<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th June 2026

બાંધકામ સાઇટ પરથી ૧ લાખના ઇલેક્‍ટ્રીક કેબલ ચોરનાર દેવરાજ અને સગીર ઝડપાયા

તાલુકા પોલીસ સ્‍ટેશનના પીઆઇ એસ. આર. મેઘાણી, પીએસઆઇ બી. આર. ભરવાડની ટીમની કામગીરીઃ મુકેશભાઇ ડાંગર, બળભદ્રસિંહ જાડેજા, જયપાલસિંહ સરવૈયા, ઉગાભાઇ બાળાની બાતમી

રાજકોટ તા. ૧૨: શહેરમાં મકાન બાંધકામ સાઇટ પરથી ઇલેક્‍ટ્રિક વાયરોની ચોરી કરતી ટોળકીનો રાજકોટ તાલુકા પોલીસ સ્‍ટેશનની સર્વેલન્‍સ સ્‍કવોડે પર્દાફાશ કરી ચોરીના બળેલા વાયરો અને મોટરસાયકલ સહિત કુલ રૂ. ૬૫,૫૦૦ના મુદ્દામાલ સાથે સગીર સહિત બેને પકડયા છે. તાજેતરમાં તાલુકા પોલીસમાં ગુનો નોંધાયો હતો. જેમાં ફરિયાદીના મકાનનું બાંધકામ ચાલુ હતું અને ઇલેક્‍ટ્રિક વાયરો લગાવેલા હતા પરંતુ બોર્ડ લગાવવાના બાકી હોવાથી વાયરના છેડા બહાર લટકતા હતા ત્‍યારે તસ્‍કરે આવી મકાનમાં ઘુસી રૂા. ૧ લાખના વાયરો ખેંચીને ચોરી લીધા હતાં.

આ ગુનો ઉકેલવા ટીમ પેટ્રોલીંગમાં હતી ત્‍યારે ડી. સ્‍ટાફના મુકેશભાઇ ડાંગર, બળભદ્રસિંહ જાડેજા, જયપાલસિંહ સરવૈયા, ઉગાભાઇ બાળાને મળેલી બાતમી પરથી કાલાવડ રોડ પર અંધ વળદ્ધાશ્રમની સામે રોડ પર સ્‍પ્‍લેન્‍ડર બાઈક અને બાચકા સાથે બે શખ્‍સને પકડી પુછતાછ કરતાં બંનેએ ચોરીનો ગુનો કબુલ્‍યો હતો. એક શખ્‍સે પોતાનું નામ દેવરાજ વજાભાઇ ધોળકીયા (ઉ.વ.૨૪, રહે. ઇન્‍દીરાનગર રૈયાધાર, ખોડીયાર જનરલ સ્‍ટોરની પાછળ, રામાપીર મંદિરની બાજુમાં) જણાવ્‍યું હતું. બીજો સગીર વયનો હતો. પોલીસે ૪૫ કિલોગ્રામ બળેલા વાયરો કિંમત રૂ. ૪૦,૫૦૦, એક હીરો સ્‍પ્‍લેન્‍ડર મોટરસાયકલ જીજે૦૩આરઆર૨૯૬૮, કિંમત રૂ. ૨૫,૦૦૦ મળી કુલ રૂા. ૬૫,૫૦૦નો મુદ્દામાલ કબ્‍જે કર્યો છે. આરોપી દેવરાજ ધોળકીયા અગાઉ  યુનિવર્સિટી પોલીસ સ્‍ટેશનમા મારામારીમાં સંડોવાયો હતો. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્‍ય માંડલીક, ડીસીપી રાકેશ દસાઇ, એસીપી બી. જે. ચોૈધરીની સુચના અંતર્ગત પીઆઇ એસ. આર. મેઘાણી, પીએસઆઇ બી. આર. ભરવાડ, તથા ટીમના કૌશેન્‍દ્રસિંહ ઝાલા, અજયભાઇ ભુંડીયા, અક્ષયભાઇ નાથાણી, કોન્‍સ. મુકેશભાઇ ડાંગર, બલભદ્રસિંહ જાડેજા,  જયપાલસિંહ સરવૈયા, મયુરસિંહ  જાડેજા, ઉગાભાઇ બાળા,કુલદિપસિંહ જાડેજા, ભીખુભાઇ મૈયડ, નિકુંજભાઇ મારવીયા, હોમગાર્ડ પરેશભાઇ આહુંદરાએ આ કામગીરી કરી હતી.

(3:37 PM IST)