News of Saturday, 13th June 2026
રોટરી ક્લબ ઓફ રાજકોટ રોયલ્સનો કાલે ચાર્ટર સમારોહ
નવી ટીમની સ્થાપનાઃ ગ્રીન રાજકોટ અભિયાન વેગવંતુ બનાવશેઃ સેવાપ્રવૃતિ ચાલુ રહેશે

રાજકોટઃ રોટરી ક્લબ ઓફ રાજકોટ પ્રાઈમના માર્ગદર્શન હેઠળ નવા રચાયેલા ‘રોટરી ક્લબ ઓફ રાજકોટ રોયલ્સ'ના ચાર્ટર સમારોહનું આયોજન આવતીકાલ રવિવાર, તા.૧૪ના સાંજે ૭:૩૦ કલાકે કરવામાં આવ્યું છે. જેમાં પ્રતિષ્ઠિત નાગરિકો, તબીબો, વકીલો, ઉદ્યોગપતિઓ રોટરી પરિવારમાં જોડાવા જઈ રહ્યા હોવાનું યાદીમાં જણાવાયું છે.
આ પ્રસંગે રોટરી ક્લબ ઓફ રાજકોટ રોયલ્સની નવી ટીમનું સત્તાવાર ચાર્ટરિંગ કરવામાં આવશે, જેમાં ક્લબના સ્થાપક પ્રમુખ તરીકે અશ્વિન ચોટલિયા (મો.૭૭૭૮૮ ૬૮૭૮૮) તેમજ સેક્રેટરી તરીકે રોટેરિયન રાજદીપ દાસાણી (મો.૯૬૦૧૭ ૧૫૬૪૬) અને મેમ્બરશીપ તરીકે ધર્મેશ કલ્યાણીને પદભર સોંપી સ્થાપિત કરવામાં આવશે. સમારોહના મુખ્ય અતિથિ અને ઈન્સ્ટોલિંગ ઓફિસર તરીકે રોટરી ડિસ્ટ્રિક્ટ ૩૦૬૦ના પૂર્વ જિલ્લા ગર્વનર રોટેરિયન પી.ડી.જી. દીપક અગ્રવાલ ખાસ ઉપસ્થિત રહીને વિધિવત રીતે નવી ટીમની સ્થાપના વિધિ સંપન્ન કરાવશે.
નવનિર્મિત ક્લબ દ્વારા આગામી વર્ષ દરમિયાન હાથ ધરાનારા સેવાકીય કાર્યોનો એજન્ડા પણ નક્કી કરવામાં આવ્યો છે, જે અંતર્ગત સમાજના છેવાડાના પછાત ગામોને દત્તક લઈ ત્યાં સંપૂર્ણ સાક્ષરતા અભિયાન ચલાવવામાં આવશે. આ સાથે જ નવી પેઢીના બાળકોને વ્યસનમુક્તિ અને ખરાબ આદતોથી મુક્ત કરી એક સુસંસ્કારી સમાજની રચના થાય તેવા સઘન પ્રયાસો હાથ ધરાશે, તેમજ યુવાધનને દરેક તહેવારોનું ધાર્મિક-સાંસ્કૃતિક મહત્વ સમજાય તે માટે વિશેષ માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે. મહિલા આરોગ્યને પ્રાધાન્ય આપીને પછાત વિસ્તારની કિશોરીઓ તથા બાળાઓને સેનેટરી પેડનું વિનામૂલ્યે વિતરણ અને સ્વાસ્થ્ય વિષયક જાગૃતિ લાવવામાં આવશે.
વર્તમાન સમયની સૌથી વિકટ સમસ્યા ગ્લોબલ વોર્મિગ સામે લડવા માટે ક્લબ દ્વારા વ્યાપક પ્રમાણમાં વૃક્ષારોપણ કરીને 'ગ્રીન રાજકોટ' અભિયાન વેગવંતું બનાવાશે, જેની સાથે પાણીના બચાવ અને શુદ્ધિકરણને લગતા પ્રોજેક્ટ્સ પણ ચલાવવામાં આવશે. આ ઉપરાંત, ઋતુગત સેવાઓ અંતર્ગત શિયાળામાં જરૂરિયાતમંદોને ધાબળા-સ્વેટર, ઉનાળામાં સ્લીપર તેમજ છાશ વિતરણ અને ગરીબ વિદ્યાર્થીઓને શૈક્ષણિક પ્રોત્સાહન પૂરું પાડવા માટે સ્કૂલબેગ, વોટરબેગ તેમજ ચોપડાઓનું વિતરણ કરવામાં આવશે.
‘રોટરી ક્લબ ઓફ રાજકોટ પ્રાઇમના પ્રમુખ નિહાર ચંદારાણા, માનદ સચિવ પી.એચ.એફ઼ મેહુલ પરમાર તથા જી.એસ.આર.વિશાલ સરવૈયાએ તમામ રોટરી પરિવારના સભ્યો તેમજ આમંત્રિત મહેમાનોને આમંત્રણ અપાયું છે.
તસ્વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે રોટરી ક્લબ ઓફ રાજકોટ રોયલ્સના જયભારત ધામેચા (મો.૯૦૩૩૭ ૧૧૧૧૮), રક્ષીત સીનરોજા (મો.૯૮૨૫૧ ૯૬૦૭૮), રાજદીપ દસાણી (મો.૯૬૦૧૭ ૧૫૬૪૬), અને અશ્વિન ચોટલીયા (મો.૭૭૭૮૮ ૬૮૭૮૮) નજરે પડે છે. (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
(2:40 PM IST)










