<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 14th June 2026

રાજકોટમાં મહોરમ નિમિત્તે પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાનું જાહેરનામું ૯ ફૂટથી વધુ ઊંચાઈના તાજીયા બનાવવા અને વહન કરવા પર પ્રતિબંધ

રાજકોટ: શહેરમાં આગામી તારીખ ૨૬ અને ૨૭ જૂન ૨૦૨૬ના રોજ મુસ્લિમ સમુદાય દ્વારા મહોરમ (તાજીયા)ના તહેવારની પરંપરાગત ઉજવણી કરવામાં આવનાર છે. આ તહેવાર દરમિયાન ઝુલુસ પ્રક્રિયા સરળતાથી પૂર્ણ થાય, ટ્રાફિક વ્યવસ્થા ખોરવાય નહીં, તેમજ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે હેતુથી રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા એક ખાસ જાહેરનામું બહાર પાડીને કેટલાક કડક નિયમો અને પ્રતિબંધો લાગુ કરવામાં આવ્યા છે.

​આ જાહેરનામું તારીખ ૧૭/૦૬/૨૦૨૬ ના રોજ કલાક ૦૦:૦૦ થી તારીખ ૨૮/૦૬/૨૦૨૬ ના કલાક ૨૪:૦૦ સુધી સમગ્ર રાજકોટ શહેર પોલીસ કમિશનરેટ વિસ્તારમાં અમલી રહેશે.

​મુખ્ય પ્રતિબંધિત કૃત્યો અને નિયમો:​તાજીયાની ઊંચાઈ મર્યાદા: તાજીયાની બેઠક સહિત ૦૯ (નવ) ફૂટ કરતાં વધારે ઊંચાઈના તાજીયા બનાવવા, વેચવા તથા જાહેર માર્ગ પર તેનું પરિવહન કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.​જગ્યા અને સફાઈની જવાબદારી: નિયત કરેલા સ્થળ સિવાય અન્ય જગ્યાએ તાજીયા રાખવા પર પ્રતિબંધ છે. તાજીયા બનાવવાના કે વેચાણના સ્થળે આજુબાજુ ગંદકી ન કરવી તેમજ જાહેર રોડ પર ટ્રાફિકને અડચણ થાય તે રીતે તાજીયા રાખવા નહીં. પબ્લિક સ્ટોલ કે જાહેર રસ્તા પર સફાઈ રાખવાની અને કચરાપેટી મુકવાની જવાબદારી તાજીયા કમિટીના આયોજકોની રહેશે.​ધાર્મિક લાગણી અને વર્તન: કોઈ પણ ધર્મના લોકોની ધાર્મિક લાગણી દુભાય તેવા ચિન્હો કે નિશાનીવાળા તાજીયા બનાવવા નહીં, ખરીદવા નહીં કે તેવું વર્તન કરવું નહીં. કોઈ પણ તાજીયાને બિનવારસી હાલતમાં મૂકી શકાશે નહીં. ​રૂટ અને સમય મર્યાદા: પોલીસ સ્ટેશન દ્વારા જે રૂટ અને સમયની મંજૂરી આપવામાં આવી હોય, તે જ નક્કી કરેલા રૂટ પર અને સમય મર્યાદામાં જ તાજીયા પૂર્ણ કરવાના રહેશે. પરમિટ સિવાયના અન્ય રૂટ પર જવા પર પ્રતિબંધ છે. ​ધ્વનિ પ્રદૂષણ પર પ્રતિબંધ: સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના નિયમો અનુસાર રાત્રે ૧૦:૦૦ વાગ્યાથી સવારના ૦૬:૦૦ વાગ્યા સુધી લાઉડ સ્પીકર વગાડવા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. સ્પેશિયલ બ્રાન્ચના ધ્વનિ પ્રદૂષણ અંગેના જાહેરનામાનું ચુસ્ત પાલન કરવાનું રહેશે. ​વીજ વાયરિંગ અંગે સુરક્ષા: તાજીયામાં લાઈટિંગ (બલ્બ, ડેકોરેટિવ ફિટિંગ સીરીઝ વગેરે) માટેનું વાયરિંગ ખુલ્લું રાખવા પર પ્રતિબંધ છે. તેમજ ચાલુ વીજ લાઈનને કોઈ પણ ધાતુના પદાર્થ કે લાકડાની કેચી (વાંસ/બામ્બુ) વડે ઊંચા કરવા પર સખત પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

​આ જાહેરનામાના કોઈ પણ નિયમનો ભંગ કરનાર વ્યક્તિ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS)-૨૦૨૩ ની કલમ ૨૨૩ હેઠળ કાયદેસરની શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. રાજકોટ શહેરમાં ફરજ બજાવતા પોલીસ હેડ કોન્સ્ટેબલ અને તેનાથી ઉપરના દરજ્જાના તમામ પોલીસ અધિકારીઓને આ અંગે ફરિયાદ કરવા માટે અધિકૃત કરવામાં આવ્યા છે.

(12:29 PM IST)