<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th June 2026

વિજયભાઈનું સંવેદનશીલ ઉમદા વ્‍યક્‍તિત્‍વ અને કર્તવ્‍યનિષ્‍ઠ પ્રદાન જનચેતનામાં સદૈવ જીવંત રહેશે

વિજયભાઈ રૂપાણીને પ્રથમ પુણ્‍યતિથિએ કોટિકોટિ વંદન, ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવતા રાજુભાઇ ધ્રુવ

રાજકોટઃ કેટલીક વિદાય એવી વસમી હોય છે કે સમયના વહેણ સાથે પણ તેનું  દુઃખ ઓસરતું નથી. આજે બરાબર એક વર્ષ પૂર્ણ થયું છે, પરંતુ સ્‍વર્ગસ્‍થ વિજયભાઈ રૂપાણીની વિદાયનો ઘા હજુ પણ ગુજરાતની જનતા, ભાજપના કાર્યકર્તાઓ અને ખાસ કરીને રાજકોટવાસીઓના હૃદયમાં તાજો છે. સદાય હસતા ચહેરા સાથેની આત્‍મીયતા, તેમની સરળતા,સાદગી અને  સૌને સાથે રાખીને ચાલવાની નિરાભિમાની કાર્યશૈલી અને નિઃસ્‍વાર્થ જનસેવાની ભાવના આજે પણ દરેકને તેમની હાજરીનો અહેસાસ કરાવે છે. પદ અને પ્રતિષ્ઠાથી પર રહીને સામાન્‍ય માણસના સુખ-દુઃખમાં ભાગીદાર બનનાર એવા લોકલાડીલા નેતા સ્‍વ. વિજયભાઇ રૂપાણીની સ્‍મળતિ આજે પ્રથમ પુણ્‍યતિથિએ દરેક આંખને ભીની અને દરેક હૃદયને ભાવવિભોર કરી રહી છે. તેમની યાદો માત્ર સંસ્‍મરણ નથી, પરંતુ સમાજસેવા અને રાષ્‍ટ્રસેવાના માર્ગે ચાલવાની અવિરત પ્રેરણા છે. ગુજરાત ભાજપ ના  પૂર્વ પ્રદેશ પ્રમુખ ,પૂર્વ મુખ્‍યમંત્રી, ભારતીય જનતા પાર્ટીના સંનિષ્ઠ મોભી, રાષ્‍ટ્ર સેવાને સમર્પિત લોકસેવક અને વિચારધારા ને વરેલ જમીન સાથે જોડાયેલ આજીવન કાર્યકર્તા તેમજ રાજકોટની જનતાના હૃદયમાં અવિસ્‍મરણીય સ્‍થાન મેળવનાર લોકપ્રિય નેતા સ્‍વર્ગીય વિજયભાઈ રૂપાણીની પ્રથમ પુણ્‍યતિથિ નિમિત્તે પ્રદેશ ભાજપ કારોબારી સભ્‍ય રાજુભાઈ ધ્રુવે તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરતાં જણાવ્‍યું હતું કે, બરાબર એક વર્ષ અગાઉ થયેલી દુઃખદ વિમાન દુર્ઘટનામાં સ્‍વ. વિજયભાઈ રૂપાણી સહિત અનેક લોકોએ પોતાના અમૂલ્‍ય પ્રાણ ગુમાવ્‍યા હતા. આ ઘટના માત્ર ગુજરાત માટે જ નહીં, પરંતુ સમગ્ર દેશ માટે અત્‍યંત કરુણ અને આઘાતજનક હતી. શ્રી ધ્રુવે જણાવ્‍યું છે કે આજે તેમની પ્રથમ પુણ્‍યતિથિએ સમગ્ર ગુજરાત અને ખાસ કરીને રાજકોટની જનતા ભારે મન થી  દુઃખી હૃદયે તેમને યાદ કરી રહી છે. ઈશ્વર તમામ દિવંગત આત્‍માઓને ચિરશાંતિ અને સદગતિ અર્પે તેવી પ્રાર્થના સાથે તેમને નમન કરૂ છું.

