<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th June 2026

તમે બેય છુટાછેડા કરાવવામાં બહુ રસ લ્‍યો છો કહી વિવેકે નાનાજીને ક્રુરતાથી પતાવી દીધાઃ હત્‍યાનો અફસોસ નથી

ઇન્‍સ્‍ટાગ્રામથી પ્રેમ થયો લગ્ન થયા, પાંચ મહિનામાં પત્‍નિ રિસામણે જતી રહીઃ આ પછી મુળ ભાલકા તિર્થના હાલ રાજકોટ રહેતાં વિવેકગીરીને એમ હતું કે-તેના લગ્ન તોડાવવામાં પત્‍નિના નાના-નાની રસ લઇ રહ્યા છે આથી વંડી ઠેંકી ઘરમાં ઘુસી ખૂની ખેલ ખેલ્‍યોઃ વિમલનગરમાં હત્‍યામાં આરોપી કલાકોમાં પકડાયો : મારે પત્‍નિને મળવા જવું છે તેવું મિત્રને ખોટુ કહી તેના બાઇકમાં બેસી વિમલનગરમાં આવ્‍યોઃ મિત્ર જતો રહ્યા બાદ વંડી ઠેંકી ઘરમાં ઘુસી લોહીલુહાણ હાલતમાં બહાર આવ્‍યોઃ મિત્રએ શું થયું પુછતાં ખોટુ થઇ ગયાનું કહ્યું: છરી ચોટીલા તરફથી લીધાનું રટણ પતિ પ્રવિણભાઇ શાહને બચાવવા વચ્‍ચે પડેલા નાનીજી સાસુ ઇલાબેનને પણ વિવેકે આડેધડ ઘા ઝીંકતાં સારવારમાં: પોલીસે તેમને ફરિયાદી બનાવ્‍યા

 

રાજકોટ તા. ૧૫: શહેરના યુનિવર્સિટી પોલીસ સ્‍ટેશનની હદમાં રવિવારે હત્‍યાની વધુ એક ઘટના બની હતી. જો કે આરોપીને કલાકોમાં પોલીસે પકડી લીધો હતો. મુળ વેરાવળ ભાલકા તિર્થના વતની અને હાલ રાજકોટ પંચાયત ચોક નજીક પી.જી.માં રૂમ રાખીને રહેતાં વિવેકગીરી પ્રકાશગીરી ગોસ્‍વામી (ઉ.વ.૨૩)ને ઇન્‍સ્‍ટાગ્રામ મારફત રાજકોટના તેજલબેન જીજ્ઞેશભાઇ પટેલની દિકરી દિયા સાથે પરિચય અને પ્રેમ થયા બાદ બંનેએ કોર્ટમેરેજ કર્યા હતાં. પણ દિયા હાલ વિમલનગરમાં નાના પ્રવિણભાઇ શાહ અને નાની ઇલાબેન શાહના ઘરે રહેતી હતી. નાનાજી અને નાનીજી પોતાના લગ્ન તોડાવી છુટાછેડા કરાવવા માંગે છે તેવું વિવેકગીરીને લાગતું હોઇ તે રાતે દિવાલ ઠેંકી નાનાજી સસરાના ઘરમાં ઘુસ્‍યો હતો હતો અને હત્‍યા કરી ભાગ્‍યો હતો. ઝડપાઇ ગયા બાદ તેને આ કૃત્‍યનો કોઇ અફસોસ હોય તેવું જણાયું નહોતું. છરી તે ચોટીલા તરફથી લાવ્‍યાનું રટણ કરતો હોઇ વિશેષ તપાસ થઇ રહી છે.

હત્‍યાની આ ઘટનામાં યુનિવર્સિટી પોલીસે વિમલનગર-૧ રાધેશ્‍યામ ડેરીવાળી શેરીમાં પાર્શ્વપ્રસાદ નામના મકાનમાં રહેતાં ઇલાબેન પ્રવિણભાઇ શાહ (ઉ.વ.૬૦)ની ફરિયાદ પરથી તેની દિકરી તેજલબેન જીજ્ઞેશભાઇ પટેલના જમાઇ મુળ વેરાવળ ભાલકા તિર્થના અને હાલ રાજકોટ પી.જી.માં રહેતાં વિવેકગીરી પ્રકાશગીરી ગોસ્‍વામી સામે હત્‍યાનો ગુનો નોંધી તેને ઝડપી લીધો છે.

ઇલાબેને ફરિયાદમાં જણાવ્‍યું છે કે મારે સંતાનમાં એક દિકરો, એક દિકરી છે. દિકરો લંડન રહે છે. દિકરી તેજલબેનને પતિ સાથે વાંધો હોઇ તેની દિકરી દિયા સાથે તે પુષ્‍કરધામ સોસાયટી બ્‍લોક નં. ૨માં અમારાથી અલગ રહે છે. તેની દિકરી દિયાએ સપ્‍ટેમ્‍બર-૨૦૨૫માં ભાલકાના વિવેકગીરી સાથે કોર્ટ મેરેજ કર્યા હતાંઉ ત્‍યરાબાદ દિયા અને વિવેકગીરી વચ્‍ચે લગ્ન બાબતે વિવાદ થતાં દિયાને ૧૩/૫ના રોજ અમે રાજકોટ તેડી લાવ્‍યા હતાં. ત્‍યારથી દિયા અને મારી દિકરી તેજલબેન રાજકોટ રહે છે. રવિવારે ૧૩/૬ના રાતે સાડા અગીયારેક વાગ્‍યે હું અને મારા પતિ પ્રવિણભાઇ સુંદરજીભાઇ શાહ (ઉ.વ.૭૦) સુઇ ગયા હતાં.

