<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th June 2026

રામાપીર ચોકડીથી બસ સ્‍ટેશન સુધી રિક્ષામાં બેઠેલા રાણપુરના મહિલાના ૧.૬૯ લાખના દાગીના ચોરાઇ ગયા

જબુબેન બોળીયા શાષાીનગરમાં ભાઇના ઘરે આવ્‍યા હતાં: ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ

રાજકોટ તા. ૯: શહેરમાં રીક્ષા મુસાફરી દરમિયાન કિંમતી દાગીના અને રોકડ ભરેલા પર્સની ચોરી થવાની વધુ એક ઘટના સામે આવી છે. રામાપીર ચોકડીથી એસ.ટી. બસ સ્‍ટેન્‍ડ સુધી રિક્ષામાં મુસાફરી કરી રહેલા એક મહિલાના થેલામાંથી સોનાનું મંગળસુત્ર, વીંટી અને રોકડ રકમ સહિત કુલ રૂા. ૧,૬૯,૦૦૦ ની મતા ભરેલું પાકીટ ચોરાઇ ગયું છે.

આ બનાવમાં ગાંધીગ્રામ પોલીસે બોટાદના રાણપુર તાબેના અલઉ ગામે ભરવાડવાસમાં રહેતાં જબુબેન ગગજીભાઇ બોળીયા (ઉ.વ.૪૦)ની ફયિરાદ પરથી અજાણયા સામે ગુનો નોંધ્‍યો છે. જબુબેન તા.૪/૬ના ના રોજ રાજકોટમાં રામાપીર ચોકડી પાસે શાષાીનગર શેરી નં. ૯માં રહેતા તેમના ભાઈ દેહુરભાઈ ગોબરભાઈ સાટીયાના ઘરે એક પ્રસંગમાં આવ્‍યા હતા. ત્‍યારબાદ તા.૫ના  રોજ સવારે સાડા નવ વાગ્‍યાની આસપાસ તેઓ પોતાના ઘરે બોટાદ જવા માટે નીકળ્‍યા હતા. તેઓ રામાપીર ચોકડી ખાતેથી એક રિક્ષામાં બેસીને એસ.ટી. બસ સ્‍ટેન્‍ડ જવા રવાના થયા હતા.

મુસાફરી દરમિયાન જબુબેને રિક્ષાનું ભાડું આપવા માટે પોતાના થેલામાંથી પાકીટ કાઢયું હતું અને ભાડાના રૂા. ૩૦ ચૂકવ્‍યા બાદ તેમણે પાકીટ પરત પોતાના થેલામાં મુકી દીધું હતું. આ પાકીટમાં આશરે ૫ તોલા સોનાનું મંગળસુત્ર કિંમત રૂપિયા ૧,૫૦,૦૦૦નું, ૪ ગ્રામની સોનાની વીંટી કિમત રૂા. ૧૨ હજારની અને ૭,૦૦૦ની રોકડ રકમ રાખેલી હતી.

જ્‍યારે મહિલા એસ.ટી. બસ સ્‍ટેન્‍ડ ખાતે પહોંચ્‍યા અને ત્‍યાં એક દુકાનેથી નાસ્‍તો લઈને થેલામાં મુકવા ગયા ત્‍યારે તેમનું પાકીટ ગાયબ હોવાની ખબર પડી હતી. તેમણે આસપાસ અને રિક્ષાના રૂટ પર તપાસ કરી હતી, પરંતુ પાકીટનો કોઈ પત્તો લાગ્‍યો ન હતો. રિક્ષામાં સાથે બેઠેલા કોઇએ આ પાકીટ ચોરી લીધાની શંકા ઉપજી હતી. આ અંગે તેમણે તાત્‍કાલિક પોતાના ભાઈને જાણ કરી હતી અને ત્‍યારબાદ બોટાદ ખાતે પોતાના ઘરે પરત જઈ પતિ ગગજીભાઈ સાથે ચર્ચા કરી હતી. અને હવે ગાંધીગ્રામ પોલીસને જાણ કરી હતી. પીઆઇ એચ. પી. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ ટી. ડી. જાડેજાએ ગુનો નોંધતા એએસઆઇ ચેતનસિંહ રઘુવીરસિંહ ગોહિલે તપાસ હાથ ધરી છે. 

(2:11 PM IST)