 રાજુભાઈ ધ્રુવે વધુમાં જણાવ્‍યું હતું કે, સ્‍વ. વિજયભાઈ રૂપાણી માત્ર એક રાજકારણી નહોતા, પરંતુ તેઓ સાદગી, સંવેદનશીલતા, સૌજન્‍ય, સંગઠન નિષ્ઠા, અનુભવી અને કુશળ લોકનેતા અને જનસેવાનાં જીવંત અને આદર્શ  પ્રતિક હતા. ભાજપ સંગઠન ના સામાન્‍ય કાર્યકર્તાપ્રરાજકોટ મહાનગરપાલિકા ના લોકસેવક કોર્પોરેટર થી લઈને ગુજરાતના મુખ્‍યમંત્રીપ્રપ્રદેશ પ્રમુખ  સુધીની તેમની યાત્રા વિચારધારા ને વરેલ લાખો  કાર્યકર્તાઓ માટે પ્રેરણાષાોત બની રહી છે. તેમણે હંમેશા પક્ષના કાર્યકર્તાઓને પરિવારના સભ્‍ય સમાન માન અને સ્‍થાન  આપ્‍યું અને દેશભક્‍તિ જનસેવાને રાજકારણનું સર્વોચ્‍ચ ધ્‍યેય બનાવ્‍યું.

સ્‍વ. વિજયભાઈ રૂપાણીએ પોતાના જાહેર જીવનની શરૂઆત અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તા તરીકે કરી હતી. વિદ્યાર્થી પરિષદના પ્રચારક તરીકે તેમણે અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં સંગઠન મજબૂત બનાવવા મહત્‍વપૂર્ણ યોગદાન આપ્‍યું હતું. ત્‍યારબાદ રાજકોટ ભાજપના કાર્યકર્તા તરીકે સક્રિય બની ૧૯૮૭ માં પ્રથમ વખત કોર્પોરેટર તરીકે ચૂંટાયા અને સ્‍ટેન્‍ડિંગ કમિટીના ચેરમેન તથા રાજકોટના મેયર તરીકે  ખૂબ યશસ્‍વી અને સફળ કામગીરી કરી હતી.

પક્ષના એક શિસ્‍તબદ્ધ અને સમર્પિત સૈનિક તરીકે તેમણે પ્રદેશ ભાજપના મહામંત્રી, પ્રદેશ અધ્‍યક્ષ, રાજ્‍યસભાના સાંસદ, ધારાસભ્‍ય, કેબિનેટ મંત્રી અને ગુજરાતના મુખ્‍યમંત્રી સુધીની તમામ જવાબદારીઓ નિષ્ઠાપૂર્વક યશસ્‍વી રીતે નિભાવી હતી. લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીજી તથા કેન્‍દ્રીય ગળહમંત્રી શ્રી અમિતભાઇ શાહ ના નજીકના સહયોગી તરીકે તેમની સંગઠન ક્ષમતા અને કાર્યકુશળતાને ભાજપના પ્રદેશ અને રાષ્‍ટ્રીય નેતળત્‍વે હંમેશા બિરદાવી હતી.

વિજયભાઈએ કયારેય પદની અપેક્ષા રાખી નહીં, પરંતુ પક્ષે સોંપેલી દરેક જવાબદારીને જનસેવાનું સાધન માનીને નિષ્ઠાપૂર્વક નિભાવી હતી. મુખ્‍યમંત્રી તરીકે પણ તેઓ સામાન્‍ય કાર્યકર્તાની સાદગી અને સહજતા સાથે સતત અવિરત  લોકો વચ્‍ચે રહ્યા હતા. જીવનના અંતિમ સમય સુધી પંજાબ ભાજપના પ્રભારી તરીકે પક્ષને મજબૂત બનાવવા માટે કાર્યરત રહી તેમણે એક આદર્શ, નિષ્ઠાવાન અને સંગઠનપ્રેમી કાર્યકર્તા તરીકે અનોખું ઉદાહરણ સ્‍થાપિત કર્યું હતું.

(3:23 PM IST)