજીનો પ્રચાર કરવો એ કોઈ ગુનો કે અંધવિશ્વાસ નથી.
(8:55 PM IST)










