News of Saturday, 13th June 2026
સાંસદ ચુડાસમાએ શાપુર-સરાડીયા-વાયા કુતીયાણા-વાંસજાળીયા/લાઈનના કામમાં ગતિ લાવવાની રજુઆતમાં જી.એમ.નું હકારાત્મક વલણ
રાજકોટ સર્કીટ હાઉસ ખાતે સૌરાષ્ટ્ર ઝોનના સાંસદોની રેલ્વે જી.એમ. સાથે બેઠક મળી

જુનાગઢ, તા.૧૨: રાજકોટ સર્કીટ હાઉસ ખાતે સૌરાષ્ટ્ર ઝોનનાં સાંસદો સાથે પશ્વિમ રેલ્વેનાં જી.એમ. ધ્વારા રેલ્વેનાં વિવિધ પ્રશ્નો અંગે બેઠક મળી હતી.
આ બેઠકમાં પોરબંદરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી ડો.મનસુખભાઈ માંડવીયા વતી જુનાગઢનાં સાંસદ રાજેશભાઈ ચુડાસમાએ સોમનાથ-જુનાગઢ-પોરબંદર સહિતનાં વિસ્તારની દેશાવર સાથે શાપુર-સરાડીયા લાઈનને પુનઃસ્થાપિત કરી હાલ ગોકળ ગતિએ ચાલતો કામ અંગે પશ્વિમ રેલ્વેનાં જી.એમ.ને પ્રશ્ન પુછતાં પુછેલ કે તમે આ થોડું થોડું કામ કરી અને હાલ એક માસ જેટલા સમયથી કામ બંધ કરી દીધેલ છે. તો તમારો આ અંગે શું પ્લાનીંગ છે? તેના ઉતરમાં જી.એમ. નાં જણાવ્યા મુજબ ગત તા.૩૧/૦૩/૨૦૨૬ થી શાપુર-વંથલી-મેઘપુર-ગળવાવ સુધીનું સોઈલ ટેસ્ટીંગની કામગીરી શરૂ કરવામાં આવેલ. જેના માટીનાં, પથ્થરો સહિતના નમુના સુરત લેબમાં મોકલવામાં આવ્યા છે. ૧૦ મીટરની ઉંડાઈએ નાળા-પુલીયા-બ્રીજ-ઓવર બ્રીજ રેલ્વે ટ્રેક ઉપર બોરીંગ મશીન ધ્વારા સોઈલ ટેસ્ટ બોરીંગથી કરવામાં આવી રહયું છે. જે કામ આગામી સમયમાં પણ ચાલુ રહેશે અને નિર્ધારીત સમયે પુર્ણ કરવામાં આવશે તે રેલ્વેનાં પ્લાનીંગમાં જ છે તેમ જણાવ્યું હતું.
આ અંગે વોઈસ ઓફ સોરઠનાં કન્વીયર રાકેશ લખલાણીની સાથે જુનાગઢનાં સાંસદ રાજેશ ચુડાસમાએ જણાવ્યું હતું કે, રેલ્વે સતાવાળાઓ અને પશ્વિમ રેલ્વેનાં જી.એમ. એ હકારાત્મક વલણ અપનાવી આ કામ સમયમર્યાદામાં પુર્ણ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.
(3:29 PM IST)










