તા. ૪ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૮ શુક્રવાર
News of Saturday, 13th June 2026
હવે ઘરે બેઠા જ મળશે ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ
રાજકોટ હેડ પોસ્ટ ઓફિસ દ્વારા પેન્શનરો માટે ‘સરકાર-પેન્શનરને દ્વાર' અભિગમઃ : બેંકના ધક્કામાંથી મુક્તિ : ૩૧ ઓક્ટોબર સુધી પોસ્ટમેન અને ગ્રામીણ ડાક સેવકો ઘરે આવીને કરી આપશે કામગીરી, માત્ર આધાર કાર્ડ અને પીપીઓ નંબર જરૂરી રહેશે

રાજકોટ : ગુજરાત સરકારના નાણા વિભાગ તથા પોસ્ટ વિભાગના આઇપીપીબી (ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક) વિભાગ વચ્ચે થયેલા મહત્વપૂર્ણ કરાર અન્વયે રાજ્ય સરકારના પેન્શનધારકો માટે એક રાહતજનક નિર્ણય લેવામાં આવ્યો છે. પેન્શનરોને વહીવટી પ્રક્રિયામાં સરળતા રહે તે માટે‘સરકાર-પેન્શનરને દ્વાર' અભિગમ હેઠળ હવે ઘરે બેઠા જ જીવન પ્રમાણપત્ર (ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ - ડીએલસી) સબમિટ કરવાની સુવિધા શરૂ કરવામાં આવી છે. આ નૂતન સુવિધાને કારણે વળદ્ધ અને અશક્ત પેન્શનરોએ હવે લાઈફ સર્ટિફિકેટ જમા કરાવવા માટે બેંક સુધી જવાની કે લાંબી લાઈનોમાં ઊભા રહેવાની કોઈ જરૂર રહેશે નહીં.
આ યોજના હેઠળ આગામી તા. ૩૧/૧૦/૨૦૨૬ સુધી પોસ્ટ ખાતાના પોસ્ટમેન તેમજ ગ્રામીણ વિસ્તારોમાં ફરજ બજાવતા ગ્રામીણ ડાક સેવકો દ્વારા પેન્શનરોના ઘરે જઈને આ સુવિધા પૂરી પાડવામાં આવશે. આ ઉપરાંત, ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ જનરેશન માટેનો એક વિશેષ દૈનિક કેમ્પ રાજકોટ હેડ પોસ્ટ ઓફિસ ખાતે પણ શરૂ કરવામાં આવ્યો છે, જેથી પેન્શનરો ખૂબ જ સરળતાથી આ સેવાનો લાભ મેળવી શકે.
ઘરે બેઠા ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ મેળવવા માટે પેન્શનરોએ - (૧) આધાર કાડ, (૨) આધાર લિંક્ડ મોબાઈલ નંબર, (૩) પી.પી.ઓ. નંબર તૈયાર રાખવાના રહેશે.
રાજકોટ હેડ પોસ્ટ ઓફિસના સિનિયર પોસ્ટ માસ્ટરના જણાવ્યા અનુસાર, આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પ્રમાણપત્ર ઇસ્યુ થવાની સાથે જ તેને ઓનલાઈન પણ ડાઉનલોડ કરી શકાશે. સરકારના આ સકારાત્મક પગલાથી ખાસ કરીને મોટી ઉંમરના વળદ્ધો અને શારીરિક રીતે અશક્ત પેન્શનરોને ખૂબ જ મોટો ફાયદો થશે. રાજકોટ હેડ પોસ્ટ ઓફિસ દ્વારા તમામ રાજ્ય સરકારના પેન્શનરોને અપીલ કરવામાં આવી છે કે તેઓ આ યોજનાનો મહત્તમ લાભ ઉઠાવે. આ અંગે વધુ માહિતી કે મૂંઝવણ માટે રાજકોટ હેડ પોસ્ટ ઓફિસનો રૂબરૂ સંપર્ક સાધવા પણ જણાવવામાં આવ્યું છે
(10:46 AM IST)










