News of Wednesday, 10th June 2026
જામનગરના કંડકટર વિરેન્દ્રભાઇ જાનીની જિંદગીની સફરનો એસટી બસમાં અંત આવ્યો
જિંદગી કા સફર હૈ યે કૈસા સફર કોઇ સમજા નહિ કોઇ જાના નહિ : સુરતથી રાજકોટ આવતી વખતે કુવાડવા રામપર બેટી પાસે બસમાં હૃદય રોગનો હુમલો આવ્યોઃ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા પણ જીવ ન બચ્યોઃ ત્રણ સંતાને પિતાની છત્રછાંયા ગુમાવી

રાજકોટ તા. ૧૦: માનવીની જિંદગીની સફરનો અંત ક્યારે અને કેવી રીતે આવી જાય તેની કાળા માથાના માનવીને ખબર હોતી નથી. એસટી બસના કંડકટર સાથે આવુ જ બની ગયું છે. જામનગર રહેતાં પંચાવન વર્ષના જામનગર ડેપોના કંડકટર સુરત-રાજકોટ રૂટની બસમાં રાજકોટ તરફ આવી રહ્યા હતાં ત્યારે કુવાડવા નજીક રામપર બેટી પાસે બસ પહોંચી ત્યારે છાતીમાં દુઃખાવો ચાલુ થઇ જતાં સારવાર માટે રાજકોટ ખસેડાયા હતાં. પરંતુ અહિ શ્વાસ થંભી ગયાનું જાહેર થતાં અરેરાટી વ્યાપી ગઇ હતી.
જાણવા મળ્યા મુજબ જામનગરના વલ્લભ પાર્કમાં રહેતાં વિરેન્દ્રભાઇ હિમતલાલ જાની (ઉ.વ.૫૫) જામનગર એસટી ડેપોમાં કંડકટર તરીકે ફરજ બજાવતાં હતાં. ગઇકાલે સાંજે તેઓ સુરત-રાજકોટ રૂટની એસટી બસમાં રાજકોટ તરફ આવી રહ્યા હતાં ત્યારે બસ કુવાડવાના રામપર બેટી નજીક પહોંચી તે વખતે વિરેન્દ્રભાઇએ છાતીમાં ગભરામણ થઇ રહ્યાની ફરિયાદ કરી હતી. તેમની તબિયત બગડતાં તુરત જ ડ્રાઇવરે નજીકના કુવાડવા આરોગ્ય કેન્દ્ર ખાતે બસ પહોંચાડી દીધી હતી. પણ ત્યાંથી વધુ સારવાર માટે વિરેન્દ્રભાઇને રાજકોટ લઇ જવાનું કહેવાતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પણ અહિ તેમનું મૃત્યુ થયાનું તબિબે જાહેર કર્યુ હતું.
બનાવની જાણ હોસ્પિટલ ચોકીના હેડકોન્સ. કેતનભાઇ પરમારે એરપોર્ટ પોલીસને કરતાં એએસઆઇ પરેશભાઇ એમ. સાંગાણીએ જરૂરી કાર્યવાહી કરી મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. મૃત્યુ પામનાર વિરેન્દ્રભાઇ પાંચ ભાઇ અને ત્રણ બહેનમાં નાના હતાં. તેમને સંતાનમાં એક દિકરો અને બે દિકરી છે. આ ત્રણ સંતાને પિતાની છત્રછાંયા ગુમાવતાં જાની પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ હતી. વિરેન્દ્રભાઇ ૧૯૯૮થી એસટી કંડકટર તરીકે ફરજ બજાવતાં હતાં.
(10:43 AM IST)