રાતે દોઢથી બે વચ્‍ચે વિવેકગીરી કોઇપણ રીતે અમારા બેડરૂમમાં ઘુસી આવ્‍યો હતો અને અમને બંને પતિ-પત્‍નિે બેડમાંથી ઉભા કરી કહેલું કે-હાલો ઉભા થાવ તમે મારા અને દિયાના છુટાછેડા કરાવવામાં બહુ રસ લ્‍યો છો, આજે તમને બંનેને મારી નાંખવાના છે તેમ કહી મારા પતિને ધક્કો મારી જમીન પર પાછડી દઇ છરીથી આડેધડ ઘા મારવા માંડયો હતો. બાદમાં મને પર વિવેકે માથાના ભાગે, ડોક, બંને ખભા પર અને હાથના પંજામાં ઘા મારી દેતાં હું સોફા પર પડી ગઇ હતી. અમે બંનેએ રાડારાડી કરતાં વિવેક વંડી ઠેંકી ભાગી ગયો હતો. અમરા પાડોશી ટીનાભાઇ આવી જતાં તેણે નજીકમાં રહેતી મારી દિકરી તેજલબેનને ફોન કરતાંતે આવી ગઇ હતી. અમને બંનેને ૧૦૮માં હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ મારા પતિ પ્રવિણભાઇ શાહને ડોક્‍ટરે મૃત જાહેર કર્યા હતાં. મારી દોહીત્રી દિયાના અમે વિવેકગીરી સાથે છુટાછેડા કરાવવામાં રસ લઇએ છીએ એવુ માની વિવેકગીરીએ મારા પતિની હત્‍યા કરી હતી અને મારી હત્‍યાનો પ્રયાસ કર્યો હતો. તેમ વધુમાં ઇલાબેને જણાવતાં પીઆઇ સી. એન. દવે, પીએઆઇ વી. જી. ડોડીયા, એએસઆઇ સુભાષભાઇ કુગશીયા સહિતે ગુનો નોંધ્‍યો હતો.

દરમિયાન ડી. સ્‍ટાફની ટીમે બાતમીને આધારે આરોપી વિવેકગીરીને માધાપર ચોકડી નજીકથી પકડી છરી કબ્‍જે લીધી હતી. વિવેકગીરીના માતા બબીતાબેન ગોસ્‍વામી  વેરાવળ જીઆરડીમાં ફરજ બજાવે છે. વિવેક  હાલ રાજકોટમાં રૂમ રાખી પી.જી.માં રહે છે. હાલ તે કંઇ કામ કરતો નથી. અગાઉ મોબઇલ રીપેરીંગ કરતો હતો. ઇન્‍સ્‍ટાગ્રામ મારફત તેનો દિયા સાથે સંપર્ક થયા બાદ બંનેને તા. ૨/૯/૨૫ના કોર્ટ મેરેજ કર્યા હતાં. બાદમાં દિયા તેની સાથે પાંચેક મહિના જ રહી હતી. એ પછી તે માતા પાસે આવી ગઇ હતી અને હાલ નાના-નાની સાથે રહેતી હતી. વિવેકગીરીએ રટણ કર્યુ હતું કે મારા નાના-નાની છુટાછેડા કરાવવામાં ખુબ રસ લેતાં હતાં એટલે મને ગુસ્‍સો હતો. છરી પોતે અગાઉ ચોટીલા ગયો ત્‍યાંથી લાવ્‍યાનું તેણે રટણ કર્યુ હતું. હત્‍યા કર્યાનો તેને કોઇ અફસોસ હોય તેવું જણાયું નહોતું.

પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્‍ય માંડલીક, ડીસીપી રાકેશ દેસાઇ, એસીપી બી. જે. ચોૈધરીની સુચના અંતર્ગત પીઆઇ સી. એન. દવે, પીએસઆઇ વી. જી. ડોડીયા, એએસઆઇ સુભાષભાઇ કુગશીયા, જગમાલભાઇ ખટાણા, હેડકોન્‍સ. વિરદેવસિંહ જાડેજા, પ્રતાપસિંહ મોયા, વિજુભા જાડેજા, મહિપાલસિંહ જાડેજા, ગોપાલસિંહ જાડેજા, કોન્‍સ. દિવ્‍યરાજસિંહ સુખદેવસિંહ, મૈસુરભાઇ કુંભારવાડીયા, દિવ્‍યરાજસિંહ ટેમભા, પ્રાદિત્‍યસિંહ ઝાલા, અક્ષયભાઇ ભાખર, ધારાબેન મેઘાણીએ આ કામગીરી કરી હતી.

(11:52 AM IST)