News of Saturday, 13th June 2026
વીઆઇપી બેગ્સના શો રૂમના સ્ટોર મેનેજર સામે ૫.૨૧ લાખની ઉચાપતની ફરિયાદ
૧૫૦ ફુટ રીંગ રોડના શો રૂમમાં બનાવઃ અમદાવાદના મેનેજર જીજ્ઞેશભાઇ પટેલે ગંજીવાડામાં રહેતાં પારસ પરમાર વિરૂધ્ધ માલવીયાનગરમાં ગુનો દાખલ કરાવ્યો

રાજકોટ તા. ૧૩: શહેરના ૧૫૦ ફુટ રીંગ રોડ પર આવેલા વીઆઇપી લોન્જ બેગ્સના શો રૂમનો સ્ટોર મેનેજર પાંચ લાખથી વધુની રકમની ઉચાપત કરી જતાં ફરિયાદ થઇ છે. આ બનાવમાં માલવીયાનગર પોલીસે અમદાવાદ ગોતા પંચવટી રેસીડેનસી બી-૩૦૪, વંદે માતરમ ક્રોસ રોડ પાસે રહેતાં અને સોૈરાષ્ટ્ર કચ્છના વીઆઇપી બેગના તમામ શો રૂમના એરીયા મેનેજર તરીકે ફરજ બજાતાં જીજ્ઞેશભાઇ પ્રમોદભાઇ પટલની ફરિયાદ પરથી રાજકોટના ભાવનગર રોડ પર ગંજીવાડામાં રહેતાં પારસ અરવિંદભાઇ પરમાર વિરૂધ્ધ રૂા. ૫,૨૧,૫૬૭ની ઉચાપત વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જીજ્ઞેશભાઇ પટેલે જણાવ્યું છે કે રાજકોટના ૧૫૦ ફૂટ રીંગરોડ પર આવેલા વીઆઇપી લોન્જ શો-રૂમમાં પારસ અરવિંદભાઈ પરમાર તારીખ ૧/૧૧/૨૦૨૫ થી સ્ટોર મેનેજર તરીકે કાર્યરત હતો. સ્ટોરના તમામ વેચાણ, રોકડ અને સ્ટોકની જવાબદારી પારસ હસ્તક હતી. ગઈ તારીખ ૦૨/૦૨/૨૬ ના રોજ કંપની દ્વારા રાજકોટ બ્રાન્ચના એકાઉન્ટ્સ અને સ્ટોકનું ચેકિંગ-ઓડીટ કરવામાં આવ્યું હતું. તારીખ ૦૧/૧૧/૨૦૨૫ થી ૩૧/૦૧/૨૦૨૬ દરમિયાન થયેલા માલના વેચાણની તપાસ કરતા તેમાં ગેરરીતી માલુમ પડી હતી. માલ વેચાણની રોકડ રકમ રૂ. ૩,૦૮,૬૬૬, સ્ટોકની ખુટતી રકમ રૂ. ૨,૧૨,૯૦૧ મળી કુલ રૂા. ૫,૨૧,૫૬૭ની રકમની ઘટ આવી હતી. આ રકમ કંપનીના સત્તાવાર બેંક એકાઉન્ટમાં જમા કરાવવાના બદલે આરોપી પારસ પરમારે પોતાના અંગત વપરાશમાં વાપરી નાખી હતી.
ઓડિટ દરમિયાન આ કૌભાંડ સામે આવતા એરિયા મેનેજરે સ્ટોર મેનેજર પારસ પરમારને ફોન કરીને હિસાબ માંગ્યો હતો. તે સમયે પારસે પોતે રજા પર હોવાનું બહાનું બતાવી બે દિવસમાં હિસાબ મોકલી આપીશ તેવો વાયદો કર્યો હતો. પણ લાંબો સમય વીતી જવા છતાં તેણે હિસાબ ચૂકવ્યો ન હતો. શરૂઆતમાં બંને પક્ષો વચ્ચે સમાધાનની વાતચીત ચાલતી હોવાથી ફરિયાદ કરવામાં વિલંબ થયો હતો, પરંતુ અંતે કોઈ નિરાકરણ ન આવતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. માલવીયાનગર પીઆઇ જે. અમ. કૈલાની રાહબરીમાં હેડકોન્સ. કુલદીપસિંહ બી. ગોહિલે ગુનો નોંધતા વધુ તપાસ પીએસઆઇ આર. આર. કોઠીયાએ હાથ ધરી છે.
(3:02 PM IST)